Thursday, April 2, 2015

કથા કડી - ૨૧ [વત્સલ ઠક્કર]

ઘર પ્રવેશતા જ ડ્રૉઈંગરૂમમાં સુખડનો હાર પહેરાવેલો આદમ કદનો અનિકેતનો ફોટો નજરે પડ્યો અને તેનાથી ત્યાં જ બેસી પડાયુ…બસ એના ફોટા સામે એકટક જોયા જ કર્યુ; આંખો વહેતી જ રહી અને સાથે સાથે ભુતકાળ પણ વહેતો જ રહ્યો.
પંચમહાલના એ નાનકડા ટાઉનમાંથી અહીં સુધીની સફર…. દારુણ ગરીબીમાં જીવતા મા-બાપ અને એ બે ભાઈઓ. મા-બાપ તદ્દન અભણ હોવા છતાંય ભણતરના મહત્વને સમજી બંને દિકરાને સરકારી સ્કુલે ભણવા મુક્યા હતા. પેટે પાટા બાંધી-મજૂરી કરીને પણ બંનેને ભણાવતા; મોટો ભણવામાં હોંશિયાર અને વાંચનનો શોખીન તે લાયબ્રેરીમાં જ પડ્યો રહેતો; નાનો ભારે ખેપાની અને હોંશિયાર પણ ભણવામાં મન લાગે નહી, રોજની કંઈને કંઈ ફરિયાદો એની આવ્યા કરતી. મોટા કાળુને આ બધુ ગમતુ નહી પણ નાના ભીખા તરફના પ્રેમને લીધે અને પોતાના મા-બાપને વધારે તકલીફમાં ના મૂકાવુ પડે એટલે એ નાનાની આગળ બધે જ ઢાલ બનીને ઉભો રહેતો, એના દરેક તોફાનોને એ છાવરવા પ્રયત્ન કરતો; સાથે સાથે એને સમજાવતો પણ ખરો .
પંદરે પહોંચતા-પહોંચતા કાળુ ભણવામાં સારુ નામ કાઢી ચૂક્યો હતો, અને બાપાને એના પર ખૂબ ગર્વ થતો જ્યારે એ ચોપડામાં માથુ ઘાલીને લખવા મંડ્યો હોય કે માસ્તર આગળ ગોટપીટ ગોટપીટ અંગ્રેજી બોલતો હોય. પણ, બાપુને સૌથી વધારે સારુ તો ત્યારે લાગતુ કે કાળુને ગામમાં બધા જ કોઈપણ પ્રસંગે ભજન ગાવા માટે ખાસ આમંત્રણ મોકલે.. એ બધાનો માનીતો. નવરાત્રીના ગરબા પણ કાળુના ચમત્કારિક ગળા વગર અધુરા રહે.
એ કદાચ ચોથું  નોરતુ હશે, ગામની ગરબીમાં ગરબા ગવડાવી કાળુ અને ભીખો બંને ભાઈ ઘર તરફ જઈ રહ્યા છે; થોડે આગળ એમના મા-બાપ પણ ચાલતા હતા.. બાપનો હરખ તો આજે મા’તો નહોતો. મોટા શહેરથી આવેલા રાવલ સાહેબે કાળુને ખાસ પાસે બેસાડીને ગવડાવ્યુ હતુ; ફરી-ફરીને ગવડાવ્યુ હતુ, અને સારુ એવુ ઈનામ પણ આપ્યુ હતુ. પણ દિકરો તો જૂઓ; ઈનામ લેવાની ધરાર ના પાડી કે’ “માતાજીના કામમાં પૈસા ના લેવાય….” અચાનક કાળુ-ભીખુને કાને એક કારમી ચીસ સંભળાઈ, આગળ ચાલતા બાપુ અચાનક ફસડાઈ પડ્યા અને ડાબો પગ પકડીને બેસી પડ્યા. અંધારામાં પણ કાળુ એ કાળોતરા સાપને ઓળખી ગયો… ડૉક્ટરે ઘણુ કર્યુ પણ કાળુ-ભીખાનો બાપ ૨૪ કલાકથી વધારે ના કાઢી શક્યો. પછીની જીંદગી બંને માટે ખૂબ મુશ્કેલી ભરી થઈ ગઈ, બાપુના વિરહમાં અને બમણી મજૂરી કરવામાં માનુ શરીર પણ કંતાઈ ગયુ અને એણે પણ છ જ મહિનામાં અનંતની વાટ પકડી લીધી. પંદર-સોળ વર્ષની કાચી ઉંમરમાં બંને ભાઈ સાવ અનાથ થઈ ગયા. પણ, એ દરમ્યાન એક અનોખી ઘટના ઘટી ગઈ. નોરતાની એ રાત્રે રાવલ સાહેબ જે કાળુના ગળાનો આહ્લાદ માણીને ગયા હતા એ તેને શોધતા-શોધતા ગામમાં આવેલા અને પટેલ પાસેથી જ્યારે એની આખી કથની સાંભળી એટલે એ બંનેને પોતાની સાથે શહેર લઈ જવા તૈયાર થઈ ગયા. કાળુ-ભીખુની જીંદગી કંઈક નવી જ દિશાની રાહ જોઈને બેઠી હતી….
રાવલ સાહેબ તો અપરિણિત હતા, એમને સંતાન તો ક્યાંથી હોય? બંને બાળકોને દત્તક લેવાની લાંબી પ્રક્રિયા પૂરી કરીને બંનેને પોતાનુ નામ આપ્યુ. હવે કાળુ-ભીખુ; એમની નવી સ્કુલમાં અને બહાર સમાજમાં પણ અનંત અને અનિકેત રાવલને નામે ઓળખાતા હતા. સ્કૂલમાં અનિકેતનુ તો પહેલા જેવું  જ વલણ રહ્યુ; પણ અનંતે કૉલેજ સુધીનો અભ્યાસ પુરો કર્યો. અને ગાવાના શોખને આગળ વધારતા આ લાગણીશીલ છોકરાએ ગઝલ ગાયકીની દુનિયામાં મોટુ નામ કાઢ્યુ. રાવલ સાહેબે એને એક સરસ મજાનો રેકોર્ડિંગ સ્ટુડિયો પણ કરી આપ્યો હતો.
રાવલ સાહેબ અલગારી જીવ હતા, એમને કોઈ ઝાઝા મિત્રો પણ નહી, જે કોઈ મિત્રો હતા એ એમના પુસ્તકો જ.. હા, એક સક્સેના હતા જે એમના બાળપણનાં  ગોઠીયા. દર અઠવાડીયે બંને મિત્રોની શતરંજની મહેફિલ ચોક્કસ જ હોય. કોઈ શનિવારે રાવલને ઘરે તો ક્યારેક સક્સેનાને ત્યાં, પણ બંનેને શતરંજ વગર ના ચાલે. સક્સેનાનો કન્સ્ટ્રક્શનનો ધીકતો ધંધો અને સુખી સંસાર પણ એક જ ખોટ – શેર માટીની. જો કે એને ત્યાં રહીને એક અનાથ છોકરો યશપાલ મોટો થઈ રહ્યો હતો. જ્યારે એણે જોયુ કે રાવલે અપરિણિત હોવા છતાં અનંત-અનિકેતને દત્તક લઈને પોતાનુ નામ આપ્યુ તો એને યશપાલ માટે આવુ કરતા કોણ રોકી શકે છે?? રાવલ સાહેબની પ્રેરણાથી  યશપાલ પણ યશપાલ સક્સેના બની ગયો.
યશપાલ પણ ક્યારેક રાવલ-સદનમાં પાલક-પિતાની સાથે આવતો, એની સાથે અનંતને દોસ્તી કરતા અહોભાવનો ભાવ વધારે હતો. યશપાલ હંમેશા એને માટે એક કોયડારૂપ રહેલો… એના વિચારો-વર્તન એને સમજાતા નહીં, એને એટલી જ ખબર પડતી કે આવા લોકોને જ ક્રાંતિકારી કહેવાતા હશે. ઓહ…એ યશપાલ રાવલ સાહેબના સિધાવ્યા બાદ કાયમ અનિકેતને ટપાર્યા કરતો – કહેતો કે તારામાં શક્તિનો સાગર ભર્યો છે. એને સાચે ઠેકાણે વાળ, નહી તો અંજામ બહુ જ ખતરનાક આવશે. એ કેટલો સાચો હતો?? જો કે છેલ્લા કેટલાય વર્ષોથી એની સાથેનો સંબંધ નહી જેવો જ થઈ ગયેલો; હવે તો એ વર્તમાન રાજ્ય સરકારમાં મંત્રી પણ થઈ ગયો છે.
યશપાલનો ખ્યાલ આવતા અનંતની તંદ્રા અચાનક તૂટી; આખો ચહેરો આંસુથી ખરડાઈ ગયેલો હતો. જલ્દીથી વૉશરૂમમાં જઈ મોં ધોઈને ફ્રેશ થઈ ગયો. અને આજે સાંજે સપનાને બંગલે થયેલી વાતોના તાણા-વાણા ગોઠવવામાં લાગી ગયો. સપનાનું કહેવુ હતુ કે રાહુલે ડૉક્ટર માથુરને બ્લેકમેઈલ કરીને સંયોગની સારવારમાં અડચણ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો છે. અને હવે એ વાતની ખાત્રી મળતા કે તેમની દિકરીને સિમલામાં કોઈ હાથ નહી લગાડે એ પોતે જ વ્યવસ્થિત સારવાર આપવા તૈયાર થઈ ગયા છે તો ડૉક્ટર મયંકની એપોઈન્ટમેન્ટની હવે કોઈ જરૂર નથી. ડૉક્ટર માથુર શહેરનો જ નહીં પણ દેશનો પણ એક સૌથી બાહોશ જનરલ સર્જ્યન ડૉક્ટર છે અને એના હાથમાં સંયોગ સુરક્ષિત રહેશે જ..!! પણ એની દિકરીનું શુ?? એને કેવી રીતે સુરક્ષિત કરવી?? લાગે છે યશપાલને વાત કરવી જ પડશે. આવતીકાલે યશપાલની મુલાકાત ગોઠવવાનુ નક્કી કરીને રાત્રે ત્રણ વાગે પથારીમાં પડતુ મુક્યુ.
બીજે દિવસે યશપાલે અનંતનુ નામ સાંભળતા જ બાકીના બધા કામો પડતા મૂકી પોતાના આ જૂના ભાઈબંધને સાંજે મળવાનુ ગોઠવી દીધુ. ગાંધીનગરના મંત્રી આવાસમાં વિશાળ પણ સાદગી-ભર્યા અને સુઘડ એવા યશપાલ સક્સેનાના બંગલાની પરસાળમાં પગ મૂકતા જ અનંતનુ લાગણીશીલ હ્રદય પણ જૂના મિત્રને મળવાની ખુશીમાં જોરથી ધડકી ઉઠ્યુ. એકંદરે મુલાકાત અનંતે ધારી હતી એના કરતા વધારે ઉષ્માપૂર્ણ રહી, અનિકેતનો શોક વ્યક્ત કરતા યશપાલ જેવો ધીર-ગંભીર વ્યક્તિ પણ ઢીલો પડી ગયો જ્યારે અનંત તો તેને વળગીને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યો. અનંતે પોતાના આવવાનુ કારણ જણાવ્યુ, અને યશપાલે જ્યારે આખી વાત જાણી ત્યારે એણે રાહુલને તરત જ તેના જૂના ગુના બાબતે ઉઠાવી લઈને ફીટ કરી દેવાની વાત કરી. પણ અનંતે તેને રોકીને સમજાવ્યું કે સપનાની કંપનીને વલ્લભ એન્ટરપ્રાઈઝની જે ડીલ મળી છે એના લીધે જ શેઠ એન્દ કું. અત્યારે તો ટકી રહી છે. જો રાહુલને ખસેડી લઈશુ તો વલ્લભ એન્ટરપ્રાઈઝ સાવે-સાવ વ્યોમાના હાથમાં ચાલી જશે અને એનો કોઈ ભરોસો નહી કે એ શેઠ એન્ડ કું.ને કૉન્ટ્રાકટ ચાલુ રાખે કે તોડી નાખે.. બીજુ, વલ્લભ એન્ટરપ્રાઈઝ દ્વારા સીધી રીતે લગભગ ૧૦૦૦૦ અને આડકતરી રીતે લાખો લોકોને રોજગાર મળી રહ્યો હતો. એટલે, સાપ પણ મરી જાય અને લાઠી પણ ના ભાગે એવો ઉપાય શોધવો પડશે. હાલમાં તો સિમલામાં માથુરની દિકરીને અને અહીં સ્નેહાને સતત વૉચ પર રાખી એમને કોઈ રીતે ઉની આંચ ના આવે એટલુ કરીએ. યશપાલે અનંતને ખાત્રી આપી કે બંનેનો વાળ પણ વાંકો નહી થાય એની જવાબદારી મારી. વળી, સરકાર તરફથી સપનાની શેઠ એન્ડ કું, ને કાનૂનની હદમાં રહીને જે મદદ કરી શકાય એ કરવાની પણ યશપાલે તૈયારી બતાવી. બે કલાકની ગહન ગોઠડી પછી યશપાલના રસોઈયા એ બનાવેલુ બાજરીના રોટલા-રીગણનુ શાક ને ખીચડી-કઢીનું સાદુ વાળુ કરી બંને જૂના મિત્રો છૂટા પડ્યા. ગાંધીનગરથી પરત ફરતી વખતે અનંત ખૂબ ખૂશ હતો, અને સપનાને મળીને વાત કહેવા આતુર હતો. ગાડી સીધી જ લાઈફ સેવ તરફ વાળીને મુલાકાતીઓનો મળવાનો સમય પુરો થઈ જાય એની ૩૦ મિનિટ પહેલા એ સંયોગના સ્પેશ્યલ રૂમમાં પહોંચી ગયો.
ગ્રીલ્ડ ઝીંગાનો ટુકડો ચૉપસ્ટીક્સથી પકડી સ્વીટ-ચીલી સૉસમાં બોળીને મોંમાં મૂકતા રાહુલ ગાંધી વિચારી રહ્યો કે કામ ખૂબ અઘરુ અને અટપટુ હતુ પણ પાર પડી ગયુ એ જ મોટી વાત હતી. એતો સારુ થયુ કે આમાં પેલી નીલી આંખોને ના સંડોવ્યો, નહી તો બહુ મોંઘુ પડત. યશપાલ સક્સેનાના સેક્રેટરીની ગાડીમાં પેકેટ મુકાઈ ગયુ અને કોઈને કાનોકાન ખબર પણ ના પડી કે આ કોણે કર્યુ.. મકાઉ ટાવરની ટોચે આવેલી 180° Lounge and Grill માં બેઠા-બેઠા બુશમિલ સિંગલ મૉલ્ટ વ્હીસ્કીને ચુસ્કી લેતા એ બહારનુ બધુ જ ભુલી જવા માગતો હતો. એની આખા એશિયામાં ઑલટાઈમ ફેવરીટ જગ્યા હતી. અહીંથી લગભગ આખુ મકાઉ દેખાતુ હતુ. દિવસ દરમ્યાન લગભગ સુસ્ત અને નિરસ દેખાતી બિલ્ડીંગો રાત ઢળતા જ રોશનીમાં નહાઈ ઉઠે છે!! મકાઉ આમ તો ચીનની દક્ષિણે અને હોંગકૉંગની પશ્ચિમે આવેલો એક નાનકડો ટાપુ દેશ હતો… અને એનુ સંચાલન બ્રિટીશરોના હાથમાં હતુ, ૧૯૯૯માં બ્રિટને એ ચીનને સોંપી દીધુ પણ શરત સાથે કે એનું રાજકિય અને વ્યાપારિક સ્ટેટસ આવતા ૫૦ વર્ષો સુધી ના બદલાવુ જોઈએ.. ચીની સરકારે શરત માન્ય રાખી અને મકાઉ – કે જેને ત્યાંની નાનકડી સરકારે એક ટુરિસ્ટ કમ કેસિનો સીટી તરીકે વિકસાવ્યુ હતુ તેમ જ રહેવા દીધુ. આજે મકાઉ પૂર્વનુ લાસ-વેગાસ કહેવાય છે; નેપાલના કાઠમંડુ કે ગોવાના કેસીનો કરતા પણ મોટા-આધુનિક અને લક્ઝરી કેસીનો અહીં વિકસાવાયા છે; શોખીનો માટે ખાવા-પીવાની અને નાઈટલાઈફની ખૂબ જ મજા છે..
કારમી ગરીબી અને આંશિક ગુનાખોરીની જીંદગીમાંથી વ્યોમાને પરણીને રાતો રાત વ્યોમા-પતિની સાથે સાથે અબજો પતિ પણ બની જનાર રાહુલને આવી જીંદગી બે-ત્રણ દિવસ પણ જીવીને જાણી પોતાની જન્મજાત બહેનપણી એવી ગરીબીને મ્હાત આપી રહ્યો હોય એવુ અનુભવી રહ્યો હતો . એટલે જ એ જ્યારે પણ બિઝનેસ ડીલ માટે હોંગકોંગ અને ત્યાંથી ચીનમાં શેનઝેન કે ફુઝોઉ જતો ત્યારે બે દિવસ બધુ જ ભુલીને અહીં મકાઉમાં રોકાઈ જતો. અહીંથી દેખાતો અતિ- અતિ વૈભવી જીંદગીનો આ નજારો રાહુલને ખૂબ જ ગમતો અને એનાથી વધારે એને આ લાઉન્જનુ ફૂડ વધારે આકર્ષિત કરતુ. જન્મથી જ ઘરમાં મરજાદી ધરમનું વાતાવરણ હોવાને લીધે નોન-વેજની તો શુ ઈંડાની વાત પણ ઘરમાં ના થઈ શકે.. જો કે, એ તો સ્કુલ કાળથી જ પોતાના છેલબટાઉ મિત્રો જોડે નોન-વેજ ફૂડની મોજ માણી ચૂક્યો હતો. પણ જો એ ઘરમાં કે ઈવન ગુજરાતમાં હોય તો નોન-વેજને હાથ ન અડાડતો. પણ આ લાઉન્જમાં ગ્રીલ્ડ સી ફૂડ એની મનપસંદ ડીશમાંથી એક હતુ. ગુજરાતમાં છાનામાના પિવાતા દારૂને બદલે અહીં મળતી સિંગલ મૉલ્ટ વ્હીસ્કીની વાઈડ રેન્જમાંથી એ કાયમ એની ફેવરીટ બુશમિલ આઈરિશ વ્હિસ્કી ઑર્ડર કરતો. એની વેનિલા જેવી ખુશ્બુ અને સહેજ કડવા-મીઠા સ્વાદમાં એ ખરેખર ખોવાઈ જતો.
પણ હજુ સુધી એના જેવા ખંધા ખેલાડીને પણ એ વાતની ગડ ના બેઠી કે સાવ સાફસૂથરા યશપાલ સક્સેનાના સેક્રેટરીની ગાડીમાં પેલુ ડ્રગ્સનું પેકેટ મુકાવવામાં કોને રસ હોઈ શકે?? ભાઈ-લોગ ,જેના એને ફોન આવ્યા હતા અને કામ પૂરુ કરવાનુ કીધુ હતુ એમને તો આ બધા રાજકારણ માં કંઈ રસ ના હોય. વિચારોના વમળમા અટવાયેલો રાહુલ બુશમિલના ચાર શૉટસ્ મારી ચુક્યો હતો પણ એના શાતિર દિમાગને કોઈ જ કડી મળી નહી … ત્યાં જ પાછલથી એક ધીમો ધબ્બો પડ્યો અને કાઠીયાવાડી લહેજાની શુધ્ધ ગુજરાતીમાં કોઈ અવાજ આવ્યો …”કાં રાહુલ ભા….ય, એકલા એકલા જ પીવો છો કે??” રાહુલને થયુ, અરે?? આટલે દૂર આવી જગ્યા પર કોઈ કાઠીયાવાડનો ગુજરાતી?? રાહુલ હજુ આવા સુખદ આઘાતમાંથી બહાર આવે એ પહેલા તો પાછળ રહેલી વ્યક્તિ પ્રગટ થઈ .
સફેદ કૉટનનો આખી બાંયનો શર્ટ અને એવુ જ સફેદ દૂધ જેવુ પેન્ટ અને ૬ ફૂટ ૨ ઈંચની કસરતી કાયા પર એકદમ ચપોચપ બેઠા હતા . ઈટાલિયન બ્રાન્ડ “આલ્ડો” ના લેટેસ્ટ ડિઝાઈનના કાળા સૂઝ લાઉન્જની આછી રોશનીમાં પણ ચમકતી હતી .ગૌર ચહેરા પર જાડી કાળી મૂછના થોભિયા અને એવા જ કાળા ભમ્મર વાંકડિયા પણ પ્રમાણસર કાપેલા વાળ. લગભગ ૫૦-૫૨ની આસપાસનો આ વ્યક્તિ રાહુલનો હાથ જાતે જ પકડી તેની સાથે શેઈક હેન્ડ કરતા બોલ્યો … “કેમ ઓળખાણ નૉ પય્ડી?? જનાર્દન વાઘેલા. આપણી વિધાન સભામાં વિરોધપક્ષનો નેતા; ખાસ થૅન્ક્યુ કહેવા કાઠીયાવાડ થી આંય મકાઉ હુધી લાંબો થ્યો છુ ભાય…!!”
રાહુલે વિચાર્યુ “ઑહ… તો આ છે એ પેકેટનો મુકાવનાર..!!” આટલી વ્હીસ્કી પીધા પછી પણ બદનમાંથી એક ઠંડુ લખલખુ પસાર થઈ ગયુ…!!
— વત્સલ ઠક્કર

No comments:

Post a Comment