Thursday, April 2, 2015

કથા કડી - ૨૦ [વત્સલ ઠક્કર]

અનંત અને અવનીના ગયા પછી સપના એ ઘરે ફોન કરીને કાંતાબેનને સાંજના કાર્યક્રમ અંગે સુચના આપી દીધી. ત્યારબાદ કંઈ કેટલીય વાર સુધી એમને એમ શુન્યમનસ્ક બેસી રહી. તેની નજર સામે છેલ્લા કેટલાક સમયમાં ઘટેલી ઘટનાઓ ફિલ્મની પટ્ટીની માફક ફરી ગઈ. એણે વિચાર્યુ; કેવી છે આ જિંદગી? કેટલાય વર્ષોથી એને ભાગે ઘર અને ઘરના કામ સિવાય કશુ જ નહોતુ આવ્યુ. સ્કુલ-કૉલેજ કાળમાં અતિસફળ રહેલી એ લગ્નબાદ સંયોગની ઈચ્છાઓને માન આપવામાં ઘરની ચાર સિવાલોમાં સમેટાઈને રહી ગઈ હતી. પણ છેલ્લા ૫-૬ અઠવાડીયામાં જે બની ગયુ એ કોઈ ફિલ્મથી કમ ન હતુ.
કેટલાય વર્ષોની તપસ્યા બાદ એને સંયોગનો એક સાચા અને સમજુ સાથી તરીકેનો સહવાસ પ્રાપ્ત થવાની ક્ષણ આવી હતી. ત્યાં અચાનક જ તેમના જીવનમાં ઝંઝાવાત આવી ગયો – પ્રથમ વ્યોમા નામનુ વાવાઝોડુ અને હવે આ રાહુલ નામનુ ભયંકર તોફાન. સંયોગનો અકસ્માત; અનંત-અનિકેત અને અવનિ દ્બારા કરાયેલા ખુલાસા અને તેના લીધે જે સંયોગ પર બિઝનેસ જોઈન કરવાની વાત થઈ ત્યારે પહેલા પ્રેમ ઉમટી આવેલો અને રાહુલની કૅબિનમાં તેના માટે ભારોભાર નફરત પેદા થયેલી એ જ સંયોગ પર બમણા ઉમળકાથી પ્રેમનુ ઘોડાપૂર આવેલુ.. પણ, અફસોસ એ સંયોગને આ વાતનો અહેસાસ કરાવી શકે એવી પરિસ્થિતિમાં અત્યારે સંયોગ નથી.
વિચારોનો તંતુ તેના મોબાઈલ પર વાગેલી રીંગથી તૂટ્યો. જોયુ તો ડૉક્ટર માથુરનો પર્સનલ નંબર એના મોબાઈલના સ્ક્રીન પર ઝબકતો હતો..!! અને નવાઈને સાથે ધ્રાસ્કો પણ લાગ્યો કે કોઈ અનિચ્છનીય સમાચાર તો નહી હોય ને?? આમેય તે એને ડૉક્ટર માથુરનુ વર્તન જ્યારથી સંયોગ હૉસ્પીટલમાં પહોંચ્યો તે દિવસથી જ શંકા ઉપજાવે તેવુ લાગી રહ્યુ હતુ પણ કંઈ અંદાજ આવતો ન હતો કે શુ કારણ હોઈ શકે? એની વે, ફોન રિસિવ કરવાથી જ કશી ગડ પડે.
“હેલ્લો ડૉક્ટર માથુર.. ગુડ ઈવનિંગ”.
સામે છેડેથી સહેજ થોથવાતો હોય એવા અવાજમાં માથુરે કહ્યુ :”ગુડ ઈવનિંગ, સપના”… “યેસ ડૉક્ટર, ટેલ મી. બધુ બરાબર તો છે ને? ડૉક્ટર થોડા ગભરાયેલા અને થોડા અસમંજસમાં હોય એવા અવાજમાં બોલ્યા “No, no, no.. સંયોગની તબિયત સ્થગિત છે . તમારા કોઈ એનું સગા ધ્યાન રાખવા આવી જશે પછી ઝડપથી સારું થતું જશે પણ, મારે તો અત્યારે બીજુ જ કામ છે અને એક ખાસ બાબતે આપની સાથે વાત કરવી છે તો આપણે હમણા મળી શકીએ?”
” હા,મારા ફોઈ આવી જશે , અને હા, સંયોગને લગતી કોઈ વાત હોય હું મળવા માંગીશ .બધી એપોઈન્ટમેન્ટ્સ કૅન્સલ કરી દઈશ.”
“સપનાજી, hmmm એ વાતને સીધી રીતે નહી તો આડકતરી રીતે સંયોગની સારવાર સાથે સંબંધ પણ છે.”
“Ok ok, ડૉક્ટર આપણે ચંદ્રકલા પેટ્રોલપંપની નજીક આવેલુ કાફે કૉફી ડે માં આવતી ૨૦ મિનિટમાં મળીએ તો કેવુ? “..
“સારુ, સારુ હું ૨૦ મિનિટમાં જ ત્યાં મળુ છુ..”. સપના પણ આમ તો તૈયાર જ હતી અને આજ-કાલ એ જાતે જ ડ્રાઈવ કરતી હતી; એણે જલ્દીથી ઑફિસ બૉયને બોલાવીને જરૂરી કાગળીયા-ફાઈલો પોતાની કારમાં રાખવાનુ કીધુ અને ટેબલ પર રાખેલા સંયોગ-સ્નેહા-સપનાના ફોટા પર એક નજર ફેરવી; ફોટામાંના સંયોગના તાજ્જા ખીલેલા ફૂલ જેવા ચહેરા પર આંગળીઓ ફેરવતા અનાયાસ જ એની આંખને ખૂણે થોડી ભિનાશ આવી ગઈ; અને આદતવશ એના હોઠ ચુંબનની મુદ્રામાં આવી ગયા. બીજી જ ક્ષણે આંખ સાફ કરી; ગળુ ખોંખારીને પોતાની બેગ ઉઠાવીને એ ચાલવા માટે તૈયાર થઈ.. એની આંખોમાં એક નવી જ ચમક હતી. જાણે કે સંયોગને કહેતી હોય; Don’t worry, I will do it, I will fight for it. (i will save our complany) જોઈએ ડૉક્ટર માથુર શુ નવી વાત લાવ્યા છે.”
.
સડસડાટ ચાલીને એ ઑફિસના પાર્કિંગ લૉટમાં આવી તો ઑફિસ બૉયે ગાડીમાં બધો સામાન મૂકી દીધો હતો .ગાડીનો ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલીને ચાવી હાથમાં પકડીને ઉભો હતો. સપના ડ્રાઈવરની સીટ પર ગોઠવાઈ એટલે તેના હાથમાં ચાવી આપી, અંદર બેસતા સપનાએ દરવાજાનો કાચ ખોલી અને એક આભારની નજર એની સામે નાખીને કહ્યુ :”ઑકે, બધુ બરાબર બંધ કરીને ઘરે જજો .. અને હા, પેલા ઍક્વેરિયમમાં ફીશ-ફૂડ દરરોજ સાંજે જ નાખો છો ને?? જો જો ભૂલાય નહી” કાચ બંધ કરી, ચાવી ઈગ્નીશનમાં ફેરવીને ગાડી ચાલુ કરતા તેને એક નજર પોતાની રિસ્ટવૉચ પર નાખી.. દશ જ મિનિટ બાકી હતી પણ, ડૉક્ટરને ટાઈમ આપ્યા મુજબ એ પહોંચી જશે.
ચંદ્રકલા પેટ્રોલપંપનું  આ સી સી ડી સપનાનું  ફેવરિટ કાફે હતુ. હતું  ઘણું  જૂનું  કદાચ શહેરમાં આવા કાફૅની ફેશન જે દશ-બાર વર્ષ પહેલા આવી હતી તે સમયનું  આ બનેલુ હતુ; એટલે સજાવટ અને ફર્નિચર થોડા જૂનવાણી ટાઈપના અને આપણા ગુજરાતી પરંપરા કલર-સ્ક્રેચ બાબતમાં થોડા જૂના પણ દેખાતા હતા. પણ, એને અહીંનો હસમુખો સ્ટાફ અને પેટ્રોલપંપ પર હોવા છતાં ત્યાંની ચોખ્ખાઈ બહુ જ ગમતી હતી. કેટલીય વાર એ અહીં આવીને બેસતી અને પોતાની ફેવરિટ કૉફી “કેફે-લાતે” ની ચુસ્કીઓ લેતી. જો કે આજે અહીં પહોંચતા એના દિલમાં ડૉક્ટર માથુર વિષે થોડો ઉચાટ હતો .ગાડી પાર્ક કરતી હતી ત્યારે જ એની નજર કાચની દિવાલની આરપાર ખૂણાની જગ્યા પર આરામ-દાયક સોફા પર પણ કંઈક ઉચાટથી ઉભડક બેઠેલા ડોક્ટર માથુર પર પડી.. અને એની નવાઈ અને ચિંતા પણ બેવડાઈ ગઈ. જલ્દીથી ગાડી લૉક કરીને એ બેગ હલાવતી; મોં પર સ્મિત લાવીને ડૉક્ટર જયાં ત્યાં પહોંચતા અધવચ્ચે કાઉન્ટર પર રહેલા છોકરાએ જરા થોડા નવાઈના ભાવથી એને આવકારી – “ગુડ ઈવનિંગ મેડમ, વેલકમ બેક. બહુત દિન બાદ આપ આયી?” ઉત્સાહમાં એનો અવાજ થોડો ઉંચો થઈ ગયો હતો એના લીધે ડૉક્ટર પોતના મોબાઈલમાં ખોવાયેલા હતા એમનો ધ્યાનભંગ થયો અને એમણે ઉપર જોયુ કે આ કોને આવકારી રહ્યો છે.. અને સપનાને જોતા એના હોઠ પર પણ એક સ્માઈલ આવી ગયુ અને આંખોમાં થોડી રાહતની લાગણી ડોકાણી. “વેલ ડૉક્ટર, ગુડ ઈવનિંગ..” સપના સાડી સંકોરીને ડૉક્ટરની સામેના સોફામાં આરામથી ગોઠવાઈ; અને એમના તરફ એક પ્રશ્નભરી નજર નાખી. એટલામાં એને જોઈને સીસીડીનો એ તરવરિયો છોકરો તેમની બાજુમાં આવીને ઉભો રહી ગયો.. આમ તો ઑર્ડર લેવાની પ્રથા સીસીડીમાં ન હોય , તેમના જૂના અને નિયમિત ગ્રાહકોને સ્ટાફ સામે ચાલીને આવી સગવડ આપે છે.. જેવુ સપનાએ એની સામે જોયુ એ સાથે એના હોંઠ પૂરી રેતે ખેંચાઈને સ્માઈલની મુદ્રામાં આવી ગયા અને બોલ્યો: “વ્હૉટ વિલ યુ હેવ? યોર રૅગ્યુલર – કેફે લાતે લાર્જ??..” જવાબની રાહમાં પાછું એવુ જ સ્માઈલ આપીને ઉભો રહી ગયો. સપના એ હકારમાં માથુ હલાવ્યુ સાથે કહ્યુ, ” આજે લાર્જ નહીં પણ મિડિયમ લાવજે, ઉતાવળ છે…” બોલતા એની નજર છોકરાના સુઘડ યુનિફોર્મ પર ગઈ અને એની પર લગાવેલ નેઈમ-ક્લીપ પર આવીને અટકી ગઈ. આનું નામ પણ રાહુલ હતુ. રાહુલ નામ યાદ આવતા એક આછી લકીર અણગમાની એના ચહેરા પર આવી ગઈ… તરત જ આ બધુ ખંખેરીને એણે ડૉક્ટર સામે પ્રશ્નસૂચક નજરે જોયુ.
ડૉક્ટર રાહુલની સામે જોઈને તરત જ બોલ્યા – “અમેરિકાનો – મિડિયમ – નો મિલ્ક”.
ડૉક્ટરને ખબર નહોતી પડતી કે વાત ક્યાંથી ચાલુ કરે. એટલે એ આડી- અવળી વાતો કરતા-કરતા સીસીડીના કાઉન્ટર પર જોયા કરતા હતા.. કે ઑર્ડર સર્વ થઈ જાય પછી પોતાની વાત ચાલુ કરે.. સપનાને પણ ઈંતેજારી હતી અને ખાત્રી હતી કે વાત કંઈક વધારે પડતી ગંભીર છે; પણ, પાછલા ૫-૬ અઠવાડિયાના ઘટનાક્રમે એને એકદમ જ વધારે પાકટ બનાવી દીધી હતી અને એણે ચહેરા પર સાવ સામાન્ય ભાવ લાવીને ડૉક્ટર સાથે અન્ય વાતો કર્યા કરી ઑર્ડર સર્વ થતા જ સપનાએ પોતાની કૉફીનો કપ નજીક કરી, સુગરની એક પડીકી ફાડીને પોતાના કપમાં નાખી અને કૉફી વડે હલાવતા-હલાવતા પોતાની રિસ્ટવોચ પર નજર નાખી અને એક પ્રશ્નસૂચક નજર ડૉક્ટર પર નાખી..
ડૉક્ટર પણ સમજી ગયા હોય એમ પોતાની કાળી ગરમા-ગરમ કૉફીનો એક નાનકડો સિપ લઈને હોઠ પર જીભ ફેરવીને સપનાની આંખોમાં આંખો પરોવીને બોલ્યા “તમે રાહુલને ઓાળખો છો ને??” વલ્લભ એન્ટરપ્રાઈઝ વાળા રાહુલ ગાંધીની વાત કરુ છુ..”,
એકદમ સ્વસ્થતાથી સપના એ જવાબ આપ્યો;
“હા, કેમ? એના લીધે અમને શેઠ એન્ડ કંપનીને ઘણી મોટી ડીલ મળી છે અને અમારા એ બિઝનેસ કલીગ છે..” સપનાએ અવાજ અને બોડી લેન્ગવેજ સ્થિર રાખ્યા.
“તમારા હસબન્ડ સંયોગની આજની હાલત પાછળ એ રાહુલ નો જ હાથ છે એની તમને ખબર છે??”
ડોક્ટરને સપનાના મોં પર જે ભાવો જોવાની અપેક્ષા હતી, બરાબર એવા જ ભાવ લાવીને સપના એ પોતાના હાથમાંનો કપ કાચની ટીપોય પર જોરથી મુક્યો.. આમેય સપનાને નવાઈ તો લાગી જ હતી એ વાતની નહીં કે રાહુલ ગાંધી આ બધામાં સંડોવાયેલો છે; પણ એ વાતથી કે ડૉક્ટરને આ બધી વાતની જાણ છે. સપનાએ નક્કી કર્યુ કે એ પોતાની એક્ટીંગ ચાલુ રાખશે.. પણ આખી વાત કઢાવીને જ રહેશે.આવેલા ઝટકાને પચાવવા સમય લેતા એણે હાથમાં મોબાઈલ લઈ અવનીને ઘરે જલ્દી પહોચવા મેસેજ આપી દીધો .
પછી ચહેરા પર ચિંતા-ગુસ્સો-ઈતેજારીના ભાવ લાવી દીધા. અને ડૉક્ટરે આખી વાત એક શ્વાસે સપનાને કહી દીધી..સંયોગનું હોસ્પિટલ આવવું ,અજાણ્યા નંબર પરથી સંયોગને સરકારી દવાખાને મોકલવા . પોતાનો ઇન્કાર , અને થોડા કલાકો પછી ફોન પર એમની દીકરીનો રડતો અવાજ , અને એમણે કરેલી સારવારમાં ઢીલાશ આ બધું કહેતા ડોક્ટર ભાંગી પડ્યા .
“સપના શેઠ, છેલ્લા પાંચ અઠવાડીયાથી હું મારા મન પર આ બોજ લઈને ફરતો હતો; આજે આ કહ્યા પછી મનમાં હળવાશ લાગે છે; તમે કહેશો એ સજા ભોગવવા તૈયાર છુ. પણ, હવે મી સંયોગની વિશેષ કાળજી રાખવી પડશે ” જેમ જેમ ડૉક્ટર પોતાની વાત કરતા જતા હતા તેમ-તેમ સપનાની આંખોમાં ગુસ્સો વધતો જતો હતો.. જ્યારે વાત પૂરી થઈ ત્યારે તેની આંખોના ડોળા લાલ ઘૂમ થઈ ગયા હતા, ગૌર ચહેરો સિંદુરિયો થઈ ગયો હતો..એને રાહુલ પ્રત્યે ગુસ્સો હતો પણ એ આટલી હદે જઈ શકે એનો એને અંદાજ નહોતો.. સૌ પહેલુ કામ એણે ઘરે ફોન કરીને કાંતાબેનને કહીને સ્નેહા સાથે વાત કરવાનુ કર્યુ. કારણ કે જે વ્યક્તિ સિમલામાં રહેલી દિકરીને એક જ દિવસમાં ઉઠાવી શકે એ પોતાના જ શહેરમાં રહેતી દિકરીને તો અડધા કલાકમાં ઉઠાવી લઈ શકે.. પણ, સબ-સલામત હતું .
ફોન પતાવી સપનાએ પ્રશ્નસૂચક નજર ડૉક્ટર સામે નાખીને કહ્યુ; “વૅલ, આપનો વાંક હું નથી જોતી, કારણ કે હું પણ એક દિકરીની મા છુ. પણ, તમે આ વાત એ સમયે જ મને કરી શક્યા હોત; તો જલ્દીથી રસ્તો નીકળત.” પછી ઘડિયાળ સામે નજર નાખી અને કીધુ “અત્યારે મારે મોડુ થાય છે; એટલે જલ્દી જવુ પડશે. પણ, હવે તમે અમારી સૂચના મુજબ ચાલશો તો ખાતરી આપુ છુ કે તમારી દિકરીને ઉની આંચ પણ નહી આવવા દઈએ. પછી ભલે ગમે એવો ચમરબંધી આપણી સામે હોય….” અને પછી ડોક્ટરે કેવી રીતે વર્તવુ અને શુ શુ કરવુ, શુ ન કરવુ અને ક્યારે કયા નંબર પર ઈમરજન્સીની જાણ કરવી વગેરે વગેરે સુચનાઓ આપીને બીલ ચુકવીને છૂટા પડીને બહાર આવી. ફરી રિસ્ટવૉચમાં નજર નાખી.. સ્વગત બબડી અડધો કલાક લેઈટ. હોપ અવની અનંતને સારી કંપની આપતી હશે.. અને સડસડાટ ગાડી ઘર તરફ મારી મૂકી.
અવની પહોંચ્યા પછી તરત અનંત પહોચ્યો .. પણ સપના હજી નહોતી આવી …પોતાના ભાઈ ની અપરણિત વિધવા જોઇને અનંતનું મન તૂટી રહ્યું હતું . અવનીને પણ એની સામે બેસતા સંકોચ થયો ..ઉપસી રહેલા પેટ , અને ગુસ્સે ભરાયેલા માબાપ બેયને મેનેજ કરવા હવે અવની માટે આકરા થઇ રહ્યા હતા.સપનાંને મદદ કરવાને બહાને એ સ્નેહાની સંભાળ લેવા અહીં રહેતી . અનંત સામે પોતાની અવસ્થા અને અસ્વસ્થતા છૂપાવવા એણે ટીવી પાસે પથરાયેલી મ્યુઝીક સીસ્ટમની સ્વીચ દબાવી દીધી .આખા રૂમમાં અનંતનો ઘેરો અને દર્દીલો અવાજ ફેલાઈ ગયો . સપનાના પ્લેયરમાં એના દોસ્તના ગીતો જ વાગે એમાં કશી નવાઈ ન હતી. આંખ બંધ કરી અનંત બેઠો રહ્યો ત્યાં જ સપના બારણુ ખોલીને ઘરમાં પ્રવેશતા જ સ્નેહા દોડીને એને વળગી પડી… અને સપના પોતાના બંને મહેમાનોને સોરી કહી ફ્રેશ થઇ આવી .જમતા વખતે ઘણી બધી અગત્યની વાતો ચાલી. અનંત-અવની ઘરે જવા રવાના થયા. ગાડીમાં તેને સહી-સલામત ઘરે પહોંચાડી અનંત ઘરે આવ્યો.
જ્યારથી સપનાને “વસ્ત્ર”ની બહાર રડતી જોઈ હતી ત્યારથી અનંતનુ મન ખાટુ થઈ ગયેલુ હતુ અને એના પછી બનેલી ઘટનાઓ એ એને હલબલાવી મુક્યો હતો અને જીવથી યે વહાલા એવા નાના ભાઈ અનિકેતને ગુમાવ્યા બાદ તો એ અંદરથી સાવ ભાંગી પડ્યો હતો. હજુ થોડા વખત પહેલા જ એની ચિતાને ઠંડી પાડીને આવ્યા હતા, એના ક્રિયા કર્મ પતાવ્યા હતા.. પણ, મન માનવા તૈયાર ન હતુ કે અનિકેત હવે એમની સાથે ન હતો.
— વત્સલ ઠક્કર

No comments:

Post a Comment