Thursday, April 2, 2015

તાળો મળતો નથી - નિશિતા પંડ્યા [દોષીની]

‘’હતું દ્રઢ મનોબળ તો સમતાથી જીરવી જાણ્યું,
ક્યાં હતું સહેલું જીવન તોયે જીવી જાણ્યું.’’
તે વખતે, પુરેપુરી સભાન અવસ્થામાં આવતાં જ, અણધારી આવી પડેલી વ્યાધિને સહજ રીતે પચાવવી મારા માટે અઘરી થઇ પડી હતી. આ વ્યાધિ જીવનભરની ઉપાધિ થઇ જશે કે શું? એ અવઢવ સાથે, મારી સાસુ અને નાની નણંદ વચ્ચે થયેલા સંવાદના આછા પાતળા શબ્દો રહી રહીને ત્યારે મારા કાનમાં અફળાતા હતા, જે અર્ધ-બેભાનાવસ્થામાં હોસ્પિટલના જનરલ વોર્ડમાં સુતા સુતા મેં ત્રુટક ત્રુટક સાંભળ્યા હતા. દવાઓના ઘેનની અસર ત્યારે ઓછી હતી પણ માથું તાવને લીધે ભારે લાગતું હતું, છતાં વિચારોના વાવાઝોડાને અટકાવવું અઘરું હતું. બારીમાંથી દેખાતા આથમતા-સુરજને જોઈ મારા મનમાં એક જ ઈચ્છા થઇ આવી હતી, કે કાળને આવું જ ભૂંડું કરવું હતું મારી સાથે? એના કરતા તો મારા જીવનનો અંત આવી ગયો હોત તો સારું હતું. મારા શરીરમાં પાંગરી રહેલું બાળક મારા જીવવાનું એકમાત્ર કારણ હતું જે મને મજબુર કરી રહ્યું હતું. એક સ્ત્રી તરીકે જન્મ લીધો એ પાપ કર્યું છે એવો મારાથી નિસાસો નંખાઈ ગયો. શું સ્ત્રી એટલે કાયમ અબળા? સાસુ પોતે પણ એક સ્ત્રી જ છે ને ! છતાંય જ્યાં સુધી કમાઈને લાવતી હતી ત્યાં સુધી મારી ભાવનાઓને થોડી ઘણી બિરદાવી. અને તે છતાંય કામમાં જરા પણ સરવસર ક્યાં ચલાવ્યું? મારી આ દશા માટે એમની કામની લ્હાય શું એટલી જ જવાબદાર નહોતી? રોજ પાંચ વાગે ઉઠીને ફટાફટ સવારના બધાના દૂધ ચ્હા-નાસ્તો, અર્ધી રસોઈ, કપડા, ચ્હા-પાણીના વાસણ વગેરે પતાવી, વાળ ઓળી પાંચ મીનીટમાં તૈયાર થઇ હું રોજ ૭:૩૦ ની સવારની બસ પકડુ. હું ધોરણ આઠ થી બારની સંસ્કૃત વિષયની શિક્ષિકા, જતી વખતે સાસુમા શાંતિબેનને ‘જયઅંબે મમ્મી જઉ છું’ કહું, તો સામે ‘જયઅંબે’કહેવાને બદલે કાયમ કોઈને કોઈ કામ જ ચીંધ્યું છે ! ક્યાં તો- ‘સ્કુલેથી છૂટી રસ્તામાંથી શાકમાર્કેટ થઈને પાંચ-છ શાક લેતી આવજે’ ને સાથે સાથે કહેવાનું પણ નહોતા ભૂલ્યા કે- ‘જોજે કાછિયો છેતરી ના જાય ! ધ્યાન રાખજે અને જોજે..કસવાનું ના ભૂલતી’ વગેરે વગેરે. અથવા ‘બપોરે બાર વાગે સ્કુલેથી આવી જાય પછી બધાનું બપોરનું ભોજન પતે એટલે આજે અર્ધો કલાક માટે પણ સુઈ ના જઈશ , થોડા નાસ્તા બનાવી દેજે.’ ને પાછુ ‘થોડા’ એટલે એકાદ-બે ડબ્બા થોડું ચાલે? વડા, તીખી પૂરી, ફરસી પૂરી, મમરા, થોડી ઝીણી સેવો વગેરે વગેરે.
મને તો કામ કરવું ગમતું, એટલે હું હસતા ચહેરે- ‘હા મમ્મી થઇ જશે તમે ચિંતા ના કરો’ કહી ભાગતી. મારું મનોબળ મક્કમ વશિષ્ઠને કારણે જ હતું. કેટલા પ્રેમાળ પતિ ! વસ્તારી કુંટુંબમાં રહી નોકરી અને ઘર સંભાળવું ક્યાં સહેલું હતું? પણ મારી નોકરીથી વશિષ્ઠને ઘરખર્ચમાં પણ ટેકો રહે, એટલે નોકરી જરૂરી હતી. અને મનમાં વિચાર આવ્યો કે શું વશિષ્ઠ આ લોકોની વાતમાં આવી જશે? અને મને છૂટાછેડા આપવા રાજી થઇ જશે? એમના વર્તન પરથી લાગતું હતું કે હજી સાસુ નણંદની આ વાત એમના કાન સુધી પહોંચી નહોતી, કારણ એ તો એટલા જ વ્હાલથી મારા માથે હાથ ફેરવતા ફેરવતા સાંત્વના આપી રહ્યા હતા કે- ‘હું છું ને દરેક વિપરીત સંજોગોમાં તારી સાથે..! પાંચ વર્ષ પૂર્વે લગ્નના મંડપમાં અગ્નિની સાક્ષીએ લીધેલા સાત વચનોમાંનું સુખ હોય કે દુઃખ જીવનભર સાથ આપવાનું વચન આખી જીંદગી નિભાવીશ. લગ્નપછીના સાથે વિતાવેલા હરેક સુંવાળા સુમધુર રાત અને દિવસ આપણા પ્રેમના પુરાવાના અને સાક્ષી છે એ હું ભૂલ્યો નથી. તને આજે પણ આ અવસ્થામાં એટલો જ પ્રેમ કરું છું જેટલો પ્રથમ નજરના તારામૈત્રક સમયે અનુભવ્યો હતો. તો મિથ્યા વિચારોને કલગી-મેડમ, રત્તીભાર પણ મનમાં નથી લાવવાના, અને ભવિષ્ય માટે મનોબળ મક્કમ કરી વાસ્તવિક પરિસ્થતિનો સ્વીકાર કરવાનો છે. ઈશ્વર ઈચ્છા બળવાન છે, એટલે સંજોગો સામે લડત આપી અડીખમ ઉભા જ રહેવાનું છે.’ પતિ લાડથી મને ‘મેડમ’ કહીને બોલાવતા, ને હું હળવું હસતા ટોકતી- ‘મેડમ તો હું મારા વિદ્યાર્થીઓની, તમારી તો કલગી..!’ ઓગણીસો પાંસઠની સાલની વસંતના આગમનના એંધાણ આપતી અમદાવાદની કેવી રમ્ય સોહામણી એ સાંજ હતી..! ઢળતા સુરજની રોશનીએ ધરતીને લાલ કેસરી કિરણોથી સજાવેલી. અને મોટીબેનની મજાકથી એ જ કિરણો જાણે કે મારા નમણા, ગોરા સ્મિતસભર ચહેરા પર શરમના કારણે ઉતરી આવ્યા હતા. ચન્દ્રનગરના ઢાળ પાસે આવેલી સંગાથ સોસાયટીના બંગલા નંબર પંચાવનમાં ચારેબાજુ ચહલપહલ અને ચોમેર હાસ્યકિલ્લોલ વેરાયેલો હતો. મારી મોટીબેન સૃષ્ટી, જીજાજી સમ્યક અને ડોક્ટર પિતા ગિરધરભાઈ અને મા તારાબેન, આ બધા વશિષ્ઠ અને એના પરિવારની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. તેઓ તે દિવસે મને જોવા આવવાના હતા. સામાન્ય પરિવારમાં ઉછરેલો વશિષ્ઠ વ્યવસાયે સિવિલ એન્જીનીયર હતો, પણ ઘરની પરિસ્થિતિ નબળી હતી. વશિષ્ઠ અને એના પિતા સુમતીભાઈ, એ બંને જણની આવક સામે ઘરનો વસ્તાર બહોળો હતો. વશિષ્ઠને બે નાના ભાઈ અને કોઈ કામધંધો ન કરતા ને ચાર ચોપડી ભણેલા એક મોટાભાઈ. તેમની પત્ની અને બે બાળકો. સાથે માતા શાંતિબેન અને એક કુંવારી નાની બહેન. આમ ભર્યુંભાર્યું નવ સભ્યોનું સંયુક્ત કુટુંબ હતું. જયારે પિતાએ વશિષ્ઠ વિષે તપાસ કરી અને ઘરમાં બધા સાથે ચર્ચા કરી. પછી બધાની સંમતિ લઇ વશિષ્ઠના ઘરે મિત્રના મિત્ર ધ્વારા લગ્ન માટે વાત આગળ વધારવાનું કહેણ કહેવડાવ્યું ત્યારે મારા મનમાં પણ કેટકેટલી અવઢવ ચાલતી હતી,. ને પછી, આંગણે એ દિવસ આવીને ઉભો રહ્યો હતો. વિધાતાના ચોપડે આ જોડી સુસંગત છે કે નથી તે તો વિધાતા જ જાણે, પણ તૈયાર થઇ રહેલી હું, બ્લુ રંગની મેં જાતે ગુંથણ કરેલી કચ્છી ભરતવાળી સાડીમાં ખુબ જ રૂપાળી લાગતી હતી. દર્પણ સામે અંબોડો લેતા લેતા, બિલાડીના જેમ ટોપ ફૂટે તેમ પળેપળે દિલની આ કોરી પાટી પર વસંતના રંગવૈભવ દર્શાવતા ફૂલોની જેમ, મારા મનમંદિરમાં કેટકેટલાય અભરખા ખીલી રહ્યા હતા. કેમ કે એ શ્વેત-શ્યામ ચિત્રોમાં મેઘધનુષના રંગો ભરવા રણમેદાનના પહેલા સૈનિક તરીકે વશિષ્ઠનું આગમન થવાનું હતું. અને એ ક્ષણ તત્કાળ જ સમયને ભેદતી આવી પહોંચી, જયારે મારી માએ રૂમનું બારણું ખખડાવી કીધું, ‘બેટા કેટલીવાર..? છોકરાવાળા આવી ગયા છે. હું દબાતા પગલે ધીરે ધીરે બેડરૂમની બહાર આવી. સામે જ દેખાતા વિશાળ ડ્રોઇંગરૂમના થ્રી-સીટેડ સોફા પર આધેડ વયના પુરુષ અને લગભગ મારી માની જ ઉમરની સ્ત્રી અને સાથે એક સોહામણો ઉંચો પાતળો બાંધો ધરાવતો નાઈન્ટીન ફિફ્ટીની ફિલ્મના રાજકુમાર જેવી હેરસ્ટાઈલવાળો એ યુવાન પહેલી નજરે જ મારા દિલમાં વસી ગયો. વશિષ્ઠને પણ પહેલી નજરે હું ગમી ગઈ એટલે બંનેની પરસ્પર હા થતા જ બે પરિવાર એક થયા. ધૂમધામથી ઘડિયા લગ્ન લેવાયા. નવી નવેલી દુલ્હન બનીને મેં ગૃહપ્રવેશ કર્યો. અને સોહાગરાતે જ ઘરના દરેક સભ્યના ગમા- અણગમા વિષે મેં વશિષ્ઠ પાસેથી જ જાણી લીધું હતું, તેમ જ એમના સ્વભાવનો પણ પરિચય મેળવી લીધો હતો. લગ્નના ત્રીજા મહિને જ મને સારા દિવસો રહ્યા હતા, ને પુરા સમયે દીકરી જન્મી. જોતજોતામાં નકશી પણ ચાર વર્ષની થઇ ગઈ અને પછી ફરીથી સારા દિવસો રહ્યા અને ક્યાં સાત મહિના થઇ યે ગયા. પણ વાઈરલ ઇન્ફેકશનથી ચઢી બેઠેલો એ તાવ, કેમે કરી ઉતરવાનું નામ નહતો લેતો. સાસુમાની કામ પૂરું કરાવવાની અધીરાઈ, એમના નામ સાથે જરાય સુસંગત નહોતી ! મારા કામથી એમને સંતોષ ના થતો એટલે રોજરોજ નિવાક્વીનની ગોળીઓ લઇને એમનું કામ સમયસર થાય એ ધ્યાન રાખવામાં મેં જાતને અવગણી અને તબિયત પ્રત્યે ધ્યાન જ ન આપ્યુ. ગોળીઓના અતિરેકની આડઅસર થઇ, અને હું પેરાલિસીસ-એટેકનો ભોગ બનીને હોસ્પીટલના ખાટલે પડી હતી. ડોકટરના નિદાન મુજબ એક પગ કાયમ માટે નિર્જીવ થઇ ગયો હતો અને હરતીફરતી હું તે પછી સદાયને માટે શારીરિક ખોડખાંપણ વાળી થઇ ગઈ. હોસ્પીટલમાં મારા મનમાં વિચારોનો વંટોળ ઉઠતો કે, ‘મારી નકશી અને આવનાર બાળકના ભવિષ્યનું શું થશે? નકશી, આવનાર બાળક તથા લગ્ન બાદ નોકરી છોડી વશિષ્ઠે એનું પોતાનું નવું શરુ કરેલું આગવું કામ, વશિષ્ઠ આ બધું એક સાથે સંભાળી શકશે? ઉપરાંત હું તો બોજારૂપ જ લાગીશ..! પથારીમાં પડ્યા પડ્યા આ પરવશતાભર્યું જીવન કેમનું વીતશે? કાળ અને કુંડળીના કયા ગ્રહો અવળા પડ્યા કે આ અવદશા આવી? સાસુ તો બધો દોષ મારે માથે જ ઢોળી રહ્યા છે. મારી સાથે સાથે નકશી અને આવનાર બાળકનું જીવનેય અમાસના અંધકારથી ભરેલું રહેશે. ને એ તો નકશીના જન્મ સમયે જ સમજાઈ ગયું હતું, જયારે તેમણે દીકરીને હાથમાં નહોતી લીધી અને કીધું હતું કે, ‘દીકરો અવતર્યો હોત તો સારું હતું..પણ દીકરીની મા તો દીકરી જ જુવે ને જણે..!’ હવે જો આ બીજી પ્રસુતિમાં ય દીકરી જ અવતરશે તો મને મ્હેણાં મારી મારીને જીવન જીવવું દુભર કરી નાખશે. આજ દિન સુધી ક્યારેય વશિષ્ઠને મારા દિલની વ્યથા કે અંતરે પડેલા ડામનો આભાસ નથી થવા દીધો, તો જ્યાં સુધી સહનશક્તિ સાથ આપશે ત્યાં સુધી ચુપચાપ સહન કરતી રહીશ. મારા જીવનની આ દારુણ દુર્ઘટના છે, અને વશિષ્ઠના સાથ અને સહકાર હેઠળ એ ય જીરવી લઈશ.’ અને પછી બે દિવસ બાદ હોસ્પિટલમાંથી ઘરે જવાની મને પરવાનગી મળી અને સાથે ડોક્ટરની સુચના કે, ‘રોજ પગભર થવા થોડી કસરતો જાતે કરવી પડશે. અને બરાબર શીખી ના લો, ત્યાં સુધી થોડો સમય નર્સ આવી ને કસરત કરાવી જશે. ઘરે ગયા બાદ વશિષ્ઠની ગેરહાજરીમાં સાસુ અને નણંદનું નકશી અને મારી સાથેનું વર્તન અસહ્ય થઇ ગયુ. નક્શીને તો રોજ મારતા, અને હું પથારીવશ, મદદ વિના લાચાર થઇ આંસુ સારતી જોયા કરતી. એને બાથમાં લઇ સમજાવતી કે, ‘તારા પપ્પાને ના કહીશ નાહકના આટલી ઉપાધિમાં વધારે ચિંતા કરશે.’ આમને આમ બે મહિનાને દસ દિવસ પસાર થઇ ગયા, ને બીજી પ્રસુતિનો સમય પણ પાક્યો. પ્રસવ-પીડા ઉપડી. બીજી સુંદર દીકરી જ અવતરી. પણ સાસુને તો હેરાન કરવાનો એક વધુ અવસર મળી ગયો હતો. વશિષ્ઠ તો ખુશ હતા કે ભગવાને બે દીકરી આપી જીવન ધન્ય કર્યું, ને એ જોઈ મેં થોડી રાહત અનુભવી. સસરા સુમતીભાઈને પણ બંને પુત્રીઓ વ્હાલી હતી. એ જોઈ મન ટાઢક અનુભવતું કે, પુત્રીઓ પિતાની તો લાડકી છે ને સાથેસાથે દાદાની પણ. જોતજોતામાં પથારીમાં ને પથારીમાં સાસુ નણંદના ત્રાસ સાથે જ એક વર્ષ વીતી જવા આવ્યું અને બીજી દીકરી ભક્તિ ચાલતી થઇ ગઈ. પણ પથારીમાં પડે પડે આખા દેહમાં ચાઠા પડ્યા. કેટકેટલી શારીરિક અને માનસિક યાતના અનુભવી. શરીરમાં એક દાહ ઉઠતી પણ ઠેબા ખાતાખાતા એ ય સહન કરી લીધી. બસ એક વાત અસહ્ય હતી, કે રોજ નજર સામે ભક્તિ અને નકશીના વાળ ઓળતા ઓળતા, વાળ તાણતી જલ્લાદ નણંદ, કે કપડા બદલાવતા સાસુએ વાંસામાં લગાવેલા ચાર પાંચ ધબ્બા. અને ક્યારેક તો હદ વટાવી દેતા. છુટ્ટા વેલણથી ટીપતા તે આ વહાલસોયી કોમળ નિર્દોષ દીકરીઓને. કોણ જાણે મારી પરવશતાને કારણે ધુત્કારતા, કે એમ કરવાથી એમની ક્રૂર લાગણીઓને સંતોષ મળતો, એ સમજ બહારની વાત થઇ ગઈ હતી. ખુદ ભીતરે કાચની જેમ તૂટીને વેરાઈ ગઈ હતી. જો કે એ આભાસ પણ કોઈને થવા નહોતો દીધો અને વશિષ્ઠની હુંફથી મનોબળ મક્કમ રાખી રોજ વધુને વધુ સમય કસરત માટે ફાળવતી. ક્યારેક ફરિયાદ રૂપે ચીસો પાડીને રૂંવાડા ઉભા થઇ જાય તેવું ઈશ્વર પાસે આક્રંદ કરી લેતી, કે ક્યારેક તો ઈશ્વર દયા ઢોળશે આ લાચાર પર. આખરે એક દિવસ સોનાનો સુરજ ઉગ્યો. મારો પગ સંપૂર્ણ તો સારો ના થયો પણ લાકડીના સહારે ઘરમાં હરતી ફરતી થઇ. ધીમે ધીમે ઘરનું કામ જાતે કરતી થઇ. પ્લેટફોર્મ પર બેસી જતી. કુદકો મારી અને બધાની રોટલી કરતી. નકશી સાત વર્ષની થઇ અને ભક્તિ બે વર્ષની. એમની પણ સંપૂર્ણ જવાબદારી હવે મેં પોતાના શિરે જ લઇ લીધી હતી, કે જેથી સાસુના ગુસ્સા અને જડતાભર્યા વર્તનથી બંને દીકરીઓ તો બચે. ઘરમાં જેમ જેમ ટેવાતી ગઈ તેમ તેમ લાકડીને બદલે દિવાલ પકડી ચાલવાનું શરુ કર્યું. લાકડીનો ઉપયોગ બહાર જતા આવતા શરુ કર્યો, પણ નોકરી તો સાસુના કામના કકળાટ અને કચકચને કારણે ત્યાગવી જ પડી. ભક્તિ પંદરની થઇ ત્યારે સાસુએ ચીરવિદાય લીધી. અને તે ત્રીસ વર્ષની થઇ ત્યાં સુધી વશિષ્ઠ અને બંને દીકરીઓની હુંફ સાથે મારો સંસાર આ જ અવસ્થામાં હસતા રમતા જીવનમાં આવેલા ઉતાર ચઢાવ સાથે વિતાવ્યો. અને હવે સાઈઠ વર્ષની ઉમરે યમરાજનું તેડું આવ્યું છે, ત્યારે અંતિમ શ્વાસ લેતાલેતા, જીવનના સરવૈયા પર શારીરિક અધુરપે આપેલી પીડા ઘટ્ટ ભાસે છે. હે ઈશ્વર મારો તને આ એક જ પ્રશ્ન છે કે, ‘મેં મારા કયા દોષની સજા ભોગવી?’
— નિશિતા પંડ્યા

No comments:

Post a Comment