Thursday, April 2, 2015

વમળ -૧ [અજય પંચાલ]

કેનકુનથી ટુલુંમ જતી નાનકડી કેડી પર પુરપાટ વેગથી ઘોડો દોડી જતો હતો. આમતો આ આ બન્ને સ્થળો ને જોડતો મુખ્ય માર્ગ પણ છે. પણ આ કેડી થોડો નિર્જન પણ ટૂંકો માર્ગ છે. ભૂખરા રંગનો જાતવાન ઘોડો અસવારનો મિજાજ પારખી ગયો એમ એકધારી ગતિથી ચારે પગે દોડી રહ્યો હતો. ઘોડા પર સવાર થયેલી યુવતીએ ક્રીમ કલરનું કોડ્રોયનું ચુસ્ત પેન્ટ પહેરેલું હતું. ઉપર મુલાયમ પોતનું શરીર પર ચસોચસ બેસતું કથ્થાઈ કલરનું ટોપ, પેન્ટમાં ઇન્ કરેલું હતું. એની ઉપર પાતળું સફેદ કલરનું નાનું જેકેટ, ગળામાં સુંદર મજાનો આછા કથ્થઈ કલરનો સ્કાર્ફ, કમર પર મોટાં બક્કલવાળો ચામડાનો બેલ્ટ, માથે ક્રીમ કલરની પી કેપ અને પગમાં ઘુંટણ સુધી આવતાં મોંઘા શુઝ પહેરેલા હતાં. આંખો પર ઓકલીના સનગ્લાસીસ સાથે એક હાથે ઘોડાની લગામ પકડીને ઘોડાને દોડાવતી યુવતીએ બીજા હાથે ઘોડા પર લાદેલા જીનનો હાથો પકડી રાખ્યો હતો. ઘોડો અસવારના મનમાં ચાલતા વિચારોની જેમ જ વાંકીચૂંકી કેડી પર પુરપાટ દોડતો જતો હતો. દોડતાં ઘોડા સાથે યુવતીનુ શરીર પણ લયબદ્ધ રીતે તાલ મેળવતું હતું. પી કેપમાંથી કાઢેલાં આછા ભૂખરા વાળ ઘોડાની પૂંછડીની જેમ આમતેમ ઉછળતાં જતા હતા. પૂર્વમાં ઉગેલા સૂર્યના કિરણો યુવતીના મ્હોં પર પડતા હતા. યુવતીના ગૌર ચહેરા પરથી પ્રસ્વેદના રેલાં દડતાં હતા. રસ્તો ઉબડ ખાબડ હતો પણ આગળ જતા થોડી સમતલ જમીન હતી. ત્યાં આવીને એણે લગામ ખેંચીને ઘોડાની ગતિ ધીમી પાડી. ઘોડો થાક્યો હતો. ઘોડે સવારી શ્વેતાનો શોખ હતો. ઘોડો ધીમી ગતિએ સવારે ચિંધેલા માર્ગ પર ચાલવા લાગ્યો. એ ટુલુંમ પાસે આવી પહોંચી હતી. ટુલુંમ મેક્સિકોનું પ્રખ્યાત માયા સંસ્કૃતીના ખંડેર સાચવતું ઐતીહાસિક સ્થળ છે. વરસો પહેલા માયા સંસ્કૃતી અહિયાં વિકસી હતી અને સમયની આધુનિકતા સાથે સાથે ધ્વંસ પણ થઇ ગઈ હતી. ઘોડા પર સવાર થયેલી યુવતી હતી શ્વેતા. શ્વેતા ભારદ્વાજ કુટુંબની લાડકવાઈ દીકરી હતી. એ હંમેશા વેકેશનનો સમય ગાળવા દુનિયાના અલગ અલગ સ્થળોએ જતી. મેક્સિકોમાં કેનકુન એનું પ્રિય સ્થળ હતું. આમતો કેન્કુનમાં ઘણા રીઝોર્ટ્સ હતા. આ બધાં રીઝોર્ટ્સથી થોડે દુર ભારદ્વાજ કુટુંબનું બીચ હાઉસ હતું. ભારદ્વાજ કુટુંબના સભ્યોમાંથી કોઈક તો આ બીચ હાઉસ પર ના હોય એવું બનતું નહિ. ભારદ્વાજ કુટુંબના સર્વેસર્વા વિનાયક ભારદ્વાજની મિલકતો ઠેર ઠેર પથરાયેલી હતી. આ વખતે શ્વેતા એની ખાસ ફ્રેન્ડ સીમા સાથે વેકેશન માણવા આવી હતી. સીમા પણ શ્રીમંત કુટુંબમાંથી આવતી હતી પણ એમનું કુટુંબ ભારદ્વાજ કુટુંબની સરખામણીએ ઘણું જ પાછળ હતું. સીમા સવારે મોડેથી ઉઠતી. પણ શ્વેતા વહેલી સવારે સૂર્યોદય થતાં પહેલા જ ઘોડેસવારી માટે નીકળી જતી. આજે સવારે જ મા એ એને ફોન કર્યો, લાગ્યું કે એ કઈ ખાસ વાત કરવા માંગતી હતી, પણ પછી એણે ઠીક થી વાત ના કરી. શ્વેતા એની મા અને પાપાની લાડકી હતી. ગમે ત્યાં હોય પણ એ એની સાથે વાત ના કરે એમ ક્યારેય બનતું નહિ. શ્વેતા માટે એનો પિતા એક હીરો હતાં. એ એના પિતાને ખુબ જ ચાહતી. એ ટુલુંમ પાસે થઈને ત્યાંથી દરિયા કિનારા તરફ ઘોડાને વાળ્યો. હવે ઘોડો દરિયા કિનારાની રેતી માં રેવાલ ચાલે ચાલતો હતો. થોડે દુર એક પાલ્મ ટ્રી નું થડ પડ્યું હતું. એણે ઘોડો ત્યાં રોક્યો અને બાજુમાં રેતીના ઢગ પાસે એ બેઠી. એનાં ગૌર ચહેરા પર પ્રસ્વેદબિંદુઓ બાઝ્યાં હતા. એણે પી કેપ કાઢીને બાજુ પર મૂકી. વાળની લટો પ્રસ્વેદથી ભીની થઈને એના ચહેરાને ચોંટતી હતી. પ્રસ્વેદના રેલા મુખ પરથી રેલાઈને ગળા પર થઈને એના ટોપની અંદર જતા હતા. એનો શ્વાસોશ્વાસ ખુબ ઝડપથી ચાલતો હતો. એણે જેકેટ અને સ્કાર્ફ ઉતારીને બાજુ પર મુક્યાં. એ પગ લાંબો કરીને બેઠી. દ્રશ્ય ખરેખર મનોહર હતું. વહેલી સવારના ઉગતા સૂર્યના કિરણો દરિયાના પાણી પર પડતા હતા. સોનવર્ણા સૂર્યકિરણો બેઠેલી શ્વેતા પર પડતા હતા. કરેબિયન સાગરના મોજા ખડક પર અથડાવાના અવાજ સાથે મંદ મંદ વહેતો સમીર શ્વેતાના વાળની લટો સાથે અડપલાં કરતો જતો હતો. વાતાવરણ ખુબ જ સુદર હતું. સૌન્દર્યની આધુનિક મુરતની જેમ શ્વેતા ત્યાં બેઠી હતી. વહેલી ટુલુંમ પાસે બહુ થોડા માણસો રહેતા. બપોરે પર્યટકોની બહુ જ ભીડ રહેતી. આર્યનને ઐતીહાસિક સ્થળોમાં બહુ જ રસ પડતો. એ વહેલી સવારે ટુલુંમ જોવા આવ્યો હતો. પણ દુર થી જ એની નજર દરિયા કિનારાની નજ્દિક બેઠેલી સુંદર યુવતી પર પડી. આર્યને આ દ્રશ્ય જોયું અને એ જોતો જ રહી ગયો. શ્વેતા વિચારોમાં ગર્ત હતી.
ભારદ્વાજ કુટુંબ મુંબઈના અતિ શ્રીમંત પરિવારોમાં અગ્રેસર હતું. ભારદ્વાજ એમ્પાયર ભારતમાં મોટાભાગના સ્થળોમાં પ્રસરાયેલું હતું. ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીમાંથી શરૂઆત કરીને આજે ભારદ્વાજ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ટેક્સટાઈલ, પેટ્રોકેમિકલ્સ, પેટ્રોલીયમ રીફાઇનરી, સ્ટીલ, માઈનીંગ, ટેલીકોમ્યુનીકેશન વિગેરે ધંધાઓમાં અગ્રેસર રહીને હવે રીટેઈલ બીઝનેસમાં પણ ઝંપલાવી ચુક્યું હતું. ભારદ્વાજ ઇન્ડસ્ટ્રી દુનિયાની ફોર્ચ્યુન 500 કંપનીઝ માં સ્થાન પામી ચુકી હતી.કહેવાતું હતું કે વિનાયક ભારદ્વાજે પોતાના એકલા હાથે આ અઢળક સંપતિ હાંસિલ કરી હતી. વિનાયક ભારદ્વાજ એક અતિ ગરીબ કુટુંબમાંથી આવેલ સામાન્ય વ્યક્તિ જ હતો. મહારાષ્ટ્રના માલેગાંવ નામના એક નાના ગામમાં એનો ઉછેર થયો હતો. નાની ઉમરે જ એણે અવનવા ધંધા કરવા માંડ્યા હતા. પણ નશીબ તો આડું જ રહ્યું. પિતાએ નાનપણમાં જ એના વિવાહ એમના મિત્ર સખારામ કોન્ડકે ની પુત્રી સ્નેહલતા સાથે કરી દીધા હતા. જાત જાતના ધંધામાં નશીબ અજમાવતો અને દરેક ધંધામાં ખોટ ખાતો વિનાયક કોઈ પણ રીતે પૈસાદાર થવાય એ મહેચ્છા ધરાવતો હતો. છેવટે એક મિત્ર સાથે નશીબ અજમાવવા શારજાહ ગયો. શારજાહમાં પણ એ જાતજાતની નોકરીઓ કરી અને પૈસા કમાવવાનો પ્રયત્નો કરતો રહ્યો. સામાન્ય નોકરી કરવા ગયેલા વિનાયકના નશીબનું પાંદડું ફરી ગયું હતું. દેશમાં નિષ્ફળ નીવડેલાં વિનાયકની જીંદગીમાં અચાનક જ બહાર આવી હતી. પછી એના તરફથી સંદેશાવ્યવહાર બંધ થઇ ગયો. ઘણા સમય સુધી તો એનો કોઈ જ પત્તો નહોતો. લગભગ ચાર વરસ વીતી ગયા. સ્નેહલતા વિનાયકના માતા પિતા સાથે વિનાયકે શારજાહ જતા પહેલા એનામાં સીંચેલી ભેટ સાથે ચિંતામાં જીવતી હતી. વિનાયકના પિતાએ એમના પૌત્રનું નામ રાખ્યું હતું શુબાન. વિનાયકના પિતા મૂળ તો ઉત્તર ભારતના હતા પણ વરસોથી એમનો વસવાટ નાશિક પાસેના માલેગાંવમાં હતો. ગણપતિ ગજાનંદમાં અપાર શ્રદ્ધા એટલે દીકરાનું નામ વિનાયક અને પૌત્રનું નામ શુબાન રાખ્યું હતું. આખરે શુબાન સાડાપાંચ વરસનો થયો ત્યારે અચાનક જ એક દિવસ વિનાયક પરત આવ્યો. પરદેશથી પાછા આવેલા વિનાયકના ઠાઠ બદલાઈ ચુકેલા હતા. એ એની સાથે પારાવાર ધન કમાઈ લાવ્યો હતો. એ ધનના સહારે જ વિનાયકે ટેક્સટાઈલ મિલ શરુ કરી હતી. વિનાયકમાં હવે ધંધાની રુખ પકડવાની કુશળતા આવી ગઈ હતી. ક્યારે કોને કઈ રીતે હાથમાં રાખવા એની ફાવટ વિનાયકને શારજાહમાંથી જ આવી ગઈ હતી. મિલમાં પણ અઢળક ધન કમાઈને વિનાયકે ધીરે ધીરે બીજા ધંધાઓમાં પણ હાથ અજમાવવા માંડ્યો અને ધીરે ધીરે સફળતાની સીડીઓ ચઢતો વિનાયક ભારદ્વાજ ગ્રુપ્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝનો સર્વેસર્વાં બની ગયો. આ દરમ્યાન વિનાયક -લતાના ઘરે નાનકડી પરી શ્વેતાનું આગમન થઇ ચુક્યું હતું. સાત વરસના શુબાન માટે નાનકડી પરી શ્વેતા ખુબ જ વ્હાલસોઈ હતી. એ જયારે પણ બાળકોને પ્રેમ કરતો ત્યારે અઢળક સંપત્તિના માલિક વિનાયક ભારદ્વાજની રુક્ષ પણ આકર્ષક ચહેરા પર હમેશા આછું દર્દ ભર્યું સ્મિત છવાયેલું રહેતું. ક્યારેક એમ લાગતું કે એની જીંદગીમાં ક્યાંક કશું ખૂટતું હોય કે કોઈને અન્યાય કર્યો હોય એ જાતનું દર્દ એના મનમાં આવી જતું. પણ એ ક્યારેય સ્નેહલતા કે એના પિતાને એવું કળવા નહોતો દેતો. સમયે સમયે વિનાયક બીઝનેસ ટુર પર તો જતો જ હતો. પણ ઘણી વેળા એનું વિદેશ રોકાણ અકારણ લંબાતું. સ્નેહલતા બાળકોના અભ્યાસ અને ઉછેરમાં જ ધ્યાન આપતી. એ સીધી સાદી અને ખુબ જ સાલસ સ્વભાવની સ્ત્રી હતી. વિનાયક ધંધાના વિકાસ માટે દેશ-વિદેશમાં ફરતો રહેતો હતો. ભારતમાં ઔદ્યોગિક જગતમાં પગ જમાવવાની સાથે સાથે એ વિદેશોમાં પણ પોતાની ઓફીસ ખોલતો જતો હતો. શારજાહનું એને આકર્ષણ વધારે રહેતું.
દરિયા કિનારે બેઠેલી શ્વેતા કયાંય સુધી વિચારોમાં ડૂબેલી જ રહી. એના મનમાં આજે માના આવેલા ફોનની વાત ઘુમરાતી હતી. એને લાગ્યું કે મા થોડી પરેશાન લાગતી હતી પછી એમ પણ વિચાર્યું કે કદાચ મા એને મિસ કરતી હશે એટલે એવું લાગ્યું હશે. થોડીવાર પછી શ્વેતા એ ઉભા થઈને જેકેટ પહેર્યું, એનો ઘોડો પલાણ્યો અને સડસડાટ કેડી માર્ગે નીકળી ગઈ. દુરથી જ આર્યને એણે જોઈ હતી.દુરથી જ એને લાગ્યું હતું કે યુવતી ઇન્ડિયન હતી. એ એના સૌન્દર્યથી અભિભૂત થઇ ગયો હતો. એ ઝડપથી શ્વેતા બેઠી હતી ત્યાં આવ્યો પણ એટલામાં તો શ્વેતા નીકળી ચુકી હતી. એને બુમ મારવાનો પ્રયત્ન પણ કર્યો પણ શ્વેતાના કાને એનો અવાજ પડ્યો જ નહીં. આર્યને નજીક આવીને જોયું તો એને શ્વેતાનો કથ્થઈ કલરનો સ્કાર્ફ દેખાયો. શ્વેતા ઉતાવળમાં એ ભૂલી ગઈ હતી. આર્યને સ્કાર્ફ ઉઠાવ્યો, એમાંથી એક અનેરી સુગંધ આવતી હતી. આર્યને શ્વેતાને દુરથી જ જોઈ હતી. શ્વેતાએ એના મનમાં કશી ના સમજાય એવી લાગણી જન્માવી હતી. એણે સ્કાર્ફને પોતાની પાસે રાખ્યો. એક એ આશા એ કે આ યુવતી એને ક્યાકતો ભટકાશે જ.
બીચ હાઉસ નજદીક આવતાં શ્વેતાએ ઘોડાને ધીમી ગતિએ ચલાવ્યો. બીચ હાઉસના પ્રાંગણમાં શ્વેતા છલાંગ મારતી ઘોડા પરથી ઊતરી. શ્વેતાએ દરવાનના હાથમાં ઘોડાની લગામ સોંપી, ઘોડાની પીઠ થપથપાવી, ગરદન પાસે હાથ પંપાળીને વ્હાલથી આભારની લાગણી વ્યક્ત કરી. શ્વેતાને મુક જાનવર પ્રત્યે ખુબ જ હમદર્દી હતી. એમાં ખાસ કરીને હોર્સ અને ડોગ્સ પ્રત્યે. મુંબઈ એમના બંગલામાં ત્રણ ઉંચી ઓલાદના કૂતરાં હતા. બે ઊંચા અને પડછંદ એમાં “ટાઇગર” આલ્શેશીયન, “ચંક્સ” રોટ વાઈલર અને નાનકડો મજાનો પ્યારો “ચાર્લી” છુવાવા. ત્રણે ઉમદા ઓલાદના ખતરનાક પણ એટલા જ પ્યારા કૂતરાં હતા. એ વિશાળ દિવાનખાનામાં આવી તો સીમા ઉઠી ચુકી હતી. એને જોતા જ સીમા બોલી, “હાય શ્વેતા, તું તો સવાર સવારમાં જ નીકળી પડી’ ને? મને ઉઠાડી કેમ નહિ?”
શ્વેતા એ હસતા કહ્યું, “તું વળી કયા દિવસે વહેલી ઉઠે છે. હું નીકળી ત્યારે તો તું ઘોરતી હતી. તને ખબર છે ને કે મને ઘોડેસવારીનો કેટલો શોખ છે? અને અહી મેક્સિકોનું ખુલ્લું, ખુશનુમા વાતાવરણ, સવારની ઠંડકમાં ઘોડેસવારી કરવાની મજા જ કઈ ઓર છે. મુંબઈમાં આવો લ્હાવો નથી મળતો” બોલતા શ્વેતાના મુખ પર એક ખુશીની લહેર ઉભરાઈ આવી.
” તે કોફી – નાસ્તો કર્યો કે બાકી જ છે ?”
“ડાર્લિંગ, તારી જ રાહ જોતી હું બેઠી હતી.” બોલતા સીમા એ પાસે પડેલું ગોંગ વગાડ્યું અને નોકર ને કોફી અને નાસ્તો સર્વ કરવા કહ્યું.
બીચ હાઉસમાં બધા જ નોકરોની ભરતી એમની લાયકાત જોઇને જ કરાતી. બધા જ નોકરો આમ તો મેક્સિકન હોવા છતાં અંગ્રેજી ઘણું સારું બોલતાં. ડાઈનીંગ ટેબલ પર કોફી સાથે નાસ્તાને ન્યાય આપતાં સીમા એ કહ્યું, “એય, વહેલી સવારે કોનો ફોન હતો? પાપાનો ફોન હતો?” સીમા પણ શ્વેતાના પાપા ને પાપા જ કહીને બોલાવતી. સીમા શ્વેતાની મિડલ સ્કુલથી દોસ્તી વિકસી હતી. લગભગ સાથે જ મોટા થયેલા એટલે એ બેમાં બહેનો જેવો પ્રેમ હતો. ક્યારેય કોઈ વસ્તુ માટે એ બે માં કોઈ ઝઘડો નહતો થયો કે નહોતું કોઈ વાત પર માઠું લાગ્યું. બંને એકબીજાને સાથે લગભગ બધી જ વાતો કરતી. શ્વેતા બધાની લાડકવાયી હતી પણ સીમા માટે તો દિલોજાન દોસ્ત હતી.
“ના, પાપા તો એમની ટુર પર છે, એમનો sms મેસેજ તો રાતે જ આવી ગયો હતો. મા નો ફોન હતો ” કહીને શ્વેતાએ વાત ઉડાડી દીધી. આમ તો શ્વેતા સીમાથી કોઈ વાત છુપાવતી નહિ પણ આ માની વાતનો તાગ મેળવ્યા વિના તે કશું કહેવા કે ચર્ચવા નહોતી માંગતી.
“એય, ચાલ જલ્દીથી તૈયાર થઇ જા, પછી આપણે ડાઉન-ટાઉન જઈએ” સીમા બોલી. શ્વેતા થોડી થાકી હતી તેથી હમણા બહાર જવાના મૂડમાં નહોતી.
“ના રે બાબા! હમણાં નહિ, સાંજે જઈશું. રાત્રે ડીનર પણ બહાર કરીશું અને પછી “કોકો બોન્ગો” માં ડાન્સ માટે ય જઈશું. હમણાં તો મારો સ્વીમીંગનો ઈરાદો છે!” આંખો નચાવતાં શ્વેતા બોલી ને પછી કપડાં બદલવાં એના રૂમમાં ગઈ. કોકો બોંગો કેન કુન-રિવેરા વિસ્તારની પ્રખ્યાત નાઈટ ક્લબ હતી. શ્વેતાએ એના રૂમમાં જઈને એક પછી એક કપડાં ઉતાર્યાં અને આછા પીળા કલરનો ટુ-પીસ સ્વીમીંગ સ્યુટ ચઢાવ્યો. એણે અરીસામાં એનું પ્રતિબિંબ જોયું. ભગવાને એને ગજબની સુંદર બનાવી હતી. એની ત્વચા સ્નિગ્ધ અને ગોરી હતી. મ્હો ખુબ જ રૂપાળું, દાડમના દાણા જેવા દાંત, એ હસતી ત્યારે એના ગાલ પર ખંજન પડતા. વાળ સહેજ ભુખરા પણ સુંવાળા અને વાંકડિયા હતા. સપ્રમાણ ગરદન અને ટટાર સીનો એના યૌવનને આકર્ષક બનાવતાં હતાં. લો કટ સ્વીમીંગ કોસ્ચ્યુમમાંથી એના યૌવનનો ઉભાર જાણે ઉછાળા મારતો હતો. એ થોડી માંસલ હતી. પણ શરીર પર ક્યાય પણ ઝાઝી ચરબી નહોતી. પાતળી કમનીય કમર અને પગ સુડોળ હતાં. પોતાની કમનીય કાયા નિહાળીને એના ચહેરા પર સાહજિક સ્મિત આવ્યું. એ ધીમેથી ડગ ભરતી બીચ હાઉસની પાછળના ભાગમાં આવી. પાછળના ભાગમાં સુંદર મજાનો મોટો સ્વીમીંગ પુલ હતો. ડાઈવીંગ બોર્ડ પર આવીને એ ખુબ જ સિફતથી ભૂરા પાણીમાં ખાબકી. ક્યાંય સુધી એ જલપરીની માફક પાણીમાં તરતી રહી. થોડીવાર પછી સીમા ય એમાં જોડાઈ. જાંબલી કલરના વનપીસના સ્વીમીંગ કોસ્ચ્યુમમાં સીમા ય ખુબસુરત લાગતી હતી. બંને બહેનપણીઓ કિલ્લોલ કરતી એકબીજા સાથે મસ્તી કરતી પાણીમાં તરતી રહી.
મેક્સિકોની સાંજ બહુ રળિયામણી હોય છે. વર્ષના મોટાભાગના સમયમાં પવન હમેશા વહેતો જ રહે છે. તેથી વાતાવરણ ખુશનુમા રહે છે. બપોરે વાતાવરણ સહેજ ગરમ થાય પરંતુ ત્યારે તો સહેલાણીઓ ક્યાંતો બીચ પર કે સ્વીમીંગ પુલમાં શરીરને ઠંડક પહોચાડતા હોય, પણ સાંજ પડે ડાઉન ટાઉન સહેલાણીઓથી ઊભરાવા માંડે. ડાઉન ટાઉનમાં મેક્સિકન બનાવટની ચીજ વસ્તુઓ, સુવેનીયર, લાકડાની કારીગરી વાળી કલાત્મક વસ્તુઓની ઘણી બધી શોપ્સ આવેલી છે. આ ખાસ સહેલાણીઓ માટેનું જ પર્યટક સ્થળ છે એટલે અલગ અલગ દેશના રેસ્તોરંટ પણ ખુબ જ છે. ટાઉનની મધ્યમાં મેક્સિકોના પહેલા પ્રેસિડેન્ટ નું પુતળું છે અને એની આજુબાજુ રંગીન પાણીના ફુવારા સંગીતની ધૂન પ્રમાણે કલાત્મક રીતે રંગ અને આકાર બદલાતાં રહે છે. આર્યન આ ફુવારા પાસે ઉભો ઉભો રેલીંગ ના ટેકે આજુબાજુનું દ્રશ્ય અને આવતાં જતાં સહેલાણીઓને નિહાળતો હતો. એ ખાસ તો આવ્યો હતો એના એક મિત્રના લગ્ન પ્રસંગે. આર્યને કોલેજનો અભ્યાસ કર્યો હતો NYU (ન્યુ યોર્ક યુનિવર્સીટી) માં. એ દરમ્યાન એનો ખાસ મિત્ર અને રૂમમેટ હતો પૌલ. પૌલ વિતોરીયા મૂળ તો પોર્ટુગલનો હતો પણ એના માતા પિતા વરસોથી અમેરિકામાં વસ્યા હતા. પૌલ એની સાથે ભણતી શિખાના પ્રેમ માં પડ્યો હતો. થોડા વરસોના સંવનન બાદ હવે એ બંને લગ્નથી બંધાઈ રહ્યા હતા. એ બંનેની ઈચ્છા Destination Wedding ની હતી. એટલે એ બંને એ કેનકુન પર એમની પસંદગી ઉતારી હતી. આર્યન આ લગ્ન માટે જ ખાસ મુંબઈથી અહિયાં આવ્યો હતો. સવારે લગ્નની વિધિ પતિ ગઈ હતી અને સાંજે હોટેલ રિયું પ્લાઝામાં શાનદાર રિસેપ્શન હતું. સૂર્ય હજુ આથમ્યો નહોતો. સૂર્યનો ઘટ્ટ પીળો પ્રકાશ બધે પથરાયેલો હતો. રીસેપ્શનનો સમય સાંજે સાડા સાત પછીનો હતો. આર્યનને સુર્યાસ્ત જોવામાં ખુબ જ રસ હતો અને ખાસ કરીને જયારે એ દરિયા કિનારે હોય તો એ સૂર્યાસ્તનો સમય ચૂકતો નહિ. મોટા ભાગના રેસ્તોરંટ અને હોટેલો દરિયા કિનારે જ હતાં. દરિયો પાછળની બાજુ એ હતો. એ બે રેસ્તોરંટ વચ્ચે જતા નાના માર્ગ પર થઈને દરિયા કિનારે આવ્યો. કેનકુન-મેક્સિકન દરિયા કિનારો દુનિયાના સુંદર દરિયાકિનારાઓ માનો એક છે. કેન્કુનની એક તરફ ગલ્ફ ઓફ મેક્સિકો અને બીજી તરફ કરેબિયન ઓસન પથરાયેલો છે. કરેબિયન દરિયાકિનારો એટલાન્ટીક ઓસન કરતા ઘણો જ ભિન્ન છે. દુરથી જોતા પાણી ત્રણ કલરમાં વહેચાયેલું જોવા મળે. ઊંડાણમાં ડાર્ક બ્લુ, કિનારા પાસે આછો ગ્રે-વ્હાઈટ અને વચ્ચેના પટમાં સ્કાય બ્લુ યાને આસમાની રંગ. કિનારાની રેતી એકદમ સફેદ અને ખુબ જ ઝીણી. પાણી એટલું ચોક્ખું અને પારદર્શક કે સાથળ સમાણા પાણીમાં પણ પગના આંગળા ચોખ્ખાં દેખાય. અન્ય બીચ ની સરખામણીમાં આજુબાજુની સ્વચ્છતા ઉડીને આંખે વળગે. ક્યાય કોઈ કચરો કે અન્ય કોઈ ગંદકી નજરે ના ચઢે. દરિયા કિનારા અને હોટેલ-રેસ્તોરંટ વચ્ચે પાલ્મ ટ્રી ના ઝૂંડ હતાં. આર્યન બીચ પરની સ્વચ્છ રેતીમાં ચાલવા લાગ્યો. બુટ પહેરેલા હોવાથી ચાલવામાં તકલીફ લાગી એટલે એણે બુટ મોજા ઉતારી હાથમાં પકડીને ચાલવા માંડ્યું. સૂર્ય હવે અસ્ત થવાની તૈયારીમાં હતો. સૂર્યનો પીળો પ્રકાશ દરિયાના પાણી પર પડીને પાણીને સોનવર્ણું બનાવતો હતો. સૂર્ય ધીરે ધીરે ક્ષિતિજમાં લુપ્ત થતો જતો હતો. વાતાવણમાં એક ગજબની સુંદરતા હતી. મંદ મંદ સમીર વાતો હતો. અને ત્યાં એની નજર રેસ્તોરંટની પાછળના ભાગમાં પડી. રેસ્તોરંટના પાછળના ભાગમાં ખુલ્લામાં ટેબલ ખુરસી ગોઠવેલા હતા. આજુબાજુમાં પાલ્મ ટ્રી અને તરહ તરહના ટ્રોપિકલ ફૂલ ઝાડ, છોડ અને બુશીશ વાવેલા હતા. બીચ પાસેના અંતભાગમાં ટેબલ પર બે સુંદર યુવતીઓ બેઠી હતી. એકે લાલ રંગનો લાંબો સ્લીવલેસ ગાઉન પહેરેલો હતો અને બીજી યુવતીએ સોનેરી કલરનું ટોપ અને કાળો ઘૂંટણ સુધી લાંબો પટ્ટી વાળો સ્કર્ટ પહેરેલો હતો. એ હતાં શ્વેતા અને સીમા. આર્યનની નજર શ્વેતા પર પડી અને એ મંત્રમુગ્ધ થઇ ગયો. આજ યુવતીને એણે આજે સવારે દરિયાકિનારે બેઠેલી જોઈ હતી. એને પેલો સ્કાર્ફ યાદ આવ્યો. સ્કાર્ફ હમણાં પણ એની પાસે જ હતો. સ્કાર્ફના સ્પર્શથી જ એનામાં હદયમાં એક સ્પંદન શરુ થઇ જતું હતું. થોડીવારે એ સુંદરતાના કેફ્માંથી બહાર આવ્યો. એ મુલાકાતની આ તક ચૂકવા નહોતો માંગતો. એ અમેરિકાના આધુનિક વાતાવરણમાં ભણ્યો હતો એટલે એનામાં સંકોચ તો સહેજ પણ નહોતો. એણે હાથ હલાવતાં ધીમેથી બુમ પાડી, “એ… મિસ.”
શ્વેતાના હાથમાં ડ્રીંકનો ગ્લાસ હતો અને એ સીમા સાથે વાતો માં મશગુલ હતી એટલે એનું ધ્યાન તરત ના ગયું. આર્યન લાકડાના પગથીયા ચઢીને ઉપર ડેક પર આવ્યો. નજદીક આવીને, એમના ટેબલ પાસે ઉભા રહીને, અદબથી બોલ્યો, “સોરી ટુ ડીસ્ટર્બ યુ મિસ.”
સહસા બંનેનું ધ્યાન આર્યન તરફ ગયું. આર્યન દેખાવડો, મજબુત બાંધાનો, વાંકડિયા વાળ સાથે ગૌર ચહેરો અને કાળી સુંદર આંખો ધરાવતો નવયુવાન હતો. એણે પેન્ટના ગજવામાંથી સ્કાર્ફ કાઢ્યો અને શ્વેતા તરફ ધર્યો. “મિસ, યુ….” એ એનું વાક્ય પૂરું કરે તે પહેલા તો સ્કાર્ફ જોતા જ શ્વેતા ચોંકી અને એના વાક્યને વચ્ચેથી કાપતા બોલી, ” ફ્રોમ વ્હેર ડીડ યુ ગેટ માય સ્કાર્ફ?”
“યુ ડીડન્ટ લેટ મી ફીનીશ” સહેજ હસતાં આર્યન બોલ્યો, “માય નેમ ઈઝ આર્યન, આર્યન પંડિત.”
સીમા અને શ્વેતા બંને આર્યનના વ્યક્તિત્વથી આકર્ષાઈ હતી. અને પાછું કેનકુનમાં ઇન્ડિયન યુવાનનું આમ આકસ્મિક રીતે પ્રગટ થવું એ પણ ખુશીની વાત હતી. આર્યને સવારે કઈ રીતે એને સ્કાર્ફ મળ્યો તેની વિગત કહી. એ બંને એ પોતાનો પરિચય આપ્યો. હાથ મિલાવ્યા. બંને બહેનપણીઓ ઘણીક અને મુક્ત વાતાવરણમાં ઉછરી હતી. એ સાથે જ સીમાએ ચાલાકીથી તક ઝડપી ને આર્યનને કહ્યું,
“ઇફ યુ લાઈક, યુ મેં જોઈન અસ ફોર અ ડીનર !” બે સ્વરૂપવાન યુવતીઓ તરફથી મળેલું આમંત્રણ કોઈની મજાલ નથી કે ઠુકરાવી શકે. આર્યન તો આમે ય સવારથી જ શ્વેતાના ખયાલોમાં ખોવાયેલો હતો. પણ એને અચાનક યાદ આવ્યું કે એને તો પૌલના રિસેપ્શન માં જવાનું છે. એ ખુરસી પર બેસતા બોલ્યો,
“નોટ ફોર અ ડીનર એઝ આઈ ઓલરેડી હેવ પ્લાન. બટ આઈ સર્ટેઇન્લી કેન જોઈન યુ ફોર ફયુ ડ્રીન્કસ.” આર્યનના અવાજ માં આત્મવિશ્વાસ હતો. એ પોતે પણ ધનિક પરિવારમાં જ ઉછર્યો હતો અને અમેરિકામાં અભ્યાસના ઘણા વરસો ગાળ્યા હતા. તેથી એ છોકરીઓ સાથે ખુબ જ સાહજીકતાથી ભળી શકતો.
સીમાએ હાથ ઉંચો કરી વેઈટરને બોલાવ્યો. અને આર્યનને પૂછ્યું, “વોટ વુડ યુ લાઇક ટુ ડ્રીન્ક?”
આર્યને વેઈટર બાજુ જોઇને કહ્યું, “ડર્ટી માર્ટીની વિથ ઓલીવ્સ, પ્લીઝ.” સીમા અને શ્વેતા એ પણ એમાં ડ્રીંક ઓર્ડર કર્યા.
ડ્રીન્કસ આવતા જ ઓળખાણ શરુ થઇ. ત્રણે જોરથી હસી પડ્યા એ જાણીને કે ત્રણે ય મુંબાઈના હતા અને આકસ્મિક રીતે કેન્કુનમાં મળતા હતાં. બંને યુવતીઓ આર્યનના આકર્ષક વ્યક્તિત્વ, બોલવાની છટા અને ખાસ કરીને એની કાળી આકર્ષક આંખોથી પ્રભાવિત થઇ ચુકી હતી. એવું બહુ જ ઓછું બનતું કે શ્વેતા કોઈ યુવાનથી આકર્ષાય. ડ્રીન્કના ગ્લાસીસ ખાલી થયા કર્યા. કેનકુન વિશે જ વાતોનો દોર ચાલતો રહ્યો. આર્યને જણાવ્યું કે એનો અભ્યાસ ન્યુયોર્કમાં થયો છે પણ એ પિતાનો બીઝનેસ સંભાળવા સ્થાઈ મુંબઈમાં થવાનો છે. શ્વેતા એ વાત થી વધુ પ્રભાવિત થઇ. અંતે પૌલ-શિખાના પ્રેમ અને મેરેજની પણ વાત પણ નીકળી. અમેરિકન પુરુષોને પણ ભારતીય સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ રહે છે એ વિષય પર પણ ઘણી વાતો ચાલી.
ડ્રીન્કસના ત્રીજા રાઉન્ડનો ઓર્ડર અપાયો જ હતો ને સહસા જ શ્વેતાનો ફોન રણક્યો. શુબાનનું નામ સ્ક્રીન પર ફ્લેશ થયું. શ્વેતાએ ફોન ઉપાડ્યો. સામેથી શુંબાનનો બેબાકળો અવાજ આવ્યો. “શ્વેતા, શ્વેતા, મોમને હાર્ટ એટેક આવ્યો. ડેડી પણ બીઝનેસ ટુર પર છે. મેં એમને ફોન કરી દીધો છે. તું જલ્દીથી મુંબઈ આવી જા.” શ્વેતાના સુંદર ચહેરા પર ચિંતા અને ગભરાટના ભાવ હતા. એ પછી થોડીવાર બેબાકળા અવાજે વાત કરીને શ્વેતાએ ફોન મુક્યો. એની સુંદર આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. ઝડપથી એણે બંનેને વાત સમજાવી અને તરત જ ઉભી થઇ.
“સીમા, વી હેવ ટુ કેચ અ ફલાઈટ ટુ નાઈટ. લેટ્સ હરી અપ.”
બે કલાકમાં જ ફ્લાઈટ હતી. આર્યને એ કંઈ મદદ કરી શકે એ માટે પૂછ્યું, પણ એમનો ડ્રાઈવર અને કાર હાજર હતાં. બંને એ ત્યાંથીજ સીધા એરપોર્ટ તરફ પ્રયાણ કર્યું. બીચ હાઉસ પર ફોન કરીને મેનેજરને કહી દીધું કે એમનો સામાન અને ટ્રાવેલિંગ ડોક્યુમેન્ટ લઈને સીધો એરપોર્ટ પર જ મળે. રાતની ફ્લાઈટ કેનકુંનથી ફ્રેન્કફર્ટ અને ત્યાંથી દોઢ કલાકના રોકાણ બાદ કનેક્ટિંગ ફ્લાઈટ મુંબઈની હતી. આર્યન અચાનક થયેલી મુલાકાત આમ જ સમેટાઈ ગઈ તેનો રંજ અનુભવતો ત્યાં વિચાર કરતો બેસી જ રહ્યો. ડ્રીન્ક પતાવી ને થોડીવાર પછી બીલ ચૂકવી એ બહાર નીકળ્યો. તે છતાં શ્વેતાને મળ્યાનો આનંદ મનમાં હતો. અને મુંબઈમાં પણ મુલાકાત્ તો થશે જ એ બાબતથી પણ ખુશ હતો.
ફર્સ્ટ ક્લાસ કેબીનમાં ફ્લેટ-બેડ સીટ પર આડી પડી સુતી સુતી શ્વેતા શુબાનના શબ્દો ધ્યાનથી વિચારતી રહી કે કોઈક અજાણ્યા શખ્સનો ફોન મોમ પર આવ્યો હતો. અને એ વાત સાંભળીને સ્નેહલતા પર અચાનક જ હાર્ટ એટેક આવ્યો. એની વાચા બંધ થઇ ગઈ અને શુબાને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી એને હોસ્પીટલમાં ખસેડી. શ્વેતા ચિંતિત હતી કેમ કે મા એ એને કોઈ ખાસ વાત કરવા જ ફોન કર્યો હતો પણ એ ખચકાતી હતી એવું એને લાગ્યું હતુ. એવું શું રહસ્ય હતું જે જાણીને મા આટલો આઘાત પામી? એને વિચાર્યું કે એ મુંબઈ જઈને મા સાથે વાત કરે પછી જ એને ખરી વાતની જાણ થશે. પણ એને વિધિની વક્ર્તાની ક્યાં ખબર હતી કે એના પહોચતાં પહેલા જ એની પ્યારી મા રહસ્ય સાથે લઈને આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળશે.
(ક્રમશ:)
—  અજય પંચાલ

બેવફા -અજય પંચાલ

સંકલ્પે ઉતાવળથી ટેક્સી પકડી. ટ્રેન અડધા કલાકમાં જ ઉપડતી હતી. એની પાસે ઝાઝો સમય નહોતો. એને  સૌમ્યાનો તાર  મળ્યો  “come soon, urgent” એને ખબર નહોતી પડતી કે  અચાનક જ આટલા સમય પછી સૌમ્યાએ એને તાર કરીને કેમ બોલાવવો પડ્યો હશે? સ્ટેશન પર આવીને સંકલ્પે ઝડપથી ટીકીટ લીધી. એ પ્લેટફોર્મ પર પ્રવેશ્યો અને ટ્રેન આવી. એણે બારી પાસે જગ્યા લીધી. બારીમાંથી આવતા પવનના ઝપાટાએ એની ચિત્તભુમીને ભૂતકાળમાં પહોચાડી દીધી.
> સૌપ્રથમ સૌમ્યા સાથેની મુલાકાત હતી કોલેજની એડમીશન વિન્ડો પાસે. સંકલ્પ લાઈનમાં ઉભો હતો અને એની આગળની યુવતીએ પાછા ફરીને કહ્યું, “એક્સક્યુઝ મી, હું તમારી પેન યુઝ કરી શકું?” ગૌર વદન, કાળી, મોટી પણ ખુબ જ સુંદર આંખો, સહેજ ભૂખરા, વ્યવસ્થિત રીતે કાપેલા અને કર્લ કરેલા વાળ. સંકલ્પ એની સામે જોતો જ રહી ગયો. એણે સંકલ્પને તંદ્રા માંથી જગાડતાં ખોંખારો ખાઈ ફરી કહયું. “મેં આઈ?” સંકલ્પ સહેજ ઝંખવાયો અને કહ્યું, “ઓફકોર્સ.” કોલેજના પહેલા જ ક્લાસમાં સંકલ્પે એને એના  કલાસરૂમમાં જોઈ. એ ખુશ થયો હતો કેમ કે એ બંનેએ  એક જ સરખા મેજર સબ્જેક્ટ પસંદ કર્યા હતા એટલે ઘણા બધા કલાસીસ કોમન હતા. સંકલ્પ ભણવામાં હોશિયાર હતો. કદાચ અવ્વલ નંબરે તો નહી પણ એવરેજ સ્ટુડન્સ કરતા તે હોશિયાર હતો. એને પોતાની  મધ્યમવર્ગીય હાલતનો પુરેપુરો ખ્યાલ હતો એટલે એ ભણવામાં પુરતું ધ્યાન આપતો. સૌમ્યા ખુબસુરત હોવાની સાથે સાથે ધનાઢ્ય કુટુંબમાંથી આવતી યુવતી હતી. એનો અધ્યતન ફેશનનો પહેરવેશ, એની વર્તણુંક, એની બોલવા ચાલવાની ઢબ એની શ્રીમંતાઈની સાબિતી આપતા હતા. કલાસીસની નોટ્સના બહાને બંનેની ફરી મુલાકાત થઇ. એ એના નામ પ્રમાણે ખુબ જ સૌમ્ય વ્યક્તિત્વની માલકણ હતી. સ્મિત હમેશા  એના મુખ પર છવાયેલું જ રહેતું. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા વધવા લાગી. પહેલી મુલાકાતથી જ સંકલ્પના મનમાં પ્રેમના અંકુર ફૂટવા જ લાગ્યા હતા અને વધતી જતી દોસ્તીએ ધીમે ધીમે એની પ્રણયભાવના ને ઘટ્ટ કરવા માંડી.
>
> કોલેજના બીજા સેમિસ્ટરમાં કોલેજમાં સંયમનું આગમન થયું. એ શહેરની બીજી કોલેજ માં હતો પણ ત્યાં એને પ્રોફેસર સાથે કોઈ બાબતમાં ગરબડ થઇ અને પહેલા સેમિસ્ટર પછી એણે કોલેજ બદલી. સંયમ ગોરો, ઉંચો, સદાય હસમુખો હેન્ડસમ નવયુવાન હતો. માલેતુજાર કુટુંબનો નબીરો હતો. એનું વ્યક્તિત્વ જ એવું હતું કે કોઈપણ એનું મિત્ર બની જાય. એ પણ સંકલ્પ અને સૌમ્યાની સાથે હળીમળી ગયો. થોડાક જ દિવસોમાં આ ત્રિપુટીની દોસ્તી કોલેજમાં મશહુર થવા માંડી. સામાન્ય રીતે માલેતુજાર કુટુંબના નબીરાઓ ભણવામાં ધ્યાન નથી આપતા હોતા અને બાપના પૈસે કોલેજમાં તાગડધીન્ના કરવા જ આવતાં  હોય છે. પણ સંયમ આમાં અપવાદ હતો. એ ભણવામાં ખુબ જ હોશિયાર હતો. એ ત્રણેય ની ત્રિપુટીમાં સૌમ્યા ભણવામાં કાચી હતી. એનું મન ભણવામાં બહુ લાગતું નહી, પણ બંને મિત્રોની મદદથી એ પણ પાસ તો થઇ જ જતી હતી. કોલેજના વાર્ષિકોત્સવમાં સૌમ્યા અને સંયમે નાટકમાં ભાગ લીધો. નાટક ઉપરાંત સૌમ્યાએ ગીત-સંગીત સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. સંકલ્પ માટે આ શક્ય નહોતું. આમ સૌમ્યા-સંયમની મુલાકાતો નાટકના રીહર્સલને કારણે કોલેજ પછીના સમયમાં પણ અલગ રીતે વધવા લાગી. વધતી જતી મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થવા લાગી. મ્યુઝીકલ ઇવનિંગના અંતે સંયમે એના પ્રેમનો પ્રસ્તાવ મુક્યો અને સૌમ્યાના ગૌર વદને શરમાતા શરમાતા પ્રેમ પ્રસ્તાવ સ્વીકારી લીધો.
>
> સૌમ્યા સાતમાં અસમાનમાં ઉડતી હતી. સંયમના પ્રેમને પામીને એ ખુબ જ ખુશ હતી. સૌપ્રથમ એ બંનેએ  સંકલ્પને આ ખુશખબર આપી. સંકલ્પ પર તો જાણે વીજળી પડી હોય એવો અહેસાસ થયો. એના મનની વાત મનમાં જ રહી ગઈ. ખુબ જ માવજતથી માળીએ ફૂલનો છોડ વાવ્યો હોય અને છોડમાંથી વૃક્ષ થતાં એણે દિશા બદલીને પડોશીની લીલીછમ લોન પર પોતાના ગરતા ફૂલ ન્યોછવર કર્યા હોય એવી અનુભૂતિ સંકલ્પને થઇ.એક તટસ્થ માળીની જેમ સંકલ્પે મનની લાગણી  પર કાબુ કરી લીધો. બંને મિત્રોની ખુશીમાં એણે ખુશી બતાવી. આમેય સંયમ અને સૌમ્યા એક સરખા ધનિક પરિવારમાંથી આવતા હતા એટલે એ બંનેની જોડી વધારે જામે એવી હતી. સંકલ્પે પણ અત્યાર સુધી પોતાની મધ્યમવર્ગીય આર્થિક હાલતને ધ્યાનમાં રાખીને જ પ્રેમની લાગણીઓને કુંઠિત કરીને રાખી હતી. છતાંપણ સંકલ્પનું મન ખુબ જ ઉદાસ હતું. મન આર્થિક પરિસ્થિતિને અનુરૂપ ક્યારેય સ્વપના જોતું નથી. પણ એને મનને મનાવવા સિવાય બીજો કોઈ પણ આરો ય નહોતો. સંયમ અને સૌમ્યાએ નક્કી કર્યું હતું કે કોલેજ પૂરી થયા પછી જ પોતાના પરિવારોને જણાવવું. હવે એમની મુલાકાતો દરમ્યાન સંયમ-સૌમ્યાના પ્રણયનો સાક્ષી સંકલ્પ બનતો જતો હતો. સંકલ્પની પરિસ્થિતિ અત્યંત આકરી હતી. એને લાગતું કે જો સંયમ એમની  દોસ્તીમાં વચ્ચે ના આવ્યો હોત તો જરૂર સૌમ્યા એની બની શકી હોત. સૌમ્યાએ ક્યારેય પ્રેમનો એકરાર નહોતો કર્યો છતાંપણ એને લાગતું કે સૌમ્યાએ બેવફાઈ કરી હતી. કોલેજના ત્રીજા વરસની શરૂઆતમાં સંકલ્પે કોલેજ બદલવાનો નિર્ણય કરી લીધો. સંયમ અને સૌમ્યા એના મિત્ર હતા છતાંપણ સંકલ્પનું મન એ સ્વીકારી જ નહોતું શકતું. બંને મિત્રોએ પણ ખુબ જ સમજાવ્યો, પણ એ બંનેના લગ્નમાં જરૂર હાજર રહેશે એ વચન સાથે સંકલ્પે કોલેજ છોડી.
>
> કોલેજ બદલ્યા પછી પણ  સંકલ્પના મનમાંથી સૌમ્યા તો ના જ ખસી. પણ રોજે રોજનું હદયનું બળવું ઓછું થતું ચાલ્યું.ધીમે ધીમે એનું અભ્યાસમાં મન લાગવા લાગ્યુ. કોલેજનું અંતિમ વર્ષ હતું એટલે એની કારકિર્દી માટે ખુબ જ અગત્યનું હતું. એણે મન લગાવીને અભ્યાસ કરવા માંડ્યો અને એ ખરેખર સારા માર્કે  પાસ પણ થઇ ગયો. કોલેજ પૂરી થતાં જ પિતાજીના એક દોસ્તની ભલામણથી એને એક સારી કંપનીમાં સારા પગારે નોકરી મળી ગઈ. નોકરી મળતા જ એ શહેર છોડીને પાસેના શહેરમાં જ્યાં એની નોકરી હતી ત્યાં માતા-પિતા સાથે શિફ્ટ પણ થઇ ગયો. હવે માતા પિતાની ઇચ્છા હતી કે સંકલ્પ સારી છોકરી પસંદ કરીને એનું ઘર માંડે. પણ એક યા બીજા કારણથી સંકલ્પ છોકરીઓને ના જ પાડતો રહ્યો. એ મનોમન દરેક યુવતીની સરખામણી સૌમ્યા જોડે જ કરતો અને એનાથી નકાર માં જ જવાબ અપાતો. આમ બીજું એક વરસ નીકળી ગયું.
>
> એક દિવસ નોકરીના ભાગ રૂપે સંકલ્પ એક કંપનીની મુકાલાતે ગયો. કંપનીના મેનેજિંગ ડીરેક્ટર સાથે મુલાકાત હતી એથી એ પૂરી તૈયારી કરીને જ ગયો હતો. ઓફીસમાં પ્રવેશતાં જ મેનેજીંગ ડીરેક્ટરની ખુરશી પણ એણે સંયમને જોયો. પોતાના મિત્રને જ ત્યાં જોઇને સંકલ્પના ચહેરા પર ખુશી ઉભરાઈ આવી. બંને મિત્રો આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કરતાં એકબીજાને ભેટ્યાં. સંયમ બોલ્યો “દોસ્ત, ઘણા વરસે તને જોઇને ખરેખર મન ખુબ જ ખુશ થઇ ગયું.” સંયમના મ્હો પર ખુશી છલકાતી હતી.
> “કામકાજની વાતો તો થતી જ રહેશે, પણ એ કહે તારી લાઈફ  કેવી છે? ઘરે પરિવારજનો મજામાં છે ને? અરે હા.. તે તો યાર અમને તારા લગ્નમાં ય બોલાવ્યા નહિ?”
> સંકલ્પ સહેજ છોભીલું હસતા બોલ્યો, ” અરે યાર, લગ્ન કર્યા હોય તો બોલાવુંને? પણ તું તો મને ભૂલી જ ગયો. તે તો મારી પાસે વચન લીધું હતુંને લગ્નમાં બોલાવવાનું? તું અને સૌમ્યા બંને મને ભૂલી જ ગયા?” આમ બોલતા તો બોલાઈ ગયું પણ સંકલ્પને થયું કે હવે પછીનો સંયમનો જવાબ એના મનને કારી ઘા આપવાનો જ છે. પણ એ પ્રશ્ન આમેય ઉઠવાનો તો હતો જ. સંયમને મળ્યો કે તરત જ સંકલ્પ જાણતો જ હતો કે હવે સૌમ્યા વિષે વાતચીત થશે જ અને એના હદય પર થીજી ગયેલો ઘા ફરી તાજો થશે.
> સંકલ્પના પ્રશ્નનો થોડીક વાર સુધી કોઈ જ જવાબ સંયમે આપ્યો નહિ. થોડીવાર સુધી અકળાવતું  મૌન પથરાયેલું રહ્યું. સંકલ્પ પણ એના ફરીથી દુજ્તા થયેલા ઘાની આળપંપાળમાં હતો.  થોડીવાર પછી મૌનને ભંગ કરતા સંયમે કહ્યું, “દોસ્ત, મેં સૌમ્યા સાથે લગ્ન કર્યા જ નથી.”
> ટેબલ મુકેલો પતિ પત્નીનો ફોટો સંકલ્પને દેખાય એ રીતે ફેરવતા સંયમે કહ્યું. “મારા લગ્ન તો સ્નેહા સાથે થયા છે. જો આ છે મારી વાઈફ, સ્નેહા.” પછી ઉમેરતા કહ્યું કે “માબાપ ની પસંદ છે એટલે તું તો નહિ ઓળખે.”
> આ સાંભળી સંકલ્પ ચોંક્યો. એને ઘડીભર એના પોતાના કાન પર વિશ્વાસ જ ના થયો કે એણે શું સાંભળ્યું છે.
> “કેમ? શું થયું તારી અને સૌમ્યા વચ્ચે? તમારા વચ્ચે નો પ્રેમ તો જગજાહેર હતો?”
> . “શું કહું તને સંકલ્પ? સૌમ્યા મારા હદય સાથે રમત રમી ગઈ. તું તો જાણે છે કે અમે બંને એકબીજાના ગાઢ પ્રેમમાં હતા. અમે નક્કી કર્યું હતું કે કોલેજ પૂરી થાય પછી જ બંને પરિવારોને વાત કરવી. અમારી પ્રણય મિલન -મુલાકાતો તો ચાલુ જ હતી. અમને બંને ને ખાતરી હતી જ કે અમારા પરિવારોને આ સંબંધ માટે કોઈ જ વાંધો નહિ હોય. બધું જ બરાબર ચાલતું હતુ. પણ છેલ્લા સેમિસ્ટરમાં સૌમ્યાનો સ્વભાવ બદલાવા માંડ્યો હતો. મને મળતી ત્યારે પણ બહુ મુડમાં જણાતી નહોતી. ઘણી વેળા મને કહ્યા પછી પણ મળવા આવવાનું કેન્સલ કરતી હતી. કોલેજમાં એની હાજરી પણ અનિયમિત થતી જતી હતી. હું કારણ પૂછું તો જવાબ ઉડાવી દેતી. છેલ્લા અઠવાડિયાઓમાં તો એ કોલેજ આવી જ નહિ.” સંયમનો ચહેરો હવે વ્યગ્ર થતો જતો હતો. સંકલ્પ સાંભળતો હતો પણ એના માનવામાં નહોતું આવતું કે એના કોલેજ છોડ્યા પછી શું શું બની ગયું.
> સંયમે વાત આગળ ચલાવી.
> “છેલ્લા અઠવાડિયાઓમાં હું ખુબ જ મૂંઝવણમાં હતો. એક દિવસ કોલેજ પર ગયો તો મારા એક મિત્રે મને સૌમ્યાની ચિઠ્ઠી આપી કહ્યું કે વહેલી સવારે સૌમ્યા આપી ગઈ છે. મેં ચિઠ્ઠી વાંચી અને મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ. સૌમ્યાએ ચિઠ્ઠીમાં માફી માંગી હતી. બની શકે તો ભૂલી જજે, પણ હું તારી સાથે લગ્ન નહિ કરી શકું. કારણ જણાવવા મજબુર ના કરતો”
> “તો સૌમ્યાએ કારણ પણ ના જણાવ્યું? પછી તે કોઈ તપાસ કરી?”
> ” હા , મેં તપાસ કરવાનો પ્રયત્ન કર્યો પણ ખબર પડી કે એમનો પરિવાર અહિયાથી સ્થળાંતર કરી ગયો છે. મેં તપાસ કરી પણ મને કોઈ ભાળ ના મળી. હું ખુબ જ દુઃખી અને વ્યગ્ર હતો. સૌમ્યાની બેવફાઈ મને સમજાઈ નહિ. એણે મને એટલીસ્ટ મારી સાથે લગ્ન ના કરવાનું કારણ બતાવવું જોઈતું હતું. પછી તો પરિવારજનોને વાત કરવાનો પણ કોઈ અર્થ નહોતો. મેં જેમતેમ કોલેજ પૂરી કરી, માતાપિતાની પસંદની છોકરી સાથે લગ્ન કરીને પરિવારના ધંધામાં લાગી ગયો છું. પણ આજે ય હું સૌમ્યાની બેવફાઈ ભૂલ્યો નથી. એ બેવફા નીકળી. મારો પ્રેમ તો સાચો જ હતો.”
> સંયમે એની કથની પૂરી કરી ત્યારે એનો ચહેરો ઉદાસ હતો અને એની આંખોમાં અશ્રુઓ હતા. મિત્રને આશ્વાસન આપીને સંકલ્પ કામ પતાવીને નીકળી ગયો. સંયમની વાત સાંભળીને એને પણ ખુબ જ આશ્ચર્ય થયું હતું.
>
> સ્ટેશન નજદીક આવતું હતું એટલે ટ્રેને જોરથી વ્હીસલ વગાડી. સંકલ્પ વિચારોની  દુનિયામાંથી બહાર આવ્યો. આજે સૌમ્યાના તાર મળ્યાથી એને પણ સૌમ્યાની બેવફાઈનું કારણ જાણવાની ચટપટી થઇ હતી. સાથે સાથે આશ્ચર્ય એ વાતનું હતું કે સૌમ્યાએ એને તાર કરીને કેમ મળવા બોલાવ્યો હશે? સ્ટેશનેથી એણે  ઓટોરીક્ષા કરી આપેલા સરનામે પહોંચ્યો. ખુબ જ આલીશાન બંગલો હતો. બંગલાની આગળનો બગીચો અને બહાર પડેલી બે-ત્રણ વૈભવી કાર ને જોતા જ લાગ્યું કે સૌમ્યા જ્યાં રહેતી હતી એ પરિવાર અત્યંત શ્રીમંત હતું. ત્યાં જઈને એણે ડોરબેલ દબાવ્યો. થોડીવાર પછી એક યુવાને દરવાજો ખોલ્યો. સંકલ્પે એની ઓળખાણ આપી અને કહ્યું કે સૌમ્યાએ એને તાર કરીને બોલાવ્યો હતો.
> યુવાને ખુબ જ શાંતિથી કહ્યું “સંકલ્પભાઈ, મેં જ તાર કર્યો હતો. તમે બેસો. હું પાણી લઇ આવું”
> સંકલ્પે કહ્યું, “મને પાણીની જરૂર નથી. પણ એ કહેશો કે તાર કરીને કેમ બોલાવવો પડ્યો? સૌમ્યા ક્યાં છે? અને આપ સૌમ્યાના શું સગા થાવ?” સંકલ્પે ઉપરાઉપરી પ્રશ્નો પૂછવા માંડ્યા.
> એના મનની હાલત પણ ડામાડોળ હતી. એ પણ સૌમ્યાને દિલોજાનથી પ્યાર કરતો હતો. પણ સૌમ્યાની પસંદ સંયમ હતો એટલે એ ખસી ગયો હતો પણ હજુ પણ એને સૌમ્યા માટે લાગણી ખુબ જ હતી. પણ સૌમ્યા અને સંયમનું લગ્ન નથી થયું એ જાણ્યા પછી તો એના મનની લાગણીઓ ફરી ઉછાળા મારતી હતી.
> યુવાનનો ચહેરો પણ થોડો વ્યગ્ર હતો છતાં પણ એણે ખુબ જ શાંતિ થી કહ્યું. “થોડી જ વાર માં તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. સૌમ્યાએ મને કહ્યું જ હતુ કે તમે ખુબ જ પ્રશ્નો પૂછશો. પણ એ જ તમને તમારા પ્રશ્નોના જવાબ આપશે. ચાલો હું તમને સૌમ્યા પાસે લઇ જાઉં” કહીને યુવાન ઉભો થયો અને કારની ચાવી લઈને બહાર નીકળ્યો. અત્યંત ગુંચવાયેલ સંકલ્પ પણ એની સાથે બહાર નીકળ્યો. એનું મગજ હવે ઘૂમતું હતું. એના મગજમાં પ્રશ્નોની વણઝાર ચાલી હતી. પણ યુવાનની વાત પરથી ખ્યાલ આવ્યો કે હવે બધા પ્રશ્નોનું નિરાકરણ સૌમ્યા પાસેથી જ મળશે.
>
> અડધા કલાકની મુસાફરી પછી કાર એક રીહેબીટેશન સેન્ટર પાસે આવીને અટકી. બંને ઝડપથી અંદર જઈને સ્પેશિયલ રૂમમાં દાખલ થયા. અંદર જતા જ સંકલ્પ ધ્રુજી ગયો. સૌમ્યા બેડ પર પડી હતી. એકદમ નિસ્તેજ ચહેરો, ઊંડી ઉતરી ગયેલી આંખો, આંખોની આજુબાજુ કાળાં કુંડાળા પડી ગયા હતા. શરીર એકદમ કૃશ થઇ ગયું હતું. સંકલ્પને જોતા જ એના નિસ્તેજ મુખ પર સ્મિત આવ્યું. સંકલ્પ આ બધું જોઇને ખુબ ગભરાયેલ અને ચિંતિત હતો. “સૌમ્યા, સૌમ્યા. આ શું થયું છે તને? તારી આવી હાલત કઈ રીતે થઇ?” બોલતા એના ગળામાં ધ્રુસકું અટવાઈ ગયું.
> “સંકલ્પ” સૌમ્યાના ધીમા અવાજમાં ધ્રુજારી હતી,
> ” હવે મારી પાસે બહુ સમય નથી, દોસ્ત….. મને બ્લડકેન્સર છે. હું કેન્સરના છેલ્લા સ્ટેજમાં છું.  મને બ્લડ કેન્સર થયું એની ખબર મને કોલેજના છેલ્લા સેમિસ્ટર દરમ્યાન થઇ. હું ધર્મસંકટમાં હતી. હું સંયમને સાચી હકીકત જણાવી ના શકી.
> સંયમને હું મારી સાથે લગ્ન કરીને એની લાઈફ બગાડવા નહોતી માંગતી. એ મને ખુબ જ પ્રેમ કરતો હતો. એ મને દુઃખી જોઈ ના શકત. એના કરતા તો એજ યોગ્ય હતું કે એ મને બેવફા માનીનેમને નફરત કરે અને મને ભૂલી જાય
> હું એને દુખી કરવા માંગતી નહોતી.”
> સૌમ્યાના અવાજમાં કંપારી હતી. એ ખુબ જ ધીમે ધીમે ત્રુટક શબ્દોમાં બોલતી હતી.
> “એટલે જ મેં એને મળ્યા વિના ચિઠ્ઠીથી જ જાણ કરી. એ હવે તો પરણીને ઠરીઠામ થઇ ગયો હશે. તું તો કોલેજ છોડી ગયો હતો.  તારા કોલેજ બદલવાનું કારણ તો તારી આંખોએ જ મને એજ દિવસે બતાવી દીધું હતું કે જે દિવસે મેં અને સંયમે તને અમારા પ્યારની વાત કહી હતી.” બોલતા બોલતા એણે બેઠા થવાનો પ્રયત્ન કર્યો. એને ખુબ જ શ્રમ પડતો હતો. સંકલ્પે એના માથા નીચે હાથ મુકીને એને ટેકો આપ્યો.
> “મને ખબર હતી  કે તું પણ મને પ્રેમ કરે છે. પરંતુ મારું મન સંયમમાં હતું. મરતાં પહેલા મારે તને જણાવવું હતું કે હું બેવફા નહોતી.  આ જીંદગી જ બેવફા નીકળી! અંતિમ સમયે મારી ઈચ્છા હતી કે તારા હાથોમાં જ દમ તોડવો.”  કહેતાં  સૌમ્યાના ચહેરા પર સ્મિત આવ્યું. એ બોલી “અ….લ…વિ….દા….  દોસ્ત!!!”
> એ એનું અંતિમ સ્મિત હતું. સંકલ્પના હાથોમાં જ સૌમ્યાએ દમ તોડી બેવફા જિંદગીને અલવિદા કહીને ફાની દુનિયા છોડી દીધી.
> સંકલ્પ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
— અજય પંચાલ

અગાઉ વિચારોવાળી -અશ્વિન મજીઠિયા [દોષિણી]

મીસીસ મેનન દરવાજાની સામે આવીને ઉભા રહ્યા અને ડોર-બેલનું બટન દબાવ્યું દરવાજો ખુલ્યો,
“કાર્તિક ? હી સ્ટેઝ હિયર ?”  -મીસીસ મેનને પૃછા કરી.
“યુ આર હીસ મોમ..રાઈટ ? વેલ કમ..પ્લીઝ કમ ઇન..” -સલોનીએ નમ્રતાપૂર્વક તેમને આવકાર્યા.
મીસીસ મેનન રૂમમાં પ્રવેશ્યા અને આજુબાજુ ચોમેર નજર ફેરવી. તેમના દીકરા કાર્તિકના જુના ઘરમાં તેઓ આની પહેલાં પણ જઈ ચુક્યા હતા પણ તેમાં અને આ નવા ઘરમાં દેખીતો તફાવત જણાતો હતો.  જુના ફર્નીચરની અમુક આઈટમો જેમની તેમ હતી, ઉપરાંત થોડું નવું રાચરચીલું પણ ઉમેરાયું હતું. સૌથી વધુ ફરક ઉડીને આંખે વળગે તે એ હતો, કે હવે આ ઓરડો ‘બેચલર્સ-બોગી’ અથવા તો ‘વાંઢા-વિલાસ’  જેવો બિલકુલ લાગતો ન હતો. ઘરની ગોઠવણીમાં અને સાર-સંભાળમાં કોઈ સ્ત્રીનો હાથ ફરી ચુક્યો છે, તે અચૂક જણાઈ આવતું હતું. સાફ-સુથરાઈ અને સુઘડ ગોઠવણી જાણે કે ઓરડાની શોભામાં અનેરો વધારો કરતા હતા.પણ મિસીસ મેનનને આ બધી વાતોમાં અત્યારે ઝાઝો રસ ન હતો. તેને તો મળવું હતું એ યુવતીને કે જેણે બેલ મારતાની સાથે દરવાજો ખોલી તેમને આવકાર્યા, અને ઘરમાં પ્રવેશ આપી અંદર પાણી લેવા ગઈ હતી.
“તો આ ટુ બી.એચ.કે ફ્લેટ છે?” સલોનીએ લાવેલ પાણીનો પ્યાલો હાથમાં લેતા મીસીસ મેનન બોલ્યા.
“નો, વન બીએચકે.. આવોને અંદર.. ઘર જુવોને..”
પાણી પીને મીસીસ મેનન સલોનીની પાછળ પાછળ અંદર ગયા.
“આ કિચન..” -લીવીંગ રૂમમાંથી રસોડામાં આવતા સલોની બોલી, અને એક ક્ષણ ખમી આગળ વધી અને કહ્યું- “અને આ બેડરૂમ..”
“એક જ બેડરૂમ અને એક જ બેડ..” -મીસીસ મેનને રીએક્શન આપ્યું.
“યસ..”
“તમે બંને એક જ બેડ શેઅર કરો છો?
“આંટી, એ તો.. ”
“લીસ્સન..આ ‘આંટી..વાંટી’ કહીને કોઈ રીલેશન બનાવવાની જરૂર નથી..પ્લીઝ’
“ઓકે.. તો મીસીસ મેનન.. તમને કાર્તિકે ઓલરેડી કહ્યું જ હશે કે અમે લીવ-ઇન રીલેશનમાં છીએ.” -સલોનીએ ખુબ જ સ્વસ્થતાપૂર્વક જવાબ આપતા આપતાં પાછા લીવીંગ રૂમ તરફ પ્રયાણ કર્યું. મીસીસ મેનન પણ લીવીંગ રૂમમાં આવ્યા.
“પ્લીઝ બી સીટેડ..” -સલોનીએ ફરી વિવેક દાખવ્યો.
“યસ..એણે મને ઇન્ફોર્મ કર્યું છે.” -મીસીસ મેનને સલોની તરફ નજર કરવાની દરકાર કર્યા વિના કહ્યું.
“તો પછી? આવો સવાલ ? આ તો સમજવાની વાત છે ને..”
“જો સલોની.. કાર્તિક સાથે મારી ડીટેલમાં વાત નથી થઇ. એ તો ચેન્નઈ ભાગ્યે જ આવે છે. ફોન પર વાત કામની જ થાય છે. આ તો હું મુંબઈ આવી’તી તો થયું તેને મળી લઉં અને તેની લાઈફમાં શું ચાલી રહ્યું છે તે જાણી લઉં. આફ્ટર ઓલ..હી ઈઝ મય સન..અને મને હક્ક છે.”
“યસ, ડેફીનેટલી..અને કાર્તિકે મને તમારા મુંબઈ એરાઈવલની વાત કરી હતી. બટ અનફોર્ચ્યુનેટલી તેને એકએક ચંડીગઢ જવાનું થયું. એટલે..”
“ઓકે.. ફાઈન.  બટ લેટ મી ટેલ યુ.. આ લીવ-ઇન રીલેશન અને એવું બધું.. મને ખબર ન પડે.. ”
“હાઉ કેન યુ સે ધેટ મીસીસ મેનન..? તમે તો જમાનાની સાથે ચાલનારા લેડી છો. ઇન ફેક્ટ આજથી ત્રીસ વર્ષ પહેલા તમે.. એક ગુજરાતી યુવતીએ એક તમિલ જીવનસાથી સાથે લગ્ન કરવાનું બોલ્ડ ડીસીઝન લીધું હતું. વેલ અહેડ ઓફ ધેટ ટાઈમ.”
“હા, બોલ્ડ હતું..પણ સાથે સાથે નૈતિકતાના ધોરણે કંઈ ખોટું ન હતું.. જ્યારે તમે લોકો તો લીમીટ ક્રોસ કરી રહ્યા છો. વિધાઉટ મેરેજ તમે લોકો..”
“નૈતિક કે અનૈતિક..એ બધું અમને નક્કી કરવા દો ને, પ્લીઝ.. ઇટ્સ આવર લાઈફ..”
“હા, સલોની..તારા જેવી યુવતીઓ જયારે આ યુગમાં જન્મે પછી નૈતિક-અનૈતિક જેવું બચે જ શું? તારી લાઈફના નિર્ણય તું લે..આઈ ડોન્ટ કેર..પણ આમાં તો મારો દીકરો પણ ઇન્વોલ્વ છે. એન્ડ આઈ ફિલ વેરી સોરી, કે એ તારા ટચમાં આવ્યો અને એટલે એણે આવો નિર્ણય લીધો.’
“લુક મીસીસ મેનન..મેં કોઈ ફોર્સ નથી કર્યો તેની ઉપર. ૨૯ વર્ષનો સમજદાર મેચ્યોર્ડ જવાન છે એ.”
“પણ દોષ તો તારો જ છે એમાં. તે એને ફોર્સ નહી કર્યો હોય પણ એનકરેજ તો કર્યો જ હશે. તે ના પાડી હોત તો એ એકલો તો આવું પગલું ન જ ભરત”
“એટ લાસ્ટ..! તમને વાંક તો મારો જ દેખાયો. દોષિણી તો હું જ બની. મારી સાથે આ બધી ચર્ચા કરતા પહેલા, ઈટ વોઝ બેટર કે તમે એના વ્યુઝ જાણી લીધા હોત.”
“એટલે જ હું આવી’તી. બટ યુ સી…..એની વે, તમારી આ સગવડભરી ગણાતી એરેન્જમેન્ટના બેનીફીટ શું છે..કેન યુ બ્રીફ મી ઓન ધેટ?
“વેલ.. મને નથી ખબર હાઉ મચ યુ વિલ એગ્રી.. પણ તો યે.. લેટ મી ટ્રાઈ..’
“ગો અહેડ..”
“કાર્તિક અને મારું કરિયર એકદમ સંતોષજનક છે. અને લગ્નનો નિર્ણય લઇને અમે બેઉ હાલમાં કોઈ રિસ્ક નથી લેવા માંગતા.. કારણ આ પગલું ભર્યા પછી એમાં પીછેહટ કરવી મોટેભાગે મોંઘી પડી જતી હોય છે. લગ્ન પછી પતિ પત્ની એક બીજાને ‘એઝ ગ્રાન્ટેડ’ લઇ લેતા હોય છે. ‘ઘરકી મુર્ગી દાલ બરાબર’. જયારે અત્યારે અમને એકબીજાની સાથેનો તાલમેલ ચેક કરવાનો મોકો મળે છે. એક ઝલક મળે છે કે આની સાથે મેરીડ લાઈફ કેવી હશે. સેક્સ, રીલીજન, દોલત, વગેરે જેવી બાબતમાં એકબીજાના મત ખુબ વિસ્તારમાં જાણવા મળે છે. નિરાલી.. મારી મોટીબેન..એના લગ્ન અને ડિવોર્સ બંને થઇ ગયા છે. અને એટલે જ મને એક વાતનો ખ્યાલ છે કે મોટેભાગના મેરીડ કપલની સામે રોજે રોજ તેના લાઈફ-પાર્ટનરની કોઈ અલગ જ બાજુ નજર આવતી હોય છે, જેને જોઇને તેઓ એમ વિચારતા હોય છે કે આ બધું મને પહેલા કેમ ન દેખાણું. કોઈને બહાર પબ્લિક પ્લેસમાં મળવું અને ઘરની પ્રાઈવસીમાં જોવો.. કામેથી થાક્યા-પાક્યા આવ્યા પછી એકબીજા પાસેથી કેટલું અને શું એક્ષ્પેક્ટ કરવું અને એમાંથી કેટલું ફૂલફીલ થાય છે એ જોવું.. વગેરે વગેરે.”
“ઓહ..તે તો જાણે આ વિષયમાં પી.એચ.ડી. કર્યું હોય એવું લાગે છે..”
“મીસીસ મેનન. તમે મને બ્રીફ આપવાનું કહ્યું એટલે..ઓર એલ્સ, લેટ અસ નોટ ડિસ્કસ ધીસ..!”
“નહીં નહીં..કેરી ઓન.. એક વર્કિંગ વુમનના હિસાબે તે તો તારા પૈસાનો..તારી મુડીનો પણ ખ્યાલ રાખ્યો હશેને આમાં તો..!”
“કોણ નથી રાખતું આજ કાલ..? મીસીસ મેનન.. આ જ તો બ્યુટી છે આ રીલેશનની.”
“ઓ કે..?” -મીસીસ મેનનના અવાજમાં ભરપુર કટાક્ષ વર્તાઈ આવતો હતો- “મને તો ખબર જ નહીં કે આમાં કંઈક બ્યુટીફૂલ પણ છે,”
“લુક મીસીસ મેનન. હું એક મિડલ-ક્લાસ ફેમીલીની છું. અને મને ખબર છે કાર્તિક પાસે પણ કોઈ બાપદાદાની જાયદાદ નથી. તેના ફાધરના ડેથ પછી તમે એને કઈ પરિસ્થિતિમાં મોટો કર્યો તે તમે પણ જાણો છો, અને હું પણ. કાર્તિકે મને બધું કહ્યું છે.”
“બહુ બધું શેઅર કર્યું છે તમે બંને એ, આઈ નો..” -મીસીસ મેનનના અવાજની કડવાશ જળવાઈ રહી હતી. પણ સલોનીએ તેની અવગણના જ કરી.
“બટ યસ.. જસ્ટ ફોર મની, કોઈ માલેતુજાર નબીરાને પરણીને જિંદગીભર તેની હામી ભરવી મારા સેલ્ફ-રીસ્પેક્ટના ભોગે..તે મને મંજુર નથી. સીમીલરલી, કાર્તિકની પણ એવી કોઈ ઈચ્છા નથી કોઈ બીગ શોટ ફેમિલીની છોકરી સાથે મેરેજ કરીને, તેનાથી અને તેના મા-બાપના પૈસાથી જિંદગીભર ઈમ્પ્રેસ થઈને રહેવાની.”
મીસીસ મેનન ચુપ રહ્યા. આ છોકરી જે કહી રહી હતી તે વાત ઓછાવત્તા અંશે તેઓ જાણતા હતા. કાર્તિક ખુદ્દાર યુવાન હતો. અને તેઓ કાર્તિકના આ સ્વભાવને ઓળખતા હતા. પણ તે છતાં ય જયારે સલોનીએ આ જ વાત દોહરાવી, ત્યારે તેમને કોઈએ જાણે કડવી દવા ફરીથી પીવડાવી દીધી હોય તેમ તેમનું મોઢું કટાણું થઇ ગયું. અને  તો ય અત્યારે તેમણેઆ વાત તો છેડવી પડે તેમ જ  હતી…
“કાર્તિક માટે તારે જે સમજવું હોય તે.. પણ જો સલોની અત્યારે મારા હાથમાં એક ખુબ જ મોટા ઉદ્યોગપતિની દીકરીની વાત છે. હું જ્યાં જોબ કરું છું, તે કંપનીના એક ક્લાયન્ટની છોકરી છે. તેઓ કાર્તિકને એકાદ વાર દિલ્હીમાં મળ્યા પણ છે અને તેમને કાર્તિક પોતાની દીકરી માટે ખુબ જ યોગ્ય લાગ્યો છે. છોકરી એજુકેશનના હિસાબે કાર્તિક કરતાં થોડી ઉતરતી છે. પણ એકદમ બ્યુટીફૂલ છે. તો જો, એક વાત લેટ-ગો કરી હોય તો મારી ઈચ્છા છે કે કાર્તિકના મેરેજ એ ફેમિલીમાં કરવા પરફેક્ટ ડીસીશન છે.”
“ઓકે.. તમે કાર્તિકને વાત કરી જુઓ. “ –સલોની એકદમ સ્વસ્થતાપૂર્વક બોલી કારણ તે કાર્તિકને ઓળખતી હતી, તે જાણતી હતી કે કાર્તિક આ બાબતમાં કોઈ કાળે તૈયાર નહીં થાય- “બટ આઈ એમ સરપ્રાઈઝડ કે તમે તમારા દીકરાને આટલી ઉમરે ય ઓળખી નથી શક્યા.”
“વોટ ડુ યુ મીન ?”
“બાઈ ધ ગ્રેસ ઓફ ગોડ અત્યારે એ અને હું બંને ખુબ સરસ કમાઈયે છીએ. પણ મુંબઈમાં સારી લોકેલીટીમાં ફ્લેટ લેવો એટલો સહેલો નથી, યુ નો ધેટ. તો અમે આ ફ્લેટ શેઅર કરીયે છીએ. ફ્લેટનું ભાડું, રોજે રોજના ખર્ચા, વગેરે અમે સરખે ભાગે ડીવાઈડ કરીએ છીએ. અમારી બંનેની પ્રાઈવેટ સેવિંગ્સ છે જેની ઉપર એકબીજા નજર પણ નથી નાખતા. બટ એટ ધ સેમ ટાઈમ, જરૂર પડે એક બીજાને ફાઈનેંશીયલ હેલ્પ પણ કરી લઇએ છીએ. તો અમે બંને આનાથી ખુબ સેટીસફાઈડ છીએ. ડુ યુ થીંક કાર્તિક આટલી ખુદ્દારી છોડીને તમારી પસંદની છોકરી સાથે લગ્ન કરશે? ઇફ યસ.. તો ઠીક છે તમે ટ્રાઈ કરી જુઓ.”
“ ખુદ્દારી ભરી જીંદગી એક વાત છે અને આ તો લગ્ન પહેલા જ સેક્સ.. અને એ પણ..”
“લુક મીસીસ મેનન લગ્ન પહેલા સેક્સ ઘણા પ્રેમીઓ માણતા હોય છે. પણ એ ફક્ત પા-અડધા કલાકની એક્ઝાઈટમેન્ટ હોય છે. જ્યારે અમે તો એકમેકનો સહવાસ માણવાની સાથે એકબીજાનું પરફોર્મન્સ પણ જજ કરીએ છીએ અને એ બાબતમાં સજેશન પણ આપીએ છીએ. એક પત્નીનું એવું કોઈ સજેશન તેના પતિના ઇગોને બહુ ઇઝીલી હર્ટ કરી જાય પણ એક ફ્રેન્ડનું નહીં. એન્ડ કાર્તિક અને હું, વી બોથ આર સ્ટીલ ફ્રેન્ડ્સ. બીસાઈડ ધેટ એક વાત હું અહી એ પણ ક્લીઅર કરી દઉં કે મારી બહેન નિરાલીના મેરેજ બ્રેકઅપનું કારણ સેકસુઅલ જ હતું. પણ કોણ ક્યાં ઓછું પડ્યું..લેટ અસ નોટ ડિસકસ ધેટ.”
“જો તમે એકબીજાથી આટલા સેટીસફાઈડ છો તો મેરેજ કેમ નથી કરી લેતા. ?
“અમે એક બીજાને બે વરસથી જાણ્યા પછી જ અમારા આ રીલેશનને નેક્સ્ટ..અપર લેવલ સુધી લઇ જવાનો નિર્ણય લીધો છે, અને એટલે જ સાથે રહીએ છીએ.. રોજ રોજ બહાર મળવા અને ઘરમાં સાથે રહેવામાં ઘણો ફરક હોય છે. બહાર મળતા, ત્યારે બસ એક બીજાને ઈમ્પ્રેસ કરવાની વાત હતી, સારી સારી હોટેલ્સમાં ડીનર અને ખાલી ખીસ્સે પણ તેનાં બિલ્સ ચુકવવાની જીદ..ચાર ડગલાં દુર થીએટર સુધી પણ ટેક્સીમાં લઇ જવાની ફોર્માલીટી વગેરે વગેરે. બટ યુ સી..આ બધું હવે વેનીશ થઇ ગયું છે..“
“ઓકે.. તો પછી હવે તમારાં આ રીલેશનનું નેક્સ્ટ લેવલ મેરેજ ક્યારે આવવાનું છે ?” –મીસીસ મેનનને આ બોલ્ડ છોકરીની વાતો બોલ્ડ નહીં પણ બ્લંટ લાગતી હતી તેમને આની સાથે વાત કરવામાં કોઈ રસ નહોતો આવતો, તો પણ તેમના ભવિષ્યના પ્લાન જાણવા આ પ્રશ્ન કર્યો.
‘એ તો સમય જ કહેશે. લેટ અસ નોટ વરી નાઉ..”
“જો સલોની, તું એમ બિલકુલ ન સમજતી કે તારી આ બધી વાતોથી હું ઈમ્પ્રેસ થઇ ગઈ છું. આઈ એમ ડેફીનેટલી ગોઇંગ તો ટોક વિથ કાર્તિક, કારણ હું આ તમારી લાઈફ-સ્ટાઈલને બિલકુલ એપ્રુવ નથી કરતી. અને હજી પણ મને લાગે છે કે આમાં ટોટલ વાંક તારો છે. આટલા ‘અગાઉ’ વિચાર રાખવા એ સારી વાત નથી.”
“મીસીસ મેનન, હું માનું છું કે એક જમાનામાં કોઈકે તમને પણ આવું જ કંઇક કહ્યું હશે તમારા ‘અગાઉ’ વિચારો માટે. તમારા ઇન્ટર-કાસ્ટ મેરેજને બધાયે તો એપ્રુવ નહીં જ કર્યા હોય.”
“આઈ વિલ મેક અ મુવ..નાઉ ” –સલોનીની આ ટકોરને ગણકાર્યા વગર મીસીસ મેનન બોલ્યા- “ઇટ્સ ટાઈમ ફોર માય ફ્લાઈટ..”
અને કંઈ પણ વધુ બોલ્યા વગર તેમણે ઘરની બહાર જવા માંડ્યું. સલોની તેમને જતાં જોઈ રહી. તેને અફસોસ હતો કે એક સ્ત્રી થઇને પણ તેઓ બીજી સ્ત્રીની મેન્ટાલીટી સમજી નથી શક્યા, અને બધો વાંક તેમને સલોનીનો જ લાગ્યો. પોતે અને કાર્તિક બંને એકબીજાને સમજીને ધીમે ધીમે આગળ વધી રહ્યા હતાં, તેમ જ કોઈ પાસેથી કંઈ જ અપેક્ષા નહોતી રાખી. અને જો આમાં વાંક હોય, તો બંનેનો હોવો જોઈએ. પણ ના, અત્યારે દોષનો આખો ટોપલો તેની માથે જ ઢોળવામાં આવી રહ્યો હતો. દોષિણી તે એકલી જ ગણાતી હતી.
— અશ્વિન મજીઠીયા

તાળો મળતો નથી - નિશિતા પંડ્યા [દોષીની]

‘’હતું દ્રઢ મનોબળ તો સમતાથી જીરવી જાણ્યું,
ક્યાં હતું સહેલું જીવન તોયે જીવી જાણ્યું.’’
તે વખતે, પુરેપુરી સભાન અવસ્થામાં આવતાં જ, અણધારી આવી પડેલી વ્યાધિને સહજ રીતે પચાવવી મારા માટે અઘરી થઇ પડી હતી. આ વ્યાધિ જીવનભરની ઉપાધિ થઇ જશે કે શું? એ અવઢવ સાથે, મારી સાસુ અને નાની નણંદ વચ્ચે થયેલા સંવાદના આછા પાતળા શબ્દો રહી રહીને ત્યારે મારા કાનમાં અફળાતા હતા, જે અર્ધ-બેભાનાવસ્થામાં હોસ્પિટલના જનરલ વોર્ડમાં સુતા સુતા મેં ત્રુટક ત્રુટક સાંભળ્યા હતા. દવાઓના ઘેનની અસર ત્યારે ઓછી હતી પણ માથું તાવને લીધે ભારે લાગતું હતું, છતાં વિચારોના વાવાઝોડાને અટકાવવું અઘરું હતું. બારીમાંથી દેખાતા આથમતા-સુરજને જોઈ મારા મનમાં એક જ ઈચ્છા થઇ આવી હતી, કે કાળને આવું જ ભૂંડું કરવું હતું મારી સાથે? એના કરતા તો મારા જીવનનો અંત આવી ગયો હોત તો સારું હતું. મારા શરીરમાં પાંગરી રહેલું બાળક મારા જીવવાનું એકમાત્ર કારણ હતું જે મને મજબુર કરી રહ્યું હતું. એક સ્ત્રી તરીકે જન્મ લીધો એ પાપ કર્યું છે એવો મારાથી નિસાસો નંખાઈ ગયો. શું સ્ત્રી એટલે કાયમ અબળા? સાસુ પોતે પણ એક સ્ત્રી જ છે ને ! છતાંય જ્યાં સુધી કમાઈને લાવતી હતી ત્યાં સુધી મારી ભાવનાઓને થોડી ઘણી બિરદાવી. અને તે છતાંય કામમાં જરા પણ સરવસર ક્યાં ચલાવ્યું? મારી આ દશા માટે એમની કામની લ્હાય શું એટલી જ જવાબદાર નહોતી? રોજ પાંચ વાગે ઉઠીને ફટાફટ સવારના બધાના દૂધ ચ્હા-નાસ્તો, અર્ધી રસોઈ, કપડા, ચ્હા-પાણીના વાસણ વગેરે પતાવી, વાળ ઓળી પાંચ મીનીટમાં તૈયાર થઇ હું રોજ ૭:૩૦ ની સવારની બસ પકડુ. હું ધોરણ આઠ થી બારની સંસ્કૃત વિષયની શિક્ષિકા, જતી વખતે સાસુમા શાંતિબેનને ‘જયઅંબે મમ્મી જઉ છું’ કહું, તો સામે ‘જયઅંબે’કહેવાને બદલે કાયમ કોઈને કોઈ કામ જ ચીંધ્યું છે ! ક્યાં તો- ‘સ્કુલેથી છૂટી રસ્તામાંથી શાકમાર્કેટ થઈને પાંચ-છ શાક લેતી આવજે’ ને સાથે સાથે કહેવાનું પણ નહોતા ભૂલ્યા કે- ‘જોજે કાછિયો છેતરી ના જાય ! ધ્યાન રાખજે અને જોજે..કસવાનું ના ભૂલતી’ વગેરે વગેરે. અથવા ‘બપોરે બાર વાગે સ્કુલેથી આવી જાય પછી બધાનું બપોરનું ભોજન પતે એટલે આજે અર્ધો કલાક માટે પણ સુઈ ના જઈશ , થોડા નાસ્તા બનાવી દેજે.’ ને પાછુ ‘થોડા’ એટલે એકાદ-બે ડબ્બા થોડું ચાલે? વડા, તીખી પૂરી, ફરસી પૂરી, મમરા, થોડી ઝીણી સેવો વગેરે વગેરે.
મને તો કામ કરવું ગમતું, એટલે હું હસતા ચહેરે- ‘હા મમ્મી થઇ જશે તમે ચિંતા ના કરો’ કહી ભાગતી. મારું મનોબળ મક્કમ વશિષ્ઠને કારણે જ હતું. કેટલા પ્રેમાળ પતિ ! વસ્તારી કુંટુંબમાં રહી નોકરી અને ઘર સંભાળવું ક્યાં સહેલું હતું? પણ મારી નોકરીથી વશિષ્ઠને ઘરખર્ચમાં પણ ટેકો રહે, એટલે નોકરી જરૂરી હતી. અને મનમાં વિચાર આવ્યો કે શું વશિષ્ઠ આ લોકોની વાતમાં આવી જશે? અને મને છૂટાછેડા આપવા રાજી થઇ જશે? એમના વર્તન પરથી લાગતું હતું કે હજી સાસુ નણંદની આ વાત એમના કાન સુધી પહોંચી નહોતી, કારણ એ તો એટલા જ વ્હાલથી મારા માથે હાથ ફેરવતા ફેરવતા સાંત્વના આપી રહ્યા હતા કે- ‘હું છું ને દરેક વિપરીત સંજોગોમાં તારી સાથે..! પાંચ વર્ષ પૂર્વે લગ્નના મંડપમાં અગ્નિની સાક્ષીએ લીધેલા સાત વચનોમાંનું સુખ હોય કે દુઃખ જીવનભર સાથ આપવાનું વચન આખી જીંદગી નિભાવીશ. લગ્નપછીના સાથે વિતાવેલા હરેક સુંવાળા સુમધુર રાત અને દિવસ આપણા પ્રેમના પુરાવાના અને સાક્ષી છે એ હું ભૂલ્યો નથી. તને આજે પણ આ અવસ્થામાં એટલો જ પ્રેમ કરું છું જેટલો પ્રથમ નજરના તારામૈત્રક સમયે અનુભવ્યો હતો. તો મિથ્યા વિચારોને કલગી-મેડમ, રત્તીભાર પણ મનમાં નથી લાવવાના, અને ભવિષ્ય માટે મનોબળ મક્કમ કરી વાસ્તવિક પરિસ્થતિનો સ્વીકાર કરવાનો છે. ઈશ્વર ઈચ્છા બળવાન છે, એટલે સંજોગો સામે લડત આપી અડીખમ ઉભા જ રહેવાનું છે.’ પતિ લાડથી મને ‘મેડમ’ કહીને બોલાવતા, ને હું હળવું હસતા ટોકતી- ‘મેડમ તો હું મારા વિદ્યાર્થીઓની, તમારી તો કલગી..!’ ઓગણીસો પાંસઠની સાલની વસંતના આગમનના એંધાણ આપતી અમદાવાદની કેવી રમ્ય સોહામણી એ સાંજ હતી..! ઢળતા સુરજની રોશનીએ ધરતીને લાલ કેસરી કિરણોથી સજાવેલી. અને મોટીબેનની મજાકથી એ જ કિરણો જાણે કે મારા નમણા, ગોરા સ્મિતસભર ચહેરા પર શરમના કારણે ઉતરી આવ્યા હતા. ચન્દ્રનગરના ઢાળ પાસે આવેલી સંગાથ સોસાયટીના બંગલા નંબર પંચાવનમાં ચારેબાજુ ચહલપહલ અને ચોમેર હાસ્યકિલ્લોલ વેરાયેલો હતો. મારી મોટીબેન સૃષ્ટી, જીજાજી સમ્યક અને ડોક્ટર પિતા ગિરધરભાઈ અને મા તારાબેન, આ બધા વશિષ્ઠ અને એના પરિવારની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. તેઓ તે દિવસે મને જોવા આવવાના હતા. સામાન્ય પરિવારમાં ઉછરેલો વશિષ્ઠ વ્યવસાયે સિવિલ એન્જીનીયર હતો, પણ ઘરની પરિસ્થિતિ નબળી હતી. વશિષ્ઠ અને એના પિતા સુમતીભાઈ, એ બંને જણની આવક સામે ઘરનો વસ્તાર બહોળો હતો. વશિષ્ઠને બે નાના ભાઈ અને કોઈ કામધંધો ન કરતા ને ચાર ચોપડી ભણેલા એક મોટાભાઈ. તેમની પત્ની અને બે બાળકો. સાથે માતા શાંતિબેન અને એક કુંવારી નાની બહેન. આમ ભર્યુંભાર્યું નવ સભ્યોનું સંયુક્ત કુટુંબ હતું. જયારે પિતાએ વશિષ્ઠ વિષે તપાસ કરી અને ઘરમાં બધા સાથે ચર્ચા કરી. પછી બધાની સંમતિ લઇ વશિષ્ઠના ઘરે મિત્રના મિત્ર ધ્વારા લગ્ન માટે વાત આગળ વધારવાનું કહેણ કહેવડાવ્યું ત્યારે મારા મનમાં પણ કેટકેટલી અવઢવ ચાલતી હતી,. ને પછી, આંગણે એ દિવસ આવીને ઉભો રહ્યો હતો. વિધાતાના ચોપડે આ જોડી સુસંગત છે કે નથી તે તો વિધાતા જ જાણે, પણ તૈયાર થઇ રહેલી હું, બ્લુ રંગની મેં જાતે ગુંથણ કરેલી કચ્છી ભરતવાળી સાડીમાં ખુબ જ રૂપાળી લાગતી હતી. દર્પણ સામે અંબોડો લેતા લેતા, બિલાડીના જેમ ટોપ ફૂટે તેમ પળેપળે દિલની આ કોરી પાટી પર વસંતના રંગવૈભવ દર્શાવતા ફૂલોની જેમ, મારા મનમંદિરમાં કેટકેટલાય અભરખા ખીલી રહ્યા હતા. કેમ કે એ શ્વેત-શ્યામ ચિત્રોમાં મેઘધનુષના રંગો ભરવા રણમેદાનના પહેલા સૈનિક તરીકે વશિષ્ઠનું આગમન થવાનું હતું. અને એ ક્ષણ તત્કાળ જ સમયને ભેદતી આવી પહોંચી, જયારે મારી માએ રૂમનું બારણું ખખડાવી કીધું, ‘બેટા કેટલીવાર..? છોકરાવાળા આવી ગયા છે. હું દબાતા પગલે ધીરે ધીરે બેડરૂમની બહાર આવી. સામે જ દેખાતા વિશાળ ડ્રોઇંગરૂમના થ્રી-સીટેડ સોફા પર આધેડ વયના પુરુષ અને લગભગ મારી માની જ ઉમરની સ્ત્રી અને સાથે એક સોહામણો ઉંચો પાતળો બાંધો ધરાવતો નાઈન્ટીન ફિફ્ટીની ફિલ્મના રાજકુમાર જેવી હેરસ્ટાઈલવાળો એ યુવાન પહેલી નજરે જ મારા દિલમાં વસી ગયો. વશિષ્ઠને પણ પહેલી નજરે હું ગમી ગઈ એટલે બંનેની પરસ્પર હા થતા જ બે પરિવાર એક થયા. ધૂમધામથી ઘડિયા લગ્ન લેવાયા. નવી નવેલી દુલ્હન બનીને મેં ગૃહપ્રવેશ કર્યો. અને સોહાગરાતે જ ઘરના દરેક સભ્યના ગમા- અણગમા વિષે મેં વશિષ્ઠ પાસેથી જ જાણી લીધું હતું, તેમ જ એમના સ્વભાવનો પણ પરિચય મેળવી લીધો હતો. લગ્નના ત્રીજા મહિને જ મને સારા દિવસો રહ્યા હતા, ને પુરા સમયે દીકરી જન્મી. જોતજોતામાં નકશી પણ ચાર વર્ષની થઇ ગઈ અને પછી ફરીથી સારા દિવસો રહ્યા અને ક્યાં સાત મહિના થઇ યે ગયા. પણ વાઈરલ ઇન્ફેકશનથી ચઢી બેઠેલો એ તાવ, કેમે કરી ઉતરવાનું નામ નહતો લેતો. સાસુમાની કામ પૂરું કરાવવાની અધીરાઈ, એમના નામ સાથે જરાય સુસંગત નહોતી ! મારા કામથી એમને સંતોષ ના થતો એટલે રોજરોજ નિવાક્વીનની ગોળીઓ લઇને એમનું કામ સમયસર થાય એ ધ્યાન રાખવામાં મેં જાતને અવગણી અને તબિયત પ્રત્યે ધ્યાન જ ન આપ્યુ. ગોળીઓના અતિરેકની આડઅસર થઇ, અને હું પેરાલિસીસ-એટેકનો ભોગ બનીને હોસ્પીટલના ખાટલે પડી હતી. ડોકટરના નિદાન મુજબ એક પગ કાયમ માટે નિર્જીવ થઇ ગયો હતો અને હરતીફરતી હું તે પછી સદાયને માટે શારીરિક ખોડખાંપણ વાળી થઇ ગઈ. હોસ્પીટલમાં મારા મનમાં વિચારોનો વંટોળ ઉઠતો કે, ‘મારી નકશી અને આવનાર બાળકના ભવિષ્યનું શું થશે? નકશી, આવનાર બાળક તથા લગ્ન બાદ નોકરી છોડી વશિષ્ઠે એનું પોતાનું નવું શરુ કરેલું આગવું કામ, વશિષ્ઠ આ બધું એક સાથે સંભાળી શકશે? ઉપરાંત હું તો બોજારૂપ જ લાગીશ..! પથારીમાં પડ્યા પડ્યા આ પરવશતાભર્યું જીવન કેમનું વીતશે? કાળ અને કુંડળીના કયા ગ્રહો અવળા પડ્યા કે આ અવદશા આવી? સાસુ તો બધો દોષ મારે માથે જ ઢોળી રહ્યા છે. મારી સાથે સાથે નકશી અને આવનાર બાળકનું જીવનેય અમાસના અંધકારથી ભરેલું રહેશે. ને એ તો નકશીના જન્મ સમયે જ સમજાઈ ગયું હતું, જયારે તેમણે દીકરીને હાથમાં નહોતી લીધી અને કીધું હતું કે, ‘દીકરો અવતર્યો હોત તો સારું હતું..પણ દીકરીની મા તો દીકરી જ જુવે ને જણે..!’ હવે જો આ બીજી પ્રસુતિમાં ય દીકરી જ અવતરશે તો મને મ્હેણાં મારી મારીને જીવન જીવવું દુભર કરી નાખશે. આજ દિન સુધી ક્યારેય વશિષ્ઠને મારા દિલની વ્યથા કે અંતરે પડેલા ડામનો આભાસ નથી થવા દીધો, તો જ્યાં સુધી સહનશક્તિ સાથ આપશે ત્યાં સુધી ચુપચાપ સહન કરતી રહીશ. મારા જીવનની આ દારુણ દુર્ઘટના છે, અને વશિષ્ઠના સાથ અને સહકાર હેઠળ એ ય જીરવી લઈશ.’ અને પછી બે દિવસ બાદ હોસ્પિટલમાંથી ઘરે જવાની મને પરવાનગી મળી અને સાથે ડોક્ટરની સુચના કે, ‘રોજ પગભર થવા થોડી કસરતો જાતે કરવી પડશે. અને બરાબર શીખી ના લો, ત્યાં સુધી થોડો સમય નર્સ આવી ને કસરત કરાવી જશે. ઘરે ગયા બાદ વશિષ્ઠની ગેરહાજરીમાં સાસુ અને નણંદનું નકશી અને મારી સાથેનું વર્તન અસહ્ય થઇ ગયુ. નક્શીને તો રોજ મારતા, અને હું પથારીવશ, મદદ વિના લાચાર થઇ આંસુ સારતી જોયા કરતી. એને બાથમાં લઇ સમજાવતી કે, ‘તારા પપ્પાને ના કહીશ નાહકના આટલી ઉપાધિમાં વધારે ચિંતા કરશે.’ આમને આમ બે મહિનાને દસ દિવસ પસાર થઇ ગયા, ને બીજી પ્રસુતિનો સમય પણ પાક્યો. પ્રસવ-પીડા ઉપડી. બીજી સુંદર દીકરી જ અવતરી. પણ સાસુને તો હેરાન કરવાનો એક વધુ અવસર મળી ગયો હતો. વશિષ્ઠ તો ખુશ હતા કે ભગવાને બે દીકરી આપી જીવન ધન્ય કર્યું, ને એ જોઈ મેં થોડી રાહત અનુભવી. સસરા સુમતીભાઈને પણ બંને પુત્રીઓ વ્હાલી હતી. એ જોઈ મન ટાઢક અનુભવતું કે, પુત્રીઓ પિતાની તો લાડકી છે ને સાથેસાથે દાદાની પણ. જોતજોતામાં પથારીમાં ને પથારીમાં સાસુ નણંદના ત્રાસ સાથે જ એક વર્ષ વીતી જવા આવ્યું અને બીજી દીકરી ભક્તિ ચાલતી થઇ ગઈ. પણ પથારીમાં પડે પડે આખા દેહમાં ચાઠા પડ્યા. કેટકેટલી શારીરિક અને માનસિક યાતના અનુભવી. શરીરમાં એક દાહ ઉઠતી પણ ઠેબા ખાતાખાતા એ ય સહન કરી લીધી. બસ એક વાત અસહ્ય હતી, કે રોજ નજર સામે ભક્તિ અને નકશીના વાળ ઓળતા ઓળતા, વાળ તાણતી જલ્લાદ નણંદ, કે કપડા બદલાવતા સાસુએ વાંસામાં લગાવેલા ચાર પાંચ ધબ્બા. અને ક્યારેક તો હદ વટાવી દેતા. છુટ્ટા વેલણથી ટીપતા તે આ વહાલસોયી કોમળ નિર્દોષ દીકરીઓને. કોણ જાણે મારી પરવશતાને કારણે ધુત્કારતા, કે એમ કરવાથી એમની ક્રૂર લાગણીઓને સંતોષ મળતો, એ સમજ બહારની વાત થઇ ગઈ હતી. ખુદ ભીતરે કાચની જેમ તૂટીને વેરાઈ ગઈ હતી. જો કે એ આભાસ પણ કોઈને થવા નહોતો દીધો અને વશિષ્ઠની હુંફથી મનોબળ મક્કમ રાખી રોજ વધુને વધુ સમય કસરત માટે ફાળવતી. ક્યારેક ફરિયાદ રૂપે ચીસો પાડીને રૂંવાડા ઉભા થઇ જાય તેવું ઈશ્વર પાસે આક્રંદ કરી લેતી, કે ક્યારેક તો ઈશ્વર દયા ઢોળશે આ લાચાર પર. આખરે એક દિવસ સોનાનો સુરજ ઉગ્યો. મારો પગ સંપૂર્ણ તો સારો ના થયો પણ લાકડીના સહારે ઘરમાં હરતી ફરતી થઇ. ધીમે ધીમે ઘરનું કામ જાતે કરતી થઇ. પ્લેટફોર્મ પર બેસી જતી. કુદકો મારી અને બધાની રોટલી કરતી. નકશી સાત વર્ષની થઇ અને ભક્તિ બે વર્ષની. એમની પણ સંપૂર્ણ જવાબદારી હવે મેં પોતાના શિરે જ લઇ લીધી હતી, કે જેથી સાસુના ગુસ્સા અને જડતાભર્યા વર્તનથી બંને દીકરીઓ તો બચે. ઘરમાં જેમ જેમ ટેવાતી ગઈ તેમ તેમ લાકડીને બદલે દિવાલ પકડી ચાલવાનું શરુ કર્યું. લાકડીનો ઉપયોગ બહાર જતા આવતા શરુ કર્યો, પણ નોકરી તો સાસુના કામના કકળાટ અને કચકચને કારણે ત્યાગવી જ પડી. ભક્તિ પંદરની થઇ ત્યારે સાસુએ ચીરવિદાય લીધી. અને તે ત્રીસ વર્ષની થઇ ત્યાં સુધી વશિષ્ઠ અને બંને દીકરીઓની હુંફ સાથે મારો સંસાર આ જ અવસ્થામાં હસતા રમતા જીવનમાં આવેલા ઉતાર ચઢાવ સાથે વિતાવ્યો. અને હવે સાઈઠ વર્ષની ઉમરે યમરાજનું તેડું આવ્યું છે, ત્યારે અંતિમ શ્વાસ લેતાલેતા, જીવનના સરવૈયા પર શારીરિક અધુરપે આપેલી પીડા ઘટ્ટ ભાસે છે. હે ઈશ્વર મારો તને આ એક જ પ્રશ્ન છે કે, ‘મેં મારા કયા દોષની સજા ભોગવી?’
— નિશિતા પંડ્યા

કથા કડી -૩૦ [સહિયારો પ્રયાસ]

આજે અમે આ છેલ્લી કડી એક સહિયારી કડી તરીકે મૂકી રહ્યા છીએ ….. સતત સાથ આપનાર મિત્રો સાથે આ કથાનો અંત કરવો એ મારી ખુબ અંતરથી  ઈચ્છા હતી .
કડી …૩૦
વ્યોમાની જિંદગી એકદમ પરીવર્તન અનુભવી રહી હતી. એનો માતા બની ન શકવાનો અફસોસ હવે ભૂતકાળ બની ગયો હતો. પોતાના પુત્રના અસ્તિત્વની જાણ થતાં જ હવે એ બાકી રહેલી જિંદગીનું સઘળું વાતાવરણ પોતાની તરફેણમાં બનાવી દેવા એકદમ બહાવરી બની હતી. એ પોતાના પુત્રને પામવાનાં સઘળાં પ્રયત્નો કરવાં માંગતી હતી. માતૃત્વના કોલે એને કૌટુંબીક માહોલમાં જીવવા અધીરી બનાવી દીધી હતી. અને જેવી વિષ્ણુની ભાળ મળી તેવી એને પોતાની પાસે જ રહેવા આવી જવા માટે સમજાવવાનાં પ્રયાસ રુપે સામેથી તેની હોટલમાં પહોંચી ગઈ. ધનિક વાતાવરણમાં ઉછરેલી અને આધુનિક જીવનપદ્ધતિ જીવતી, સ્વછંદી એવી વ્યોમા આમ તો આવી ફાલતુ હોટલનો કદી દાદરો પણ ન ચઢે. પણ પરિસ્થિતિએ વ્યોમમાં એક બદલાવ લાવ્યો હતો. જુદા જ વિચારો અને નવી પરિસ્થિતીમાં ઢળવાની તૈયારી સાથે વ્યોમાએ વિષ્ણુની હોટલની રુમના દરવાજે ટકોરા માર્યા. અંદર રહેલ વિષ્ણુએ રોજની જેમ જ રુમ બોય આવેલો સમજીને બેડ પર પડ્યા રહ્યેજ કીધું…
“આવીજા બાપલીયા…હજું ઉંઘ તો ઉડવા દે…”
ફટાક દઈને બારણું ખોલીને હાથમાં ચા ને બટાકાપૌઆનાં નાશ્તાની ટ્રે સાથે અંદર પોતાની નજર સામે ઉભેલી વ્યોમાને જોતાં જ તે થોડો અસ્વસ્થ થઈ ગયો. વિષ્ણુ મોં પર અણગમાનાં ભાવ સાથે બોલ્યો…”અરે.!…તમે કેમ આમ સવાર સવારમાં મારી સવારને બરબાદ કરવા આવી ગયાં..? મારો પીછો છોડવાનું તમે શું લેશો? અને ખાસ સાંભળી લ્યો, મારે મારી જિંદગીને હવે બદલવી જ નથી..ને હું આમ જ ખુશ છું..”
વ્યોમાથી ન રહેવાતાં બોલી…”અરે…વિષ્ણુબેટા….તું હવે તો સમજ…તું તો મારા કાળજાનો ટુકડો છે, મારું લોહી સીંચીને તને નવ મહીના મારા પેટમાં પાળ્યો છે, તું મારી વાત નહીં માને? બેટા, તારા ફાયદા માટે જ કહું છું ચાલ આપણા ઘરે..”
વિષ્ણુ બોલ્યો…”કોને સમજાવવા માંગો છો તમે? ને કોનું ઘર? મારે જ્યારે ઘરની અને મા ની જરુર હતી ત્યારે તમે ક્યાં હતાં?…ને હવે જ્યારે મને કોઈનીજ જરુર નથી ત્યારે મને શું કામ કોઈ નવા સગપણની ઓળખ આપીને લાગણીનાં પાશથી બાંધવાનાં પ્રયત્ન કરી રહ્યા છો? શું હું નાનો બાળક છું કે તમે મને લાગણીની લોલીપોપ હાથમાં પકડાવીને પટાવીને કહી દીધું કે ચાલ ઘરે જઈને બીજી આનાથી ય સરસ ચોકલેટ આપીશ !”
વ્યોમાના ચહેરા પર પારાવાર વ્યાકુળતા હતી. “બેટા વિષ્ણું તને ખબર છે કે તું જે સમજી રહ્યો છે એનાં માટે હું એકલી જ જવાબદાર છું? એ સમયે હું થોડી બહેકી ગઈ હતી…..ને એ મારા બહેકવાનો લાભ જેણે લીધો હતો એ પણ તારી આજની હાલત માટે એટલો જ જવાબદાર છે….ને મને તો તારા જન્મ વિશે અંધારામાં જ રાખીને તારા અસ્તિત્વને આશ્રમમાં ઉછરવા રવાના કરી દીધું હતું”…. વ્યોમાના અવાજમાં ધ્રુસકું નીકળી આવ્યું. ” હું અભાગણી આટલાં વર્ષો સુધી મારો પોતાનો દીકરો હોવાં છતાંય એક વાંઝણી બની મારી જ જાતને ભૂલીને નસીબની મારી છેતરાતી રહી..!” આટલું બોલતાં વ્યોમા રીતસર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.
વિષ્ણુ હવે અકળાયો હતો. એણે એની જિંદગીમાં ક્યારેય આવી લાગણી અને લાગણીભરી વાતો કે દલીલો કે પછી આવી કાકલુદીભરી વિનવણીઓ સાંભળી જ ન હતી, તે લગભગ યંત્રમાનવની જેમ જ મોટો થયો હતો. તેનાંથી આવી પરિસ્થિતિ સહન ન થઇ. વ્યોમાનાં આંસુ તેને જરાય પીગળાવી ન શક્યાં. ઉલટાનું તે ઉશ્કેરાયો ને લગભગ બરાડ્યો…..
“ઓ મેડમ, તમારા પૈસા ને ધનદોલત તમને જ મુબારક…ને મારે જોઈતું હોયને, એ ગમે ત્યાંથી પેદા કરવાની મારામાં આવડત છે જ…..અને મારે મારી રીતે જીવવા માટે એટલું જ પુરતું છે..!….મારે કોઈ મોટાં શેઠ નથી બની જવું..!” વિષ્ણુના અવાજમાં એક ઉશ્કેરાટ હતો. એ બરાડયો….”અને હવે ફરીથી આ મા-બેટાની વાતો કરવા આવીને એવી વાતો કહી મને ખોટો ઉશ્કેરશો નહીં. નીકળો બહાર !…નીકળો, મારે કોઈ મા હતી નહીં….ને કદી હશે પણ નહીં..!”
વિષ્ણુ ગઈકાલે રાત્રે કરેલા કરેલાં નશાને કારણે હેંગ ઓવર ફીલ કરતો હતો. એનું માથું ઘુમતું હતું. રડતી કકળતી વ્યોમાને એણે હાથ પકડીને એક ઝાટકે રુમની બહાર લગભગ ધકેલીને રુમનું બારણું ધડાક કરતું વાસી દીધું.
રૂમની બહાર વ્યોમા, “વિષ્ણું ..અરે વિષ્ણું બેટા, ઓ મારા લાલ….મને હવે તો મા બનવાનો મોકો આપ. આ બધું જ હવે તારું જ છે, મને તો ફક્ત મારા ખોળામાં મારી મમતા આપી દે..! બસ, ભગવાન મેં કયારેય તારી પાસે કશું માંગ્યું નથી, પણ હવે તો મને મા બનાવી દે..! આજે કોળીયો હાથમાં અને નજર સામે જ છે. છતાં હું એનાં માટે તડપું છું..! અરે..અરે કોઈ તો સાંભળો, મારા દિકરાને આટલું સમજાવો.”
ને વ્યોમાં હોટેલની લોબીમાં આમ લવારા કરતી અર્ધ બેભાન અવસ્થામાં ફસડાઈ પડી…!!
— ( આશિષ ગજ્જર )
સવારથી જ શહેરના વેપારીજગત અને અખબારી આલમમાં સપનાની કાબેલિયત અને શેઠ એન્ડ કંપની ભરપુર પ્રશંસા ચર્ચાતી રહી. સપના આ બધું સાંભળીને, વાંચીને દિલમાં થોડું દર્દ અને ખુશી એકસાથે અનુભવતી રહી. એ વિચારમાં જ આંખના ખૂણા ભીના થયા, અને મન મક્કમ કરીને ઓફીસે જવા તૈયાર થઇ. સ્નેહાને કહ્યું..,”બેટા, હું ઓફિસે જાઉં છું.” અને ઓફીસે જવા નીકળી ગઈ.
ઓફિસે પહોંચતા જ સંવેદના અને સ્પર્શ, શેઠ એન્ડ કંપનીને મળેલા ટેલીમેડીસીન ના કરાર માટે અભિનંદન પાઠવવા ફ્લાવર-બુકે સાથે જોવા મળ્યા. એમને જોઇને સપનાનું હૈયું ભરાઈ આવ્યું. બંનેને પોતાની ચેમ્બરમાં લઇ આવી સપનાએ પોતાની જગ્યા લઇ પ્યુનને બધાં માટે ચા-નાસ્તો લઇ આવવા કહ્યું. સ્પર્શ-સંવેદના સામે જોઇ આંખમાં ઝળઝળિયાં સાથે પોતાની લાગણી વહેતી મૂકી. સપનાએ કહ્યું, “સ્પર્શ, સંવેદના, તમારા બંનેના સહયોગ વગર મારા માટે શેઠ એન્ડ કંપનીને અહી સુધી પહોંચાડવી શક્ય નહોતું. ટેલીમેડીસીનના કરાર અંગે સ્પર્શ, તમારી સલાહ સુચન અને મહેનત રંગ લાવી છે. સંવેદનાએ આપેલી હુંફ અને તમારી કંપની પ્રત્યેની નિષ્ઠાને લીધે અહી સુધી પહોચી શકી છું. એ બદલ હું તમારી ખુબ ખુબ આભારી છું.” સંવેદનાએ સપનાના હાથ પર હાથ મૂકીને કહ્યું…”સપના, યુ ડીઝર્વ ઈટ. યુ આર કેપેબલ વુમન. આમાં તારી મહેનત, શ્રદ્ધા અને.. સંયોગ પ્રત્યેનો પ્રેમ જ રંગ લાવ્યો છે, અને અમે તો તારી સાથે છીએ જ.”
સપના એ કહ્યું,…”બસ હવે સંયોગ પરફેક્ટ થઇ જાય અને આ કંપની એના હાથમાં સોપીને હું ફરી એ જ સપના બનવા માંગું છું, કે જે સાંજ પડે તૈયાર થઇને સંયોગના ઓફિસેથી આવવાની રાહ જોતી હોય. અને રજાના દિવસ હું, સંયોગ અને સ્નેહા ફરવા નીકળી પડીએ. મૂવી, હોટલમાં જઈએ અને નિરાંતનો આનંદ માણીએ…….એવા દિવસની રાહ જોઉં છું.  હવે સ્નેહા પણ મોટી થઇ રહી છે. એના પ્રત્યેની મારી ફરજ પણ વધી રહી છે, એને પણ માની સાથે એક સખીપણાનો અહેસાસ કરાવી શકું…!” સપનાની આ વાતો સાંભળીને સંવેદનાની આંખો સજળ બની. સ્પર્શ લાગણી તરબતર સખીઓને જોતો રહ્યો.
સ્પર્શને જોતો જોઇને બંને સખીઓ સ્વસ્થ થઇ, ને વાતને બીજે વળાંક આપ્યો. સંવેદનાએ સપનાને અવનીની યાદ અપાવી. એટલે તરત જ સપનાએ અનંતને ફોન કર્યો..,”હાઈ, અંનત, કેમ છો તમે? અવની કેમ છે?” અનંતે જવાબ આપ્યો, “અવની, ડોક્ટરના કહ્યા મુજબ આરામ કરે છે અને તબિયત પણ સુધારા પર છે. આટલે ચિંતા કરશો નહિ. તમે અને સંયોગ કેમ છો?” અને તેણે સ્નેહાનો ખયાલ રાખવાનું કહ્યું. સપનાએ, અનંતને પોતાનો અને અવનીનો ખ્યાલ રાખવાની ભલામણ કારની ફોન-કોલ પૂરો કર્યો.
“આપણી વાતો ક્યારેય પૂરી નહિ થાય..” અને ચા અને નાસ્તાને ન્યાય આપવા સ્પર્શ અને સંવેદનાને કહ્યું. લાગણીઓના પુરને ખાળીને.ફરીથી વાતનો દોર બીઝનેસ તરફ વાળતા સ્પર્શને કહ્યું, “સ્પર્શ, તમારે હવે એક મોટું કામ કરવાનું છે.. રાહુલના બધા જ કાવાદાવા નિષ્ફળ ગયા… તો પણ આપણને અંદાજે એનાથી શું નુકસાન થયું છે…ક્યાં ગેરફાયદા થયા છે..એનો એક અહેવાલ બનાવો, તો આગળ શું પ્લાન કરવા એની સમજ પડે. અને હા, હવે આગળ ક્યાય નાની શી ય ભૂલ ન થઇ જાય એના માટે સચેત રહેવાનું. અને એ માટે તમારા સિવાય કોઈ પણ પર વિશ્વાસ મૂકી શકું તેમ નથી.” સ્પર્શે જવાબ આપ્યો..,”ચોક્ક્સ..અને સંવેદના, આપણે રજા લેશું?” તેણે સંવેદના સામે જોઈ કહ્યું, અને બંને સપનાની રજા લઇ ઘરે જવા નીકળ્યા.
— ( જહાનવી અંતાણી )
શહેરની પંચતારક હોટલમાં ત્યારે રાજકારણીઓનો મેળો જામ્યો હતો. જબરા કોલાહલ વચ્ચે પાર્ટી-મિટિંગનો અજેંડા રજુ થયો. અને રાબેતા મુજબનું કામ ચાલ્યું. પાર્ટીના સભ્યોની આ મેદની જોઇને જનાર્દન ખુશ હતો.
ગઈ ચુંટણીમાં તેની પાર્ટીની અણધારી કહી શકાય એવી હાર થઇ હતી જેનાથી તેની પાર્ટીના સભ્યોનો ઉત્સાહ, ત્યારે પડી ભાંગ્યો હતો. પણ આજે, બસ થોડા મહિના બાદની આ મીટીંગમાં સર્વે ફરી પાછા ઉત્સાહિત જણાતા હતા.
તેનું કારણ હતું, કે સત્તાપર નવી આવેલી સરકારના ગૃહપ્રધાનના દીકરાનું કોઈ કોલ-ગર્લ સાથેના ફોટા સાથે, નામ છાપે ચાડ્યું હતું. અને આને લીધે નવી સરકારને ભોંઠા પડીને ખુબ નીચાજોણું થયું હતું.
“આ સત્તાધારી પારટીએ બઉ બધા બણગા ફૂંકી-ફૂંકીને ભોળી-ભટાક પરજાને હથેળીમાં ચંદરમા દેખાડી દીધો. ને પરજા ય બચાડી તેમની વાયતુંમાં આવી ગઈ, ને ઈ લોકોને માથે બેહાડી દીધા. આપણે ય હાળા ઊંઘતા જડપાઈ ગ્યા..ને પવન પારખવામાં ય થાપ ખાઈ ગ્યા’તા..” -મીટીંગ પુરી થતાં બહાર નીકળતા એક રાજકારણી બબડ્યો.
“એ સરવણભાય, આમ આકળા કાં થાવ?” -સાથે ચાલતા જનાર્દન વાઘેલાએ તેને ટપારતા કહ્યું- “ભાળતા નથ, ગઈકાલે ઈમનો આ એક ભવાડો જે છાપે ચઈડો, ઈ કોનું કામ સે? ભલા માણહ, આંઈ આપણે ય કાંઈ હવે ઊંઘતા નથ. થોડી ખમૈયા કરો બાપલીયા..હઉ હારા વાના થઇ રેહે. ગઈકાલની ઘોણે, ઈ લોકોને આમ હજી એક ઠેબું આવવા દ્યો..ને જોજો પસી આ ભાયડાના ભડાકા..! એય..ને..વચમાં ટાંગ નાખીને એવા પલોટશુ, કે ભોય ભેરાં થઇ જાહે આપણી ખુરશીયું પચાવીને બેઠા સે ને..ઈ હંધાય.”
“હા ભાઈ..જનાર્દનભાઈ, આ આવું..આ માઈલુ, હજી યે કંઇક થાય તો તો મજો પડી જાય.” -સરવણભાઈ હસતા હસતા બોલ્યા.
“એ થાહે થાહે, ચિંતા કરો માં..હાલો તંઈયે..જે સી ક્ર્ષ્ણ..! આંઈ તો હજી યે એક મેળાવડામાં પોચવાનું સે, તી ઉતાવળ સે..” -જનાર્દન ખુશખુશાલ મુદ્રા સાથે તે બધા સભ્યોથી છૂટો પડ્યો.
એક બાજુ સત્તાધારી પાર્ટીનું એક કૌભાંડ છતુ થવું અને બીજી બાજુ વિષ્ણુ નામના અચાનક ઉગી નીકળેલા પોતાના જુના કૌભાંડને દબાવી દેવામાં પોતાને મળનારી સફળતાનો અંદેશો, આ બધાએ જનાર્દનને ખુશખુશાલ કરી મુક્યો. પણ એ જાણતો ન હતો કે તેની આ ખુશી ક્ષણજીવી નીવડવાની છે.
ફક્ત ખુશીની ક્યા વાત..એની પોતાની જિંદગી યે હવે ક્ષણજીવી જ હતી એની એને ક્યાં જાણ હતી..!
હોટલની બહાર સામેની ઈમારતમાંથી ટેલીસ્કોપીક રાઈફલ વડે તેની ઉપર નિશાન તો ક્યારનું તકાઈ રહ્યું હતું. બસ આ ભીડમાંથી તેનાં છુટા પડવાની જ રાહ જોવાઈ રહી હતી, કે જેથી તેની સાથે-સાથે બીજા બે-ચાર જણા હોળીનું નાળીયેર બનતા બચી જાય.
જેવો જનાર્દન આ બધાંથી છૂટો પડીને પોતાની બુલેટ-પ્રૂફ કાર તરફ આગળ વધ્યો, કે એક પછી એક એમ સાત-આઠ બુલેટ આવીને તેની છાતી વીંધી ગઈ. નિશાન અચૂક લેવાયું હતું, એટલે બધી ગોળીઓ જીવલેણ બની ગઈ. અને લોહીલોહાણ જનાર્દન જગ્યા પર જ ઢળી પડ્યો. જનતાને વ્હાલા થવાના અતિ ઉત્સાહમાં, સાથે બોડી-ગાર્ડ્સ ન રાખવાની તેની જીદ આજે તેને ભારે પડી. પાર્ટીના સભ્યો અને આસપાસની પબ્લિક દોડી આવી. પરંતુ હવે કંઈ જ થઇ શકે તેમ ન હતું. જનાર્દાનનું પ્રાણ-પંખેરું તો તત્કાલ ઉડી ગયું હતું.
….
સાંજના ચાર સાડા-ચારનો સમય હતો. વહેલી સાંજના આ સમયે દરિયાકાંઠે આવેલ બીયર-બારમાં ખાસ કોઈ ચહલપહલ નહોતી. ખૂણાના એક ટેબલપર બે જુવાનીયાઓ વ્હીસ્કીની બોટલ ખોલીને બેઠાબેઠા ધીમા અવાજે ઘુસુર-પુસુર કરી રહ્યા હતા.
“ચલ ભાઈ, ઉતાવળ કર હવે. ત્રણ કલાક થઇ ગયા તારું કામ કરી આપ્યું એને. બાકીની રકમ કાઢી આપ, ને હવે મને છુટ્ટો કર દોસ્ત. આ રાજકારણીઓના ચક્કરમાં મારે જેલના સળિયા નથી ગણવા.” -ત્રીસેક વર્ષના યુવાને અધીરાઈ દેખાડી.
“યાર છબા..થોડું વેઇટ કર રાજા. હજી તો મડદું સ્મશાને ય નથી પહોચ્યું, ને તારી ઉઘરાણી ચાલુ થઇ ગઈ..?” -પચીસ છવ્વીસ વર્ષના બીજા સોહામણા યુવાને પોતાથી પાંચેક વર્ષ મોટા દોસ્તને હળવા મિજાજમાં ટોક્યો.
“તો શું એના શ્રાદ્ધના લાડવા ખવડાવીને પછી, દક્ષિણમાં મારો હિસાબ આપવાનો વિચાર છે કે તારો?” -છબાએ સામી દલીલ કરી.
“અરે પણ..”
“અબે..(ગાળ), તું સમજતો કેમ નથી. તારી સોપારી ફોડવા આ જેને મેં ટપકાવ્યો છે, એ વાઘેલા..ઓપોઝીશન પાર્ટીનો લીડર છે. હવે આનો શક તો બધો સરકાર પર જ જવાનો. એટલે સરકાર આદુ ખાઈને પાછળ પડી જવાની વાતનો છેડો ગોતવામાં. ને આ બધી ધમાલ થાય એ પહેલા હવે અન્ડરગ્રાઉન્ડ થઇ જવામાં જ માલ છે. ને વિષ્ણુ, તું ય શું (ગાળ)ની જેમ આટલા ઠંડા કલેજે બેઠો છે. આપણો હિસાબ પતાવીને તારી ગુફા ભેગો થઇ જા. એમાં જ ભલાઈ છે. નહીંતો આ પચીસ પછીના બાકી પંચોતેર, જેલમાં જ પુરા થઇ જવાના તારા.”
“ભરોસો રાખ છબા.. અડધી ચડ્ડીમાં ફરતા’તા દોસ્ત, ત્યારથી તું મને ઓળખે છે. આ તો ઠીક છે, મોટા ગજાનું કામ હતું એટલે બસ..ચા-પાણીનો મારો થોડો ગાળો રાખીને, આખું કામ તને ડાઈવર્ટ કર્યું છે. મને તો યાર હજી અડધું જ પેમેન્ટ આવ્યું છે, તોયે મેં તને પોણા ભાગનું પેમેન્ટ કરી નાખ્યું છે. હવે એકાદ દિવસ ખમી જા, દોસ્ત. મને મળી જશે એટલે એક..અડધો કલાકે ય તારે નહીં રોકાવું પડે.”
“વિષ્ણુ, સાલા (ગાળ) છો તું,..! આટલું રિસ્કી કામ હાથમાં લીધું, ને પેમેન્ટ બાકી રાખ્યું? હું નથી માનતો આ વાત..!
“અબે..રોજનો ઘરાક છે. એટલી ક્રેડીટ તો આપવી જ પડે..આ તારી જેમ થોડું છે કે આટલી જુની દોસ્તી, તો ય આંખની જરાય શરમ નહીં..ને હા યાર..સોદો થઇ ગયો પછી જ મને ખ્યાલ આવ્યો કે કોને ટપકાવવાનો છે. બસ, આ વખતે ભરોસામાં ને ભરોસામાં થોડી થાપ ખાઈ ગયો. બાકી ક્લાયન્ટ ઘરનો છે, એટલે ટેન્શન નથી.”
“થોડી નહીં જબરી થાપ ખાઈ ગયો તું વિષ્ણુબેટા..! સાલા..આ તારી આસમાની આંખ, ધોળે દહાડે આસમાનના તારા દેખાડવાની છે તને. જોઈ લેજે..! ”
“એટલે..?” -વિષ્ણુએ થોડા અસ્વસ્થ થઈને પૂછ્યું,
“આ રાહુલ ગાંધીને તું બરાબર ઓળખતો નથી..! અત્યાર સુધી તમારા બેઉનું ટ્યુનીંગ સારું હતું એટલે હું વચ્ચે નહોતો બોલતો, બાકી મહા હલકટ માણસ છે એ..”
“જો છબા, તારીને મારી વચ્ચે પ્રાઇવેટ કંઇ નથી હોતું, એટલે ક્લાયન્ટનું નામે ય મેં તને કીધું દીધું..પણ હું તારી કરતાં વધુ ઓળખું છે તેને. અને યાર, આ લાઈનમાં કોણ સીધું હોય છે..?“
“ વિષ્ણુભૈયા તારી કરતા પાંચ દિવાળી મેં વધુ જ જોઈ છે દોસ્ત. વાત સમજ મારી. આ તું જેના પર ભરોસો રાખીને બેઠો છે ને, મોકો મળે તો એ તારી માને ય પરણી નાખે એ ટાઇપનો છે, સમજ્યો..?”
[“મા તો મારી એક્ચ્યુલી પરણીને બેઠો છે, એ હરામી..” -વિષ્ણુ મનોમન બબડ્યો.]
“અને આ રાહુલ ગાંધીના કરતૂત ખબર છે તને? –છબાએ પોતાની વાત ચાલુ રાખી- “એણે તો તારી જ સોપારી આ વાઘેલાને આપી છે..કંઈ ખબર છે..?”
“વોટ? અબે (ગાળ..) હજી તો માંડ એક બાટલી ય અંદર ગઈ નથી, ને ચડી યે ગઈ કે તને?”
“ના.. અને એટલે જ કહું છું..કે તારી કરતા પાંચ દિવાળી વધુ જોઈ છે મેં. આ તો ઠીક છે કે વાઘેલા પહેલો જ ‘ઉપર’ પહોંચી ગયો, નહીંતો તારા તો સો યે સો વર્ષ આગલા ચોવીસ કલાકમાં પુરા થઇ ગયા હોત.”
“બકવાસ મત કર યાર. કોણે કીધું તને?”
”ગણપત કાણીયાએ.. ઓળખછ ને તું એને..? ઓલ્યો બેકરીવાળો..!”
“હા..આગળ બોલ..” -વિષ્ણુ અધીરો થઇ ગયો હવે.
“જનાર્દન વાઘેલાનો રેગ્યુલર બંદો છે એ. ને એના કેટલાય કામ પાર પાડી આપ્યા છે એણે. હવે આ રાહુલ ગાંધીએ, વાઘેલાની સાથે રહીને આ ગણપતને તારી સોપારી આપી’તી. અને એ કાણીયાએ મને પોતાના સગા મોઢે આ વાત કરી, કારણ કે ઈ જાણે છે કે તું મારો જીગરી છો.”
વિષ્ણુના ભવા તંગ થઇ ગયા. સામે પડેલ વ્હીસ્કીનો આખેઆખો ગ્લાસ તે એકી શ્વાસે ગટગટાવી ગયો.
વ્યોમાને કારણે રાહુલ પર અમસ્તો ય ગુસ્સો તો હતો જ..અને હવે આ હકીકત જાણીને વેર અને નફરતની આગ તેના રોમ રોમમાં પ્રસરી ગઈ.
……
પોતાના ઓરડામાં ડ્રેસિંગ-ટેબલના આરીસા સામે ઉભો ઉભો વિષ્ણુ, પોતાની જાતને નીરખી રહ્યો.
આસમાની આંખોવાળી પોતાના ખુબસુરતી પર પોતે જ મોહી પડતા વિષ્ણુને આજે એ ચહેરો ભયંકર બદસુરત ભાસતો હતો. હમણાં..થોડી જ પળો પહેલા આવેલ કોઈ અનામી ફોન પર એને જે હકીકત જણાવવામાં આવી, તેનાથી તે વિહવળ થઇ ગયો હતો.
ફોન કરનારે કહ્યું કે જનાર્દન વાઘેલા તેનો પિતા હતો, અને જો વધુ પુરાવો જોઈએ, તો પોતાની મા વ્યોમાને જઈને પુછી લેવાની સલાહ પણ આપી તેણે.
તે વ્યક્તિ આ એક ભેદ તો જાણતો જ હતો કે વ્યોમા તેની મા છે. મતલબ, આ બાબતમાં તે સાચો જ હતો તો પછી, તેની આ બીજી વાત પણ સાચી જ હોય..શંકાને કોઈ કારણ જ નહોતું.
કારણ તો હતું બસ, પોતાની જાતને દોષ દેવાનું હવે. પોતે જ તો જનાર્દન વાઘેલાના મોતનું નિમિત્ત બન્યો હતો. અજાણતા જ ભલે પણ તેના પોતાના જ ઈશારે આ કામ થયું હતું. અને બસ..થોડા રૂપિયાની લાલચમાં જ પોતે એ કામ કરી બેઠો, જે દુનિયાનો કોઈ જ પુત્ર કદાચિત ન કરે.
નફરત થઇ આવી તેને પોતાની જાત ઉપર, તેની આ જિંદગી પર.
આટલા વર્ષોની અનાથાવસ્થા બાદ જયારે મા મળી તો તેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી અને બાપને તો દુનિયાની જ બહાર રવાના કરી દીધો. પોતાની આવી માનસિકતા અને ગુન્હાભારી જિંદગીથી હવે તેને ઘૃણા થઇ આવી. પોતાનું અસ્તિત્વ નિરર્થક ભાસવા લાગ્યું અને આત્મહત્યા કરવાના વિચાર આવવા લાગ્યા તેને. જાત સાથે લડતા ઝગડતા કેટલીયે ક્ષણો વિતાવી અને મનને મક્કમ કર્યું કે, “ના.. આત્મ-હત્યા તો કાયરતા છે. ને હું કાયર નથી. મર્દ છું હું. આ જીવન જો નિરર્થક હોય તો તેને અર્થ-સભર બનાવી શકાય. હું જુવાન છું. જોશ અને જોમ બરકરાર છે હજી મારા જુવાન બદનમાં. હિંમત અને હોંસલો અકબંધ છે મારા જીગરમાં. આવે તે પરિસ્થિતિનો સામનો કરવાની સક્ષમતા જેમની તેમ છે, તો શા માટે બાકીની જીંદગીને નવી રાહ પર ન લઇ જવી.”
સરકારને સમર્પિત કરી દઉં તો જાતને, -તેણે વિચાર્યું- પાછલા દુષ્કર્મોની સજા થશે એટલું જ ને.. તો એને તો લાયક જ છે એ. પણ એક સંતોષ તો પ્રાપ્ત થશે કે નવા જીવન તરફ એક કદમ માંડીને તેણે તેને સુધારવાની શરૂઆત તો કરી. “હા, એમ જ કરું.” -તેણે આગળ વિચાર્યું- “પશ્ચાતાપની આગમાં થતી પીડામાં થોડી તો રાહત મળશે જ બાકી આત્મ-હત્યા કરીને તો અવગતિ જ પ્રાપ્ત થવાની એ તો નક્કી જ છે. સરકારને સમર્પણ કરવાથી એક સત્કર્મ એ થશે કે સાચા ગુનેગારને યોગ્ય સજા થશે અને સમાજમાંથી પાપ અને પાપી ઓછા થશે. અને હા, સજા પુરી કર્યા પછી બાકીનું જીવન ગુનારહિત જીવીને તેની સાર્થકતા ય સિદ્ધ કરી શકીશ. યસ, આ જ સાચો રસ્તો છે. મારે સમર્પણ કરી જ દેવું જોઈએ..!”
અને તાજનો શાક્ષી બની અસલી ગુનેગારને પકડાવાનો દ્રઢ નિર્ધાર કરી આ બદનસીબ યુવાને.તે દિશામાં પગલા ભરવા શરુ કર્યા.

— ( અશ્વીન મજીઠીયા )
યશપાલ એની ઓફિસમાં બેઠો બેઠો જનાર્દન વિશે વિચારતો હતો કે હવે એનો પાપનો ઘડો છલકાઈ ગયો છે. જનાર્દનને એના પાપોની સજા તો મળશે જ પણ સાથે સાથે રાજકારણનો એક કટ્ટર હરીફ પણ નામ:શેષ થઇ જશે. યશપાલની ઓફિસની દીવાલ પર લગાવેલા LCD ટીવી પર સમાચારની ચેનલ કાયમ મ્યુટ-મોડ પર ચાલુ રહેતી. અચાનક એનું ધ્યાન ટીવી સ્ક્રીન પણ ચાલતા દ્રશ્યો પર પડ્યું. -બ્રેકીંગ ન્યુઝ- “અગ્રણી રાજકીય હસ્તિ જનાર્દનની ધોળા દિવસે હત્યા. હત્યા પાછળ કોઈ રાજકીય સાઝીશનો શક…!” એરકંડીશન્ડ ઓફિસમાં પણ યશપાલના ચહેરા પર પરસેવો વળી વળી ગયો. પોતાની બધી ચાલ આમ અચાનક ઉંધી પડતી હોય એવું લાગ્યું. પણ સાથે સાથે એવા વિચારો પણ આવી ગયા કે રખે ને આ મામલામાં એનું નામ ઉછળે તો શું થશે?
એ આ તણાવમાં જ હતો અને એના ઇન્ટરકોમની રીંગ વાગી. સામે છેડે થી એના પર્સનલ અસીસ્ટન્ટનો અવાજ આવ્યો.
“સાહેબ, કોઈ અજાણ્યા ભાઈ આપને તાત્કાલિક મળવા માંગે છે. કહે છે કે ખુબ અગત્યની અને અરજન્ટ મેટર માટે આપને મળવું છે. કહે છે કે એ ફક્ત આપની સાથે જ વાત કરશે અને એ એકાંતમાં. એમનું નામ વિષ્ણુ છે”
“મોકલ” એમ ટૂંકમાં જવાબ આપી યશપાલ ફોન મુક્યો.
વિષ્ણુ યશપાલની ઓફીસમાં દાખલ થયો. યશપાલે એને બેસવાનું કહી પ્રશ્નો ભરેલી નજરે એની સામે જોયું. વિષ્ણુએ શરૂઆતથી લઈને જનાર્દનની હત્યા સુધીની બધી રામકહાણી વિગતે કહી, પછી પૂર્ણાહૂતિ કરતા કહ્યું. “સાહેબ, મેં જીવનમાં ઘણા ગુનાઓ કર્યા છે અને મને સજા તો મળવી જ જોઈએ. હું હવે પશ્ચાતાપની આગમાં બળી રહ્યો છું. જવાનીના જોશમાં આ બધું કર્યું છે પણ હવે મારે પણ એક સામાન્ય જિંદગી જીવવી છે. હું સામે ચાલીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા માંગું છું અને તાજનો સાક્ષી બનવા માંગું છું. પણ એ પહેલા વિચાર્યું કે આપ જેવા હિતેચ્છુ સાથે આ બાબતે ચર્ચા કરી લઉં. મને ખાતરી છે કે તમે આગળનો રાહ ચિંધાડશો જ. આપને સાહેબ એક વિનંતી કરવા જ આવ્યો છું કે આપ અને આપની સરકાર થોડી રહેમ નજર રાખે તો મારે મારી જિંદગી નવેસરથી શરુ કરવી છે.”
— ( રાજેન્દ્ર જોશી )
યશપાલ આશ્ચર્યચકિત નજરે અને કંઈક અંશે લગભગ ખુલ્લા મ્હોએ વિષ્ણુ તરફ તાકી રહ્યો. મીનીટોમાં જ એને કળ વળી. વિષ્ણુની વાત સાંભળીને જાણે બોમ્બ ફાટ્યો હોય તેવો અહેસાસ થયો. પહેલા તો વિષ્ણુની વાત યશપાલના માનવામાં જ ના આવી. કંઈક ગભરાટ અને ચિંતિત અવાજે યશપાલ બોલ્યો, “વિષ્ણુ, તને ખબર છે કે તું શું કહી રહ્યો છો? અને તારા આ પગલાના પરિણામોની કલ્પના ય કરી છે ખરી?”
“મંત્રી સાહેબ, પરિણામોની કલ્પના તો મેં ક્યારેય કરી નથી અને કરવાનો ય નથી. જો પરિણામોની ચિંતા કરી હોત તો આ જીંદગીની રાહ આવી ના હોત.” -વિષ્ણુના મ્હો પર મગરૂરી હતી- “મારી પથરાળ જીંદગીમાં કેટકેટલા ચઢાવ ઉતાર આવી ગયા છે, સાહેબ. મેં મારી જિંદગીને જીન્દાદીલીથી જીવી છે. પૈસા કમાવવા માટે મેં ઘણા ય ગુના આચર્યા છે પણ એની પાછળ પૈસા કમાવવા એ જ એક આશય નહોતો. મેં મારી જીંદગી એક અનાથ તરીકે જીવી છે. જો કે કોઈ પણ બાળક અનાથ નથી જન્મતું, સંજોગો એને અનાથ બનાવે છે. અને આ સંજોગો નિર્મિત થતા હોય છે માણસની પૈસાની ભૂખ, સત્તાની ભૂખ અને કહેવાતી સામાજિક પ્રતિષ્ઠાને કારણે.” -આમ બોલતાં વિષ્ણુના ચહેરા પર એક ચમક હતી, તેજ હતું- “યશપાલ સાહેબ, મેં સમાજની સામે મારી જિંદગીને આ રાહ બતાવવાનો પ્રતિશોધ લીધો છે. એક એક કાર્ય કર્યા કે કરાવ્યા પછી મને એક સંતોષની લાગણી થતી હતી. હું ધારત તો હજી ય આમ જ એક સામાન્ય જીંદગી પણ જીવી શક્યો હોત. પણ વિધાતાની મરજી જ મારા થકી સમાજના અનિષ્ટને દુર કરાવવાની હતી, સાહેબ. હું કદાચ આખી જીંદગી આ જ રીતે સમાજની સામે પ્રતિશોધ લીધા કરતો હોત, પણ આજે મારા જ ઈશારે મારા સગા બાપની હત્યા થઇ ગઈ. જો આજે એક અનામી ફોન કોલ ના આવ્યો હોત તો કદાચ મને આ વાતનો અંદેશો પણ ના આવ્યો હોત, સાહેબ.”
યશપાલ વિષ્ણુને સાંભળી જ રહ્યો.
“આજે મારી સગી મા મારી સામે માતૃત્વની ભીખ માંગવા આવી હતી પણ મેં એને ય ધુત્કારી નાંખી હતી. મારા મનમાં કોઈના માટે ય લાગણી નહોતી રહી. મારી માના આંસુ પણ મને પીગળાવી નહોતા શકયા, પણ વિધાતા એ જે ચાલ રચી અને મારા દ્વારા જ મારા સગા બાપની હત્યા કરાવાઈ, એ બાબત મારા દિલમાં ચોટ પહોચાવી ગઈ. અત્યાર સુધીમાં મેં લીધેલા પ્રતિશોધે મારી જ જેમ બીજા કેટલાને અનાથ બનાવ્યા હશે એનો મને અહેસાસ થયો. હવે તો આત્મસમર્પણથી જ કદાચ મને શાંતિ મળશે..!” વિષ્ણુના ચહેરા પર પશ્ચાતાપના ભાવ લાગણી સ્પષ્ટ જણાતા હતા.
યશપાલના મગજમાં ખુબ જ ઝડપથી વિચારોનું વંટોળ આવી ગયું અને શમી પણ ગયું. યશપાલ એક કુશળ રાજનેતા હતો પણ સાથે સાથે એનામાં રહેલી માણસાઈ પણ જાગૃત હતી જ. એ પણ સમાજની નિષ્ઠુરતાનો શિકાર બન્યો જ હતો. બસ, ફરક એટલો હતો કે એક ભલા માણસે એની જિંદગીને સંભાળી લીધી હતી. નહીતર એ પણ એક સામાજિક અનિષ્ઠ બનીને જ રહી ગયો હોત. ખુબ જ ઝડપથી એણે આગળનો પ્લાન વિચારી લીધો.
“જો વિષ્ણુ, હું તારા મનની હાલતને ઘણી જ સારી રીતે સમજુ છું. તું એ સંજોગોનો શિકાર થયેલો છો જેમાંથી હું બચી શક્યો, કારણકે સમાજમાંથી ભલાઈનો સંપૂર્ણ નાશ નથી થયો. તારા મનમાં આજે તારા કર્મોનો જે પશ્ચાતાપ થાય છે એ ઘણી જ સારી બાબત છે. પણ હું જિંદગીના નિર્ણયો ખુબ જ પ્રેક્ટીકલી લઉં છું. તે અત્યાર સુધી જે કાઈ કર્યું છે એ બધું જ કોઈના ઈશારાથી કર્યું છે. પણ એનો મતલબ એ નથી કે તું ગુનેગાર નથી, જો કે ખરો ગુનેગાર તો આવા કામ કરાવનાર જ છે. અત્યાર સુધી કોઈ જ ગુનાનો રેકોર્ડ તારા નામે પોલીસના ચોપડે નથી. બાપની હત્યાના દોરીસંચારની જવાબદારી લઈને તું જો તાજનો સાક્ષી થઈશ તો ખરા ગુનેગાર રાહુલ ગાંધીને તો જરૂર એના કુકર્મોની સજા મળશે જ. રાહુલે ફક્ત તારી જ નહિ પણ ઘણા બધાની જીંદગીમાં આગ લગાવી છે. જો તારા દ્વારા એવા નરાધમને શિક્ષા થતી હોય તો એ કરવાથી તને પણ તારા ગુના બદલ માનસિક શાંતિ મળશે. હું પણ પુરા પ્રયત્નો કરીશ, કે જેથી તને ઓછામાં ઓછી સજા થાય. તે અત્યાર સુધીમાં ઘણી સજા ભોગવી જ છે, તેથી હું નથી ઈચ્છતો કે તારે આનાથી વધુ સજા ભોગવવાની જરૂર હોય.” -યશપાલ અવિરત બોલતો જ રહ્યો- “મેં તારા આગળના ભવિષ્ય વિષે પણ વિચારી લીધું છે. તું જેવો છૂટીને આવીશ એટલે તારા માટે તારા જ અનુભવોને લાયક એક ધંધો વિચારી લીધો છે. અને એ છે કોર્પોરેટ કંપનીઓ માટે સીક્યુરિટી મેનેજમેન્ટનો. તારા છૂટીને આવતા પહેલા જ હું બધી વ્યવસ્થા કરી રાખીશ. તારા જેવા નવજુવાનને સાચા રસ્તા પર લાવીને એક સારી જીંદગી જીવતો જોઇશ, તો મને પણ એક ઋણ અદા કર્યાનો સંતોષ મળશે.” આ સાંભળી વિષ્ણુના ચહેરા પર રાહતની લાગણી ઉપસી આવી. યશપાલે આગળની કાર્યવાહી કેવી રીતે કરવી એની વિગતો વિષ્ણુને સમજાવી દીધી અને વિષ્ણુને આત્મસમર્પણ માટે રવાના કર્યો. યશપાલે આમ તો ઘણા ય સારા કામ કર્યા હતા પણ એ બધા હતા સામાજિક પ્રતિષ્ઠા કે રાજકીય પ્રગતિ માટે. આજે કરેલા કાર્ય થકી એને એક ઋણમાંથી મુક્તિ મળી હોય તેવી શાંતિ અનુભવાઈ.
— ( અજય પંચાલ )
વર્ષો બાદ મમતાને જ્યાં ભીનાશ મળી હતી અને પોતાના લોહીના અંશને હૈયે ચાંપવાનો અવસર મળ્યો હતો ત્યારે લોહીનો અંશ પોતે જ સામે પડ્યો હતો. પોતાનું લોહી એ પોતાનું લોહી, હર ઘડી તમારે કામ આવે આ ફક્ત કહેવાની જ કહેવત હશે એમ વ્યોમા વિચારી રહી. કરોડપતિ હોવા છતાં ફાલતુ હોટલમાં વિષ્ણુને વિનવવા જઈ ચઢેલી વ્યોમાને રડતી કકળતી છોડી હાથ પકડીને એક ઝાટકે રુમની બહાર ધકેલી દીધી હતી ત્યારથી વ્યોમાએ નક્કી કરી લીધું હતું કે વિષ્ણુ ભલે મારો અંશ હોય પણ ન તો એના નસીબમાં માનો પ્રેમ છે, અને ન મારા ભાગ્યમાં દીકરાનો દુલાર.
વિષ્ણુને પોતના હાલ-હવાલ પર છોડી દેવાનું વ્યોમાએ લગભગ નક્કી જ કરી લીધું હતું, પણ ઝડપથી બદલાયેલા ઘટનાક્રમે તેના હૈયામાં મમતાનો હીંચોડો ફરી ઝૂલતો કરી દીધો. જનાર્દનનું મોત અને તે બાદ વિષ્ણુને જ મોતની નીંદમાં પોઢાવી દેવાના રાહુલે કરેલા કારસાએ જ્યારે વિષ્ણુને ગૂનાની દુનિયા છોડી તાજનો સાક્ષી બની જવા દોર્યો હતો, ત્યારે હવે એ માનો પ્રેમ સમજી તેની સાથે જોડાઈ જવા પણ તૈયાર થઇ શકે, એવું મનોમન વિચારી વ્યોમા હરખાઇ ઉઠી. અને આમ પણ હવે જયારે રાહુલે જનાર્દનને મરાવ્યો, વિષ્ણુની સોપારી આપી ત્યારે મારું મોત પણ નક્કી જ છે, એમ વ્યોમાએ માની લીધું હતું. અને આવે વખતે જો વિષ્ણુ, દીકરો હોવાના નાતે તેની પડખે ઉભો રહે, તો તેનું કોઈ કઈ બગાડી ન શકે એમ વ્યોમા વિચારી રહી હતી.
કોર્ટમાં વ્યોમાને જોઈ, “આ બાઈને ભલે મેં ગમે તેટલી હડસેલી પણ એને મારી પરવા તો છે જ” એવું વિચારી રહેલો રાહુલ ભોંઠો પડયો, કારણ રાહુલ સામે હોવા છતાં કોર્ટની લોબીમાં ઉભેલી વ્યોમા તેની તરફ કોઈ પ્રતિભાવ આપ્યા વિના અપલક જ કોર્ટ પરિસરના દરવાજા તરફ તાકી રહી હતી. અને પોલીસ બંદોબસ્ત સાથે વિષ્ણુને કોર્ટ પરિસરમાં આવતા જોઈ વ્યોમાની આંખો ચમકી ઉઠી. કોર્ટની લોબીમાં વ્યોમાને લગભગ અવગણી આગળ વધી ગયેલા વિષ્ણુને વ્યોમા દોડતી જઈ વળગી જ પડી. હાઈપ્રોફાઈલ ફેમિલીનો કેસ હોવાના નાતે તમામ પાસા અને પાત્રોથી પરિચિત પોલીસે બન્નેને થોડી મોકળાશ કરી આપી.
“બેટા, હવે તો તું તારી જિંદગી બદલવા તરફ છો. તાજનો સાક્ષી બન્યો છો, તો હવે તારી આ માના પ્રેમનો હકદાર પણ બની જા. બસ હવે તું અને હું એકબીજાની હુંફે આખી જિંદગી રહીશું….” -વ્યોમા બબડતી રહી અને વિષ્ણુ બેધ્યાન પણે લોબીમાં આંટા મારતા માણસોને નીરખી રહ્યો. વિષ્ણુનું બેધ્યાનપણું જોઈ વ્યોમા અકળાઈ ઉઠી અને વિષ્ણુનો કોલર પકડી હચમચાવી નાંખતા જોરથી બોલી ઉઠી-  “તું…સાલો જેલ અને અનાથાશ્રમને જ હકદાર છે, માનું દૂધ પીધું હોય તો મા તરફ લાગણી જન્મે ને, હું જ ઘેલી છું જે તારા તરફ આશ લગાવી બેઠી, લોહીનો તરસ્યો હોય એને લોહીની હુંફ ક્યાં ખબર હોય, પૈસા લઇ બાપને મારી નાખ્યો તો હવે સામે ઉભેલી માને પણ પતાવી દે, પહેલા વાંઝણી હતી, ને હવે ૨૫ વરસનો દીકરો સામે છે, પણ એને મન તો વળી મા કોણ..?” -આક્રોશ સાથે ગરજી રહેલી વ્યોમાનો આખો ચહેરો આંસુઓથી તરબતર હતો અને તે આખેઆખી ધ્રુજી રહી હતી.
૨૫-૨૫ વર્ષોથી લાગણીની ભૂખમાં હોમાતો રહેલો વિષ્ણુ વ્યોમાની આક્રોશ સભર લાગણીમાં તણાઈ ગયો. વ્યોમાનો ચહેરો હાથમાં લઇ આંસુઓ લૂછ્યા, વ્યોમા હરખાઇ ઉઠી, પણ પછી કંઇક યાદ આવતાં તે ચહેરો ફેરવી ગયો. વ્યોમાનો હાથ છોડાવી ચાલી નીકળતા પહેલા વિષ્ણુએ કહેલા શબ્દોએ વ્યોમાની રહી સહી આશા પર પણ પાણી ફેરવી દીધું-  “બાપને મારનારા દીકરા સાથે મા, તું રહી નહિ શકે. અને કદાચ રહે તો પણ દીકરાને તરછોડી દેનાર મા સાથે હું નહિ રહી શકું, મને ભૂલી જજે..!”
લોબીમાં આવેલા બાંકડા પર વ્યોમા ફસડાઈ પડી અને હજુ સવારે જ અખબારની પૂર્તિમાં વાંચેલી કવિતાના શબ્દો આંખો સામે તરવરી ઉઠતા આંસુઓ ફરી ધસી આવ્યા,
“વ્હાલપની અધુરપ શું જાણી શકે, એ ?
છતી માએ અનાથ કહેવાયો હોય, જે.”
— ( રીઝવાન ઘાંચી )
માથે વધેલા ઝંટિયા અને વધેલી દાઢીમાં દોડતી સફેદ લટોની પાછળ તગતગતી બે નિસ્તેજ આંખો અને કરચલી વળી ગયેલી ચામડી વાળા ચહેરે રાહુલ કંઈક નિરાશ વદને બેડીઓ વાળા હાથ ખોળામાં નાખીને બેઠો હતો.. એની ઉંમર જાણે દસ-પંદર દિવસમાં જ ૪૬ માંથી ૬૪ થઈ ગઈ હોય એવુ એ મહેસૂસ કરી રહ્યો હતો… એણે વિચાર્યુ- “પાછલા બે અઠવાડિયામાં ઘણી બધી ઘટનાઓ બની ગઈ. ખબર નહી પેલો વિષ્ણુનો બચ્ચો કેવી રીતે એનુ મન બદલી બેઠો? અને બીજે ક્યાંય નહી, ને સીધો યશપાલને ખોળે જઈને બેઠો? નાના-મોટા ઈન્સ્પેક્ટર કે એસીપી પણ હોત, તો એને ખરીદી લેત. પણ, આ તો સીધો યશપાલને જ જઈને ભટકાઈ ગયો. કોઈનુ કશુ ચાલે એ પહેલા, અને વિષ્ણુનુ નિવેદન પતે એ પહેલા જ પોલિસ મારે આંગણે; અને કેસ પણ કેટલી ઝડપથી બનાવી લીધો પોલિસે..? એક અઠવાડિયામાં તો આ લોકોએ કેસને બૉર્ડ પર પણ લાવી દીધો. આ સિન્હા ગમે તેટલી શેખી મારે પણ એનાથીએ ય તે શેક્યો પાપડ ના ભંગાયો અને પોલિસે જડબેસલાક કેસ બનાવી નાખ્યો..!”
રાહુલને પણ એના વકીલ સિંહા પર દારો-મદાર રાખ્યા વગર છૂટકો ન હતો. પણ, એને ત્યારે એમ કેમ લાગી રહ્યુ હતુ કે સિંહા પણ એના પૈસા ખાઈને એની વિરૂધ્ધ થઈ જશે.!.કેટલો જડબેસલાક પ્લાન હતો પોતાનો, કે વિષ્ણુ જનાર્દનને મારી નાખે કે તરત જ વિષ્ણુને એક્સપોઝ કરી, એને પોલિસને હવાલે જ નહી કરાવવાનો, પણ એન્કાઉન્ટરમાં ઉડાવી જ દેવડાવવાનો પ્લાન હતો. કોણ જાણે કઈ કાળ ઘડીએ અને કોના કહેવાથી વિષ્ણુએ પોતાનુ મન બદલ્યુ..! જનાર્દનનો ખાત્મો પણ ૨૪ કલાક પહેલા કરી આવ્યો અને પછી જઈને યશપાલના પડખામાં ભરાઈ ગયો..!
રાહુલ વિચારતો રહ્યો- “કોણ જાણે..આ યશપાલનો પ્લાન તો નહી હોય ને? ખબર નહી શુ થવા બેઠુ છે.  ખાલી ડ્રગ્સનુ લફરુ હોત, તો છૂટી ય જવાત પણ આ લોકોએ તો મારે માથે ખૂનની સાજીશનો ગુન્હો લગાવ્યો છે..! ક્યાં જઈને અટકશે?” -એણે માથુ ફેરવીને સિન્હા સામે નજર કરી તો સિન્હાએ આંખોથી આશ્વાસન આપતો હોય તેમ પાંપણો ફફડાવીને ડોકુ હલાવીને ચિંતા નહી કરવા કહ્યુ. પણ રાહુલની તો છાતીમાં બળતરા ઉપડી હતી કે એ હવે કેવી રીતે આમાંથી બહાર નીકળશે અને બહાર નીકળશે તો પણ એનુ ભવિષ્ય શુ?
ત્યાંજ કૉર્ટના પહેરેદારે છડી પોકારી અને બધાને ઉભા થવા કહ્યુ; જજ સાહેબ આવી રહ્યા હતા. જડની માફક એ પણ બીજા બધાની સાથે ઉભો થયો અને બધાની સાથે જ બેસી પણ ગયો. સરકારે આ ખાસ કૉર્ટ માત્ર “જનાર્દ-મર્ડર” કેસ માટે બનાવી હતી. ભલે જનાર્દન વાઘેલા ગમેતેમ તો ય સિટીંગ એમ.એલ.એ અને વિરોધ પક્ષના નેતા પણ હતા. સરકારની પોતાની શાખ પણ દાવ પર લાગેલી હતી. જો કે આરોપી જાતે જ સમર્પણ કરીને તાજનો સાક્ષી પણ બની જવાથી પોલિસ-સરકારનુ કામ ઘણુ આસાન થઈ ગયુ હતુ. હાઈ પ્રોફાઈલ મર્ડર કેસ, અને વિરોધપક્ષના નેતાની જૂની ગર્લફ્રેન્ડ અને તેમના નાજાયઝ પુત્રની વાત પણ બહાર આવી ગઈ હતી, અને પુત્રને હાથે જ પિતાના ખુનનો કિસ્સો અને ‘કેક પર ચૅરી’ સમાન આ બધુ કાવતરુ ઘડનાર વલ્લભ એન્ટરપ્રાઈઝના સર્વેસર્વા એવા રાહુલ ગાંધીનુ નામ એમાં સંડોવાયુ હતુ. મિડિયાને આનાથી વધારે મસાલો પાછલા કેટલાય વર્ષોમાં નહોતો મળ્યો. એટલે કેટલીક ચૅનલો તો ૨૪ કલાક માત્ર આ જ સમાચાર બતાવતી હતી.
જજે ફાઈલ હાથમાં લઈને સરકારી વકીલ સમક્ષ નજર કરી. પછી બચાવ પક્ષના વકીલ સિન્હા સામે જોયુ અને નજરથી જ પૂછી લીધુ કે, તૈયાર છો ને? અને કૉર્ટની કાર્યવાહી આગળ ચલાવવાનો ઈશારો કર્યો.
તરત જ સરકારી વકીલ રાઠોડે પોતાની જગ્યાએથી ઉભા થઈને જજ સાહેબને આરોપીની તપાસ માટે બોલાવવાની વિનંતિ કરી. અંધારી આલમમાં “બ્લ્યુ આઈઝ”થી પ્રખ્યાત વિષ્ણુ આજે કંઈક વધારે જ નમ્ર, ઠાવકો અને આશ્ચર્યજનક રીતે આત્મવિશ્વાસથી ભરપૂર લાગતો હતો. આરોપીના પાંજરામાં આવીને ટટ્ટાર ડોક કરીને એણે વકીલ રાઠોડ સામે નજર કરી. પ્રારંભિક ઓળખાણ વગેરેના સામાન્ય સવાલો પૂછીને વકીલ સાહેબ સીધા જ મુદ્દા પર આવી ગયા-
“તો વિષ્ણુ, તમે જણાવશો કે તમે આ સામે બેઠેલા વ્યક્તિને ઓળખો છો?”
“હા” ડોકુ હલાવતા વિષ્ણુ કહ્યું.
“કોણ છે?”
“મિ. રાહુલ ગાંધી; વલ્લભ એન્ટરપ્રાઈઝના ચૅરમેન – રાહુલ અંબાલાલ ગાંધી”
“તમે કેવી રીતે ઓળખો છો?”
“રાહુલભાઈ મને શહેરથી દૂર એમની ખાસ જગ્યા ‘કુરેશીના ઢાબા’ પર મળવા બોલાવતા”
“શાને માટે..?”
“તેમના માટે હું કામ કરતો એના માટે”
“કેવા પ્રકારનુ કામ?”
“સારા કામ તો ના જ હોય ને, વકીલસાહેબ? એમના ગેરકાયદેસરના કામો બધા હુ કરી આપતો, એમના ધંધાના વિકાસ માટે થઈને લોકોને ધમકાવવા-ડરાવવાથી માંડી ને કોઈના હાથ-પગ ભાંગવાના હોય એવા બધા જ કામો રાહુલ ભાઈ મને જ સોંપતા”
“પાછલા વર્ષોમાં એવા કેટલા કામ તમે કર્યા હશે?”
“સાહેબ, અમે બે-નંબરના કામ કરીએ છીએ, અને એના માટેના પૈસા લઈને એને ભૂલી જઈએ છીએ. અમારી પાસે એવા કોઈ હિસાબ ના હોય”
“તો પણ આશરે?”
તમારી પાસે છે હિસાબ..? નહિ ને ? અરે સાહેબ, મેં આત્મ સમર્પણ કર્યું છે, એ જ મુદ્દાની વાત કરીએ ને..! રાહુલભાઈ એ મને મર્ડરની વર્ધી આપી હતી”
“કોના મર્ડર? અને ક્યારે આ વાત બની હતી?”
“રાહુલભાઈએ વર્ધી હજુ ત્રણેક અઠવાડિયા પહેલા એ જ કુરેશીને ઢાબે બોલાવીને આપી હતી. મને એક ફોટો અને પચાસ લાખ ભરેલી બેગ આપી હતી. બેગનુ વજન જોઈને જ મને લાગ્યુ હતુ કે આમાં કંઈક ગરબડ છે. ફોટો જોયો તો હું પણ હબક ખાઈ ગયો હતો. પણ, સોપારી લીધા પછી ‘બ્લ્યુ આઈઝ’ ક્યારેય ના નથી પાડતો.”
“કોની સોપારી તમને રાહુલ ગાંધીએ આપી હતી?”
“વિરોધપક્ષના નેતા જનાર્દન વાઘેલાની”
કૉર્ટરૂમમાં સન્નાટો થઈ ગયો. અને રાહુલને કાપો તો લોહીના નીકળે એવી પરિસ્થિતિ થઈ ગઈ. સાવ જડ જેવો રાહુલ ખુલ્લી ફગફગતી આંખે મટકુ પણ માર્યા વગર કૉર્ટરૂમની નવી જ બનાવેલી સિરામિક ટાઈલ્સની ચળકતી ફર્શને તાકી રહ્યો. આગળના શબ્દો પણ એના બહેરા કાને અથડાઈને જાણે પાછા ફરી જતા. એને ખબર હતી કે વિષ્ણુની આટલી સ્પષ્ટ જુબાની એને ઓછામાં ઓછા દશ વર્ષ માટે અંદર કરી દેશે, અને એ ઉપરાંત પેલો ડ્રગ્સનો કેસ..! જો આ કેસ સાબિત થાય તો ડ્રગ્સના કેસમાં પણ એની ફરતે જોરદાર ગાળિયો ભરાઈ જાય, બીજા પાંચ વર્ષ એમાં જાય. એની જીંદગી તો બસ ખલાસ..! હવે એણે શુ બાકીની જીંદગી જેલમાં જ કાઢવાની છે?  વિચારોના વમળમાં ક્યારે કોર્ટની કાર્યવાહી પતી ગઈ અને ક્યારે એને પોલિસ વાનમાં બેસાડીને ફરી લૉક-અપમાં લઈ જવાયો, એને કંઈ ખબર જ ન હતી. એ જાણે હવે જીવતો-જાગતો વ્યક્તિ જ નહોતો રહ્યો, કૉર્ટ તો સજા કરે ત્યારે કરે, પણ એ તો મનોમન એટલો ભાંગી પડ્યો હતો કે એમ ને એમ પોતાની જાતે જ સજા ભોગવી રહ્યો હતો.
— ( વત્સલ ઠક્કર )
કોર્ટની કાર્યવાહી વિષે અખબારોમાં છપાયેલા સમાચારનો અભ્યાસ કરી રહેલી સપના જાણી ચુકી હતી કે હવે રાહુલ ક્યારેય બિઝનેશની બાગડોર હાથમાં નહિ લઇ શકે. ઓફિસમાં ટેબલ પર અખબારોનો પથારો કરી સપના બેઠી હતી ત્યારે સ્પર્શ અને સંવેદનાએ પ્રવેશ કર્યો. સપનાના સૂચનને ધ્યાને લઇ તૈયાર કરેલો અહેવાલ સ્પર્શે સપના સમક્ષ ધર્યોને સપનાએ તરત જ હાથમાં લઇ એક નજર ફેરવી લીધી. બિઝનેશના ખુબ ટૂંકા અનુભવે પણ એણે બાંધેલી ધારણાઓ સાચી પડતી જોઈ સપના આનંદિત થઇ ઉઠી.
દેશના લગભગ તમામ રાજ્યોની મેન્યુંફેક્ચરીંગ, મીડિયા, HRD જેવા વિવિધ ક્ષેત્રોની ૩૦ જેટલી નાની-નાની કંપનીઓ રાહુલના બિઝનેશ પ્લાનના કાવાદાવાનો ભોગ બની બંધ થવાના આરે ઉભી હતી. ઉદ્યોગ જગતમાં ક્યારેય અમલમાં ન મુકાય હોય એવી સ્ટ્રેટેજી અમલમાં મુકતા સપના રોમાંચ અનુભવી રહી.
“આપની કંપની ઉદ્યોગ જગતમાં નાનું પણ મહત્વનું સ્થાન ધરાવે છે અને શેઠ કંપની એ બદલ આપનું અભિવાદન કરે છે. કેટલીક કંપનીઓની ટેકઓવર માટેની ખોટી પદ્ધતિઓને કારણે આપની કંપની હાલ વહીવટી અને નાણાકીય રીતે ખુબ ભીંસ અનુભવી રહી છે ત્યારે આપનું સ્થાન ઉદ્યોગ જગતમાં સુનિશ્ચિત બની રહે તે માટે શેઠ કંપની સાથે કાર્ય ભાગીદારીમાં જોડાવા આપને હાર્દિક આમંત્રણ છે. આપને એ વાતની ખાતરી આપવામાં આવે છે કે આપની કંપનીની ઓળખાણ સંપુર્ણ પણે બની રહેશે અને વહીવટી બાબતો પર આપનો અંકુશ અબાધિત રહેશે. આપની પાસેના સંસાધનો અને આપની એક્ષ્પર્તાઈઝના સહયોગે શેઠ કંપની સાથે જોડાશો તો બન્ને કંપનીનો સહિયારો વિકાસ થશે એવો વિશ્વાસ છે.”
સપનાએ રાહુલની સ્ટ્રેટેજીનો ભોગ બનેલી કંપનીઓને પોતાની સાથે જોડાઈ જવા કંઇક આ રીતે પત્ર સ્વરૂપે ઈ-મેઈલ કરવા સપનાએ આપેલ સૂચનને વધાવતા સ્પર્શ પંક્તિ ગણગણી ઉઠ્યો,
“મૈ તો અકેલા ચલા થા, જાનિબે મંઝિલ મગર…
લોગ સાથ આતે ગયે, ઔર કારવાં બન ગયા”
સ્પર્શે ખરા સમયે કહેલી શાયરીથી સપનાના મુખ પર આવી ગયેલું સ્મિત કંપનીઓના જેમ જેમ જવાબ આવતા ગયા એમ વધુ ખીલી ઉઠ્યું. કોઈ પણ કાવાદાવા, ટેક ઓવર, એક્વિઝીશન, મર્જર વગર શેઠ કંપનીની છત્રી નીચે વિવિધ ક્ષેત્રોની ૩૦ કંપનીઓને ભેગી કરી સપનાએ ઉદ્યોગ જગતમાં હલચલ મચાવી દીધી. ખુબ ઓછા સમયમાં બિઝનેશની આંટીઘૂંટીનો અભ્યાસ કરી શેઠ એન્ડ કંપનીને મોટા બિઝનેશ હાઉસ સક્ષમ ઉભી કરનાર સપના કોલેજ કાળમાં મનોમન પ્રોફેસર જાદવને વંદી રહી, કેમ કે એણે પ્રોફેસર જાદવ દ્વારા વર્ગમાં કેટલીય વખત કહેવામાં આવેલ પંક્તિ
“કૌન કહેતા હે આસમાન મૈં સુરાગ નહીં હોતા,;
એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો..”
સાચી પાડી હતી.
— ( રીઝવાન ઘાંચી )
વ્યોમાનું સ્ત્રી હદય વલોવાતું હતું. આમતો એણે આખી જીંદગી સ્વચ્છંદી અને મનસ્વી સ્ત્રીની જેમ જ જીંદગી જીવી હતી. પુરુષોના સહવાસની એને આદત પડી ગઈ હતી. એની આધુનિક જીવન પદ્ધતિમાં લાગણી કે પ્રેમને ઝાઝું સ્થાન નહોતું. યુવાનીમાં પગ મુક્યો ત્યારથી લખલૂટ પૈસા વેડફીને મોજશોખભર્યું વૈભવી જીવન જીવવું એ જ એના જીવનનું લક્ષ્ય રહ્યું હતું. કોલેજકાળમાં અસંખ્ય લફરાં કરીને છેવટે રાહુલ સાથે એ પરણી હતી પણ એમાં ય એનું મન સ્થિર તો ન્હોતું જ. મોંઘીદાટ કારો ફેરવવી, અદ્યતન ફેશનના કપડા પહેરવા, પાર્ટી, શરાબ, ખાણી-પીણી, શારીરિક ભોગવટો, આ બધી પ્રવૃત્તિઓ અમુક ઉંમર સુધી ગમતી રહે છે. અમુક ઉમર પછી વ્યક્તિને કુટુંબની જરૂર લાગે છે. જીવનસાથીના સહેવાસની અને સંતાનના સુખની જરૂર લાગે છે. સંતાનની નાની નાની સમસ્યાઓ ને ઉકેલવામાં, જીવનસાથી સાથે મીઠી રકઝક કરવામાં જે આનંદ મળે છે તે ભૌતિક સાધનોમાંથી નથી મળતો. વ્યોમાની હાલત એવી જ હતી. આખી જીંદગી એ એમ જ માનતી રહી કે યુવાનીની એક ભૂલના બદલામાં એણે માતૃત્વ ખોયું હતું. “વાંઝણી” શબ્દનું મહેણું એને જીવનભર સતાવ્યા કર્યું હતું. ઉમરના આ પડાવે આવીને એને વિષ્ણુના અસ્તિત્વની જાણ થઇ. એનું માતૃત્વ ફરી જાગી ઉઠ્યું. હદયના ધરબાયેલા અરમાનોને એક આશા મળી. પણ હાય રે નશીબ ! વિષ્ણુએ એની માતાને તરછોડી હતી. એના હદયમાં અનાથ અવસ્થા દરમ્યાન એટલા ઉઝરડા પડ્યા હતા જે માતાની મજબૂરી સમજવા તૈયાર નહોતા. માતાની કાકલુદી એના હદયને પીગળાવી ના શકી.
વિશાળ ડ્રોઈંગરૂમની દીવાલ પર શેઠ સાંકળચંદની તસ્વીર સામે ઉભેલી વ્યોમાનું મન ઉદાસ હતું અને ચહેરો આંસુઓથી ખરડાયેલો હતો. એક જ રાતમાં એની આંખોની આસપાસ કાળા કુંડાળા ઉપસી આવ્યા હતા. ચહેરા પણ કોઈ મેકઅપ નહોતો કે નહોતું વેરવિખેર વાળનું કોઈ જ ભાન. એની લાગણીઓ મુરઝાઈ ગઈ હતી. મનમાં એક એવી હતાશા ઉભી થઇ હતી કે એને પોતાની જીંદગી પરથી મોહ ઊતરી ગયો હતો. સંતાનવિહોણી જીંદગી એને ભેંકાર લાગવા માંડી. સાંકળચંદ શેઠેતો ધંધાકીય નિવૃત્તિ પછી પોંડીચેરીના અરવિંદ આશ્રમમાં જ કાયમી વસવાટ કર્યો હતો. પિતાજીની તસ્વીરે હતાશ વ્યોમાને હવે પછીની જીંદગી કઈ રીતે જીવવી એનો રસ્તો સુઝાડ્યો. મનોમન જ એણે નિર્ણયો લીધાં. હવે એ થોડી સ્વસ્થ થઇ. બાથરૂમમાં જઈને ચહેરો સાફ કર્યો. બહાર આવીને એણે પહેલા સોલીસીટર દસ્તુર અંકલને તાબડતોડ મળવા આવી જવા માટે ફોન કર્યો. પછી એણે કંઈક વિચારીને એની એક્સમયની સખી સંવેદનાને ફોન કર્યો. સંવેદનાએ ફોન પર તત્કાલીન મળવા આવવા માટેની એની આજીજીનું કારણ પૂછ્યું. પણ વ્યોમાએ તરત જ આવી જવા કહ્યું.
દસ્તુર અંકલ અને સંવેદનાની કાર એક જ સમયે વ્યોમાના બંગલામાં દાખલ થઇ. બંને એકસાથે ડ્રોઈંગરૂમમાં દાખલ થયા.
“અરે, વ્યોમા ડીકરી, હવારમાં મુને કેમ દોડાઈવો? એવું તો હું તાકીદનું કામ નીકરી આય્વું, અચાનક?” દસ્તુર અંકલની પારસી જબાન એકધારી ચાલતી જ રહેત. પણ ખામોશ બેઠેલી નિરાશ અને હતાશ વ્યોમાની હાલત જોઇને સંવેદનાને કંઈક ખરાબ બન્યાનો અંદેશો આવી ગયો. એણે ઇશારાથી જ દસ્તુર અંકલને અટકાવ્યા અને વ્યોમા તરફ પૃચ્છાભરી નજરે જોયું.
“દસ્તુર અંકલ અને સંવેદના, મેં તમને એક ખુબ જ મહત્વની વાત કહેવા અને એક જવાબદારીની સોંપણી કરવા બોલાવ્યા છે. તમારા બંને પર મારો કંઈક હક તો છે જ એ ભાવે હું તમને આ કહી રહી છું.” વ્યોમા મક્કમ રીતે બોલતી હતી. એના અવાજમાં એક નિર્ણાયકતા હતી. “મેં મારી જિંદગીનો એક અતિ મહત્વનો નિર્ણય લીધો છે. હું મારી બધીજ સ્થાવર-જંગમ મિલકત, બધા જ ધંધાની માલિકી, બેંક એકાઉન્ટ, શેર્સ, આ બધું જ મારા પુત્રના નામે કરવા માંગું છું. જ્યાં સુધી મારો પુત્ર આ બધી જવાબદારી માથે ના લે ત્યાં સુધી આ બધી જ વહીવટી અને કાનૂની જવાબદારી તમારા બંને એ સંભાળવાની છે. ધંધાકીય અને વહીવટી બાબતો સંવેદના તારે સંભાળવાની છે અને કાનૂની જવાબદારીનું વાહન દસ્તુર અંકલ તમારે કરવાનું છે”
“પણ દીકરા, તું……? દસ્તુર અંકલના પ્રશ્નને વચ્ચેથી જ કાપતાં, વ્યોમા બોલી. “અંકલ, મને આટલા વરસો પછી મારા પુત્રની ભાળ મળી પણ હું પુત્રને પામી નથી શકી. હવે મને આ જીંદગીથી ભાગી છૂટવું છે. હું પણ પિતાજી સાથે જ પોંડીચેરીના આશ્રમમાં મારું શેષ જીવન વિતાવીને માનસીક શાંતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ.” વ્યોમા મક્કમપણે બોલતી જ રહી. એનો ઈરાદો અફર હતો. એણે પુત્રની બધી જ વિગતો જણાવી. સંવેદનાની સમજાવટ, દસ્તુર અંકલની આજીજી વ્યોમની નિર્ણાયકતા સામે જીતી ના જ શક્યા. દસ્તુર અંકલે તાબડતોડ ફોન કરીને ઓફીસ સ્ટાફના માણસો પાસે જરૂરી કાનૂની પેપર્સ ત્યાર કરાવ્યાં. સ્પર્શ-સંવેદના, દસ્તુર અંકલ, વ્યોમાની જરૂરી પેપર્સ પર સહીઓ લેવાઈ. આ બધી કાર્યવાહી દરમ્યાન પણ સંવેદનાએ વ્યોમાને સમજાવવાના અખૂટ પણ નાકામિયાબ પ્રયત્નો કર્યા. પણ વ્યોમા કઠણ અને મજબુત કાળજે એના નિર્ણયમાં અફર રહી. બધાને માલમિલકત અને ધંધાની બાગડોર સોંપી માનસિક શાંતિ મેળવવાના આશયે ભારે હૃદયે પોંડીચેરીના આશ્રમની વાટ પકડી.
— ( અજય પંચાલ )
“પપ્પા, જૂઓ, મમ્મીનો ફોટો આજના પેપરમાં આવ્યો છે” કહેતી સ્નેહા ધસમસતી બહાર હરિયાળી લોનમાં બેઠેલા સંયોગ પાસે પહોંચી ગઈ. બાળકોને મન માતા હોય કે પિતા હોય, સિદ્ધિ એટલે સિદ્ધિ જ હોય છે…. થોડા સમય પહેલાનો સંયોગ હોત તો વાત જૂદી હતી …કૈંક ધ્રુજતા હાથે સંયોગે છાપું હાથમાં લીધું… ઘણા દિવસોથી દોડધામ અને સતત વ્યસ્તતા છતાં સપના ક્યારેય સંયોગને કોઈ વાતથી અજાણ નહોતી રાખતી. પણ આંખો પર છવાયેલા પસ્તાવાના આંસુની આરપાર એને પોતાની સપનાની સિદ્ધિ વાંચી લેવી હતી. એ મથામણમાં હતો અને “હું વાંચું ..હું વાંચું” કહેતી સ્નેહાએ છાપુ પાછુ પોતાના હાથમાં લઇ મોટેથી વાંચવા માંડ્યું.
એના એક એક શબ્દથી સંયોગના મન પર એણે સપના સાથે કરેલા અન્યાયોના સોળ ઉઠી આવતા હતા. MBA થયેલી સપનાને પોતાના અહંના કારણે સાવ ઘરમાં બેસાડી રાખવાનો ગુન્હો…એના સપના ચકનાચૂર કરવાનો ગુન્હો…એને સાવ સામાન્ય સ્ત્રી સમજવાનો ગુન્હો … ઘર બચાવવાના સપનાના પ્રયત્નોને નકારવાનો ગુન્હો ..વ્યોમા તરફ આકર્ષાઈ એક નિષ્ઠાવાન પત્ની તરફ અન્યાય કર્યાનો ગુન્હો ..અનંત જેવા નિર્મળ માણસ સાથે સપનાને જોડી દેવાનો ગુન્હો …. એક પછી એક ચિત્ર સંયોગની આંખોમાંથી આંસુ સાથે સરી રહ્યું હતું.
સપના..સતત એની પડખે ઉભા રહેવા ઈચ્છતી સપના…એને વીનવતી સપના..એને ગમે તેવા કપડા પહેરતી સપના… એની અવહેલના વ્યોમા સાથેના સંબંધની જાહેરાત પછી પણ સામાન્ય વર્તવા પ્રયત્ન કરતી સપના… સ્નેહાને માધ્યમ બનાવી નજીક આવવા મથ્યા કરતી સપના …એના અકસ્માત પછી સતત એનું બળ બની બેઠેલી સપના… રાખમાંથી ઉભી થઇ આખા બીઝનેસને સંભાળતી સપના … અડધી રાતે ઝબકીને સંયોગને સાચવતી સપના… ઓહ ..એક પતિ તરીકે બે ઘરેણા અને થોડા સારા કપડા આપી દેવા કે અંધારી રાતમાં થોડોક કહેવાતો પ્રેમ કરી લેવો …બસ આ જ હતી મારી ફરજ..? અકસ્માત પછી સતત અનુભવેલી પોતે દોષી હોવાની લાગણી આજે બળવતર થઇ આવી ..જાણે ખુબ ઊંડે રહેલી કોઈ લાગણી સપાટી પર તરી આવી. સ્ત્રીની શક્તિને સમજવાનો પ્રયત્ન ન કરીને સ્ત્રીને ફક્ત ઘરરખ્ખું ગૃહિણી બનાવીને મર્યાદિત કરી દેવી એ મોટી ભૂલ હતી. સ્ત્રીની શક્તિ અમાપ છે. અખૂટ સહનશક્તિની સાથે સાથે સ્ત્રીમાં રહેલી અન્ય કુશળતાને નજરઅંદાજ કરીને પુરુષના અહંને પંપાળવાની જીદમાં એણે સપનાને ઘોર અન્યાય કર્યો હતો એનું ભાન થયું. યોગ્ય તક મળે તો સ્ત્રી પુરુષસમોવડી જ નહિ, પણ એથી પણ ઉંચી કક્ષાએ પોતાની જાતને લાવી શકે છે. સપનાએ વિના કહે આ હકીકતનું પ્રમાણ આપ્યું હતું.
  બરાબર એ જ વખતે સ્નેહાએ છાપું એના હાથમાં પકડાવી દીધું અને ત્યાં આવી ચડેલા એક રંગબેરંગી પતંગીયા પાછળ એ દોડી ગઈ… હાથમાં પકડેલા છાપામાં છપાયેલ સપનાની તસ્વીર પર ત્રાટક કરતો એ આસક્ત નજરે જોઈ રહ્યો ..જાણે સપ્તપદીના વચનો પોતાની જાતને યાદ અપાવી રહ્યો હતો…
રસોડામાંથી બહાર આવતા કાંતાબેનના હાથમાંથી ઓટ્સ અને ફ્રુટ્સનો નાસ્તોભરી ટ્રે લઇ સપના બગીચા તરફ આગળ વધી..
ભીના ભીના વાળમાંથી ટપકતું પાણી અને ગાઢી ..શાંત ઊંઘ પછી ખીલી ઉઠેલો સપનાનો આત્મવિશ્વાસભર્યો ચહેરો..છાપામાંથી આંખ ઉઠાવી સંયોગ એની સામે એકટક જોઈ જ રહ્યો.
— ( નીવારોઝીન  રાજકુમાર )