મીસીસ મેનન દરવાજાની સામે આવીને ઉભા રહ્યા અને ડોર-બેલનું બટન દબાવ્યું દરવાજો ખુલ્યો,
“કાર્તિક ? હી સ્ટેઝ હિયર ?” -મીસીસ મેનને પૃછા કરી.
“યુ આર હીસ મોમ..રાઈટ ? વેલ કમ..પ્લીઝ કમ ઇન..” -સલોનીએ નમ્રતાપૂર્વક તેમને આવકાર્યા.
મીસીસ મેનન રૂમમાં પ્રવેશ્યા અને આજુબાજુ ચોમેર નજર ફેરવી. તેમના દીકરા કાર્તિકના જુના ઘરમાં તેઓ આની પહેલાં પણ જઈ ચુક્યા હતા પણ તેમાં અને આ નવા ઘરમાં દેખીતો તફાવત જણાતો હતો. જુના ફર્નીચરની અમુક આઈટમો જેમની તેમ હતી, ઉપરાંત થોડું નવું રાચરચીલું પણ ઉમેરાયું હતું. સૌથી વધુ ફરક ઉડીને આંખે વળગે તે એ હતો, કે હવે આ ઓરડો ‘બેચલર્સ-બોગી’ અથવા તો ‘વાંઢા-વિલાસ’ જેવો બિલકુલ લાગતો ન હતો. ઘરની ગોઠવણીમાં અને સાર-સંભાળમાં કોઈ સ્ત્રીનો હાથ ફરી ચુક્યો છે, તે અચૂક જણાઈ આવતું હતું. સાફ-સુથરાઈ અને સુઘડ ગોઠવણી જાણે કે ઓરડાની શોભામાં અનેરો વધારો કરતા હતા.પણ મિસીસ મેનનને આ બધી વાતોમાં અત્યારે ઝાઝો રસ ન હતો. તેને તો મળવું હતું એ યુવતીને કે જેણે બેલ મારતાની સાથે દરવાજો ખોલી તેમને આવકાર્યા, અને ઘરમાં પ્રવેશ આપી અંદર પાણી લેવા ગઈ હતી.
“તો આ ટુ બી.એચ.કે ફ્લેટ છે?” સલોનીએ લાવેલ પાણીનો પ્યાલો હાથમાં લેતા મીસીસ મેનન બોલ્યા.
“નો, વન બીએચકે.. આવોને અંદર.. ઘર જુવોને..”
પાણી પીને મીસીસ મેનન સલોનીની પાછળ પાછળ અંદર ગયા.
“આ કિચન..” -લીવીંગ રૂમમાંથી રસોડામાં આવતા સલોની બોલી, અને એક ક્ષણ ખમી આગળ વધી અને કહ્યું- “અને આ બેડરૂમ..”
“એક જ બેડરૂમ અને એક જ બેડ..” -મીસીસ મેનને રીએક્શન આપ્યું.
“યસ..”
“તમે બંને એક જ બેડ શેઅર કરો છો?
“આંટી, એ તો.. ”
“લીસ્સન..આ ‘આંટી..વાંટી’ કહીને કોઈ રીલેશન બનાવવાની જરૂર નથી..પ્લીઝ’
“ઓકે.. તો મીસીસ મેનન.. તમને કાર્તિકે ઓલરેડી કહ્યું જ હશે કે અમે લીવ-ઇન રીલેશનમાં છીએ.” -સલોનીએ ખુબ જ સ્વસ્થતાપૂર્વક જવાબ આપતા આપતાં પાછા લીવીંગ રૂમ તરફ પ્રયાણ કર્યું. મીસીસ મેનન પણ લીવીંગ રૂમમાં આવ્યા.
“પ્લીઝ બી સીટેડ..” -સલોનીએ ફરી વિવેક દાખવ્યો.
“યસ..એણે મને ઇન્ફોર્મ કર્યું છે.” -મીસીસ મેનને સલોની તરફ નજર કરવાની દરકાર કર્યા વિના કહ્યું.
“તો પછી? આવો સવાલ ? આ તો સમજવાની વાત છે ને..”
“જો સલોની.. કાર્તિક સાથે મારી ડીટેલમાં વાત નથી થઇ. એ તો ચેન્નઈ ભાગ્યે જ આવે છે. ફોન પર વાત કામની જ થાય છે. આ તો હું મુંબઈ આવી’તી તો થયું તેને મળી લઉં અને તેની લાઈફમાં શું ચાલી રહ્યું છે તે જાણી લઉં. આફ્ટર ઓલ..હી ઈઝ મય સન..અને મને હક્ક છે.”
“યસ, ડેફીનેટલી..અને કાર્તિકે મને તમારા મુંબઈ એરાઈવલની વાત કરી હતી. બટ અનફોર્ચ્યુનેટલી તેને એકએક ચંડીગઢ જવાનું થયું. એટલે..”
“ઓકે.. ફાઈન. બટ લેટ મી ટેલ યુ.. આ લીવ-ઇન રીલેશન અને એવું બધું.. મને ખબર ન પડે.. ”
“હાઉ કેન યુ સે ધેટ મીસીસ મેનન..? તમે તો જમાનાની સાથે ચાલનારા લેડી છો. ઇન ફેક્ટ આજથી ત્રીસ વર્ષ પહેલા તમે.. એક ગુજરાતી યુવતીએ એક તમિલ જીવનસાથી સાથે લગ્ન કરવાનું બોલ્ડ ડીસીઝન લીધું હતું. વેલ અહેડ ઓફ ધેટ ટાઈમ.”
“હા, બોલ્ડ હતું..પણ સાથે સાથે નૈતિકતાના ધોરણે કંઈ ખોટું ન હતું.. જ્યારે તમે લોકો તો લીમીટ ક્રોસ કરી રહ્યા છો. વિધાઉટ મેરેજ તમે લોકો..”
“નૈતિક કે અનૈતિક..એ બધું અમને નક્કી કરવા દો ને, પ્લીઝ.. ઇટ્સ આવર લાઈફ..”
“હા, સલોની..તારા જેવી યુવતીઓ જયારે આ યુગમાં જન્મે પછી નૈતિક-અનૈતિક જેવું બચે જ શું? તારી લાઈફના નિર્ણય તું લે..આઈ ડોન્ટ કેર..પણ આમાં તો મારો દીકરો પણ ઇન્વોલ્વ છે. એન્ડ આઈ ફિલ વેરી સોરી, કે એ તારા ટચમાં આવ્યો અને એટલે એણે આવો નિર્ણય લીધો.’
“લુક મીસીસ મેનન..મેં કોઈ ફોર્સ નથી કર્યો તેની ઉપર. ૨૯ વર્ષનો સમજદાર મેચ્યોર્ડ જવાન છે એ.”
“પણ દોષ તો તારો જ છે એમાં. તે એને ફોર્સ નહી કર્યો હોય પણ એનકરેજ તો કર્યો જ હશે. તે ના પાડી હોત તો એ એકલો તો આવું પગલું ન જ ભરત”
“એટ લાસ્ટ..! તમને વાંક તો મારો જ દેખાયો. દોષિણી તો હું જ બની. મારી સાથે આ બધી ચર્ચા કરતા પહેલા, ઈટ વોઝ બેટર કે તમે એના વ્યુઝ જાણી લીધા હોત.”
“એટલે જ હું આવી’તી. બટ યુ સી…..એની વે, તમારી આ સગવડભરી ગણાતી એરેન્જમેન્ટના બેનીફીટ શું છે..કેન યુ બ્રીફ મી ઓન ધેટ?
“વેલ.. મને નથી ખબર હાઉ મચ યુ વિલ એગ્રી.. પણ તો યે.. લેટ મી ટ્રાઈ..’
“ગો અહેડ..”
“કાર્તિક અને મારું કરિયર એકદમ સંતોષજનક છે. અને લગ્નનો નિર્ણય લઇને અમે બેઉ હાલમાં કોઈ રિસ્ક નથી લેવા માંગતા.. કારણ આ પગલું ભર્યા પછી એમાં પીછેહટ કરવી મોટેભાગે મોંઘી પડી જતી હોય છે. લગ્ન પછી પતિ પત્ની એક બીજાને ‘એઝ ગ્રાન્ટેડ’ લઇ લેતા હોય છે. ‘ઘરકી મુર્ગી દાલ બરાબર’. જયારે અત્યારે અમને એકબીજાની સાથેનો તાલમેલ ચેક કરવાનો મોકો મળે છે. એક ઝલક મળે છે કે આની સાથે મેરીડ લાઈફ કેવી હશે. સેક્સ, રીલીજન, દોલત, વગેરે જેવી બાબતમાં એકબીજાના મત ખુબ વિસ્તારમાં જાણવા મળે છે. નિરાલી.. મારી મોટીબેન..એના લગ્ન અને ડિવોર્સ બંને થઇ ગયા છે. અને એટલે જ મને એક વાતનો ખ્યાલ છે કે મોટેભાગના મેરીડ કપલની સામે રોજે રોજ તેના લાઈફ-પાર્ટનરની કોઈ અલગ જ બાજુ નજર આવતી હોય છે, જેને જોઇને તેઓ એમ વિચારતા હોય છે કે આ બધું મને પહેલા કેમ ન દેખાણું. કોઈને બહાર પબ્લિક પ્લેસમાં મળવું અને ઘરની પ્રાઈવસીમાં જોવો.. કામેથી થાક્યા-પાક્યા આવ્યા પછી એકબીજા પાસેથી કેટલું અને શું એક્ષ્પેક્ટ કરવું અને એમાંથી કેટલું ફૂલફીલ થાય છે એ જોવું.. વગેરે વગેરે.”
“ઓહ..તે તો જાણે આ વિષયમાં પી.એચ.ડી. કર્યું હોય એવું લાગે છે..”
“મીસીસ મેનન. તમે મને બ્રીફ આપવાનું કહ્યું એટલે..ઓર એલ્સ, લેટ અસ નોટ ડિસ્કસ ધીસ..!”
“નહીં નહીં..કેરી ઓન.. એક વર્કિંગ વુમનના હિસાબે તે તો તારા પૈસાનો..તારી મુડીનો પણ ખ્યાલ રાખ્યો હશેને આમાં તો..!”
“કોણ નથી રાખતું આજ કાલ..? મીસીસ મેનન.. આ જ તો બ્યુટી છે આ રીલેશનની.”
“ઓ કે..?” -મીસીસ મેનનના અવાજમાં ભરપુર કટાક્ષ વર્તાઈ આવતો હતો- “મને તો ખબર જ નહીં કે આમાં કંઈક બ્યુટીફૂલ પણ છે,”
“લુક મીસીસ મેનન. હું એક મિડલ-ક્લાસ ફેમીલીની છું. અને મને ખબર છે કાર્તિક પાસે પણ કોઈ બાપદાદાની જાયદાદ નથી. તેના ફાધરના ડેથ પછી તમે એને કઈ પરિસ્થિતિમાં મોટો કર્યો તે તમે પણ જાણો છો, અને હું પણ. કાર્તિકે મને બધું કહ્યું છે.”
“બહુ બધું શેઅર કર્યું છે તમે બંને એ, આઈ નો..” -મીસીસ મેનનના અવાજની કડવાશ જળવાઈ રહી હતી. પણ સલોનીએ તેની અવગણના જ કરી.
“બટ યસ.. જસ્ટ ફોર મની, કોઈ માલેતુજાર નબીરાને પરણીને જિંદગીભર તેની હામી ભરવી મારા સેલ્ફ-રીસ્પેક્ટના ભોગે..તે મને મંજુર નથી. સીમીલરલી, કાર્તિકની પણ એવી કોઈ ઈચ્છા નથી કોઈ બીગ શોટ ફેમિલીની છોકરી સાથે મેરેજ કરીને, તેનાથી અને તેના મા-બાપના પૈસાથી જિંદગીભર ઈમ્પ્રેસ થઈને રહેવાની.”
મીસીસ મેનન ચુપ રહ્યા. આ છોકરી જે કહી રહી હતી તે વાત ઓછાવત્તા અંશે તેઓ જાણતા હતા. કાર્તિક ખુદ્દાર યુવાન હતો. અને તેઓ કાર્તિકના આ સ્વભાવને ઓળખતા હતા. પણ તે છતાં ય જયારે સલોનીએ આ જ વાત દોહરાવી, ત્યારે તેમને કોઈએ જાણે કડવી દવા ફરીથી પીવડાવી દીધી હોય તેમ તેમનું મોઢું કટાણું થઇ ગયું. અને તો ય અત્યારે તેમણેઆ વાત તો છેડવી પડે તેમ જ હતી…
“કાર્તિક માટે તારે જે સમજવું હોય તે.. પણ જો સલોની અત્યારે મારા હાથમાં એક ખુબ જ મોટા ઉદ્યોગપતિની દીકરીની વાત છે. હું જ્યાં જોબ કરું છું, તે કંપનીના એક ક્લાયન્ટની છોકરી છે. તેઓ કાર્તિકને એકાદ વાર દિલ્હીમાં મળ્યા પણ છે અને તેમને કાર્તિક પોતાની દીકરી માટે ખુબ જ યોગ્ય લાગ્યો છે. છોકરી એજુકેશનના હિસાબે કાર્તિક કરતાં થોડી ઉતરતી છે. પણ એકદમ બ્યુટીફૂલ છે. તો જો, એક વાત લેટ-ગો કરી હોય તો મારી ઈચ્છા છે કે કાર્તિકના મેરેજ એ ફેમિલીમાં કરવા પરફેક્ટ ડીસીશન છે.”
“ઓકે.. તમે કાર્તિકને વાત કરી જુઓ. “ –સલોની એકદમ સ્વસ્થતાપૂર્વક બોલી કારણ તે કાર્તિકને ઓળખતી હતી, તે જાણતી હતી કે કાર્તિક આ બાબતમાં કોઈ કાળે તૈયાર નહીં થાય- “બટ આઈ એમ સરપ્રાઈઝડ કે તમે તમારા દીકરાને આટલી ઉમરે ય ઓળખી નથી શક્યા.”
“વોટ ડુ યુ મીન ?”
“બાઈ ધ ગ્રેસ ઓફ ગોડ અત્યારે એ અને હું બંને ખુબ સરસ કમાઈયે છીએ. પણ મુંબઈમાં સારી લોકેલીટીમાં ફ્લેટ લેવો એટલો સહેલો નથી, યુ નો ધેટ. તો અમે આ ફ્લેટ શેઅર કરીયે છીએ. ફ્લેટનું ભાડું, રોજે રોજના ખર્ચા, વગેરે અમે સરખે ભાગે ડીવાઈડ કરીએ છીએ. અમારી બંનેની પ્રાઈવેટ સેવિંગ્સ છે જેની ઉપર એકબીજા નજર પણ નથી નાખતા. બટ એટ ધ સેમ ટાઈમ, જરૂર પડે એક બીજાને ફાઈનેંશીયલ હેલ્પ પણ કરી લઇએ છીએ. તો અમે બંને આનાથી ખુબ સેટીસફાઈડ છીએ. ડુ યુ થીંક કાર્તિક આટલી ખુદ્દારી છોડીને તમારી પસંદની છોકરી સાથે લગ્ન કરશે? ઇફ યસ.. તો ઠીક છે તમે ટ્રાઈ કરી જુઓ.”
“ ખુદ્દારી ભરી જીંદગી એક વાત છે અને આ તો લગ્ન પહેલા જ સેક્સ.. અને એ પણ..”
“લુક મીસીસ મેનન લગ્ન પહેલા સેક્સ ઘણા પ્રેમીઓ માણતા હોય છે. પણ એ ફક્ત પા-અડધા કલાકની એક્ઝાઈટમેન્ટ હોય છે. જ્યારે અમે તો એકમેકનો સહવાસ માણવાની સાથે એકબીજાનું પરફોર્મન્સ પણ જજ કરીએ છીએ અને એ બાબતમાં સજેશન પણ આપીએ છીએ. એક પત્નીનું એવું કોઈ સજેશન તેના પતિના ઇગોને બહુ ઇઝીલી હર્ટ કરી જાય પણ એક ફ્રેન્ડનું નહીં. એન્ડ કાર્તિક અને હું, વી બોથ આર સ્ટીલ ફ્રેન્ડ્સ. બીસાઈડ ધેટ એક વાત હું અહી એ પણ ક્લીઅર કરી દઉં કે મારી બહેન નિરાલીના મેરેજ બ્રેકઅપનું કારણ સેકસુઅલ જ હતું. પણ કોણ ક્યાં ઓછું પડ્યું..લેટ અસ નોટ ડિસકસ ધેટ.”
“જો તમે એકબીજાથી આટલા સેટીસફાઈડ છો તો મેરેજ કેમ નથી કરી લેતા. ?
“અમે એક બીજાને બે વરસથી જાણ્યા પછી જ અમારા આ રીલેશનને નેક્સ્ટ..અપર લેવલ સુધી લઇ જવાનો નિર્ણય લીધો છે, અને એટલે જ સાથે રહીએ છીએ.. રોજ રોજ બહાર મળવા અને ઘરમાં સાથે રહેવામાં ઘણો ફરક હોય છે. બહાર મળતા, ત્યારે બસ એક બીજાને ઈમ્પ્રેસ કરવાની વાત હતી, સારી સારી હોટેલ્સમાં ડીનર અને ખાલી ખીસ્સે પણ તેનાં બિલ્સ ચુકવવાની જીદ..ચાર ડગલાં દુર થીએટર સુધી પણ ટેક્સીમાં લઇ જવાની ફોર્માલીટી વગેરે વગેરે. બટ યુ સી..આ બધું હવે વેનીશ થઇ ગયું છે..“
“ઓકે.. તો પછી હવે તમારાં આ રીલેશનનું નેક્સ્ટ લેવલ મેરેજ ક્યારે આવવાનું છે ?” –મીસીસ મેનનને આ બોલ્ડ છોકરીની વાતો બોલ્ડ નહીં પણ બ્લંટ લાગતી હતી તેમને આની સાથે વાત કરવામાં કોઈ રસ નહોતો આવતો, તો પણ તેમના ભવિષ્યના પ્લાન જાણવા આ પ્રશ્ન કર્યો.
‘એ તો સમય જ કહેશે. લેટ અસ નોટ વરી નાઉ..”
“જો સલોની, તું એમ બિલકુલ ન સમજતી કે તારી આ બધી વાતોથી હું ઈમ્પ્રેસ થઇ ગઈ છું. આઈ એમ ડેફીનેટલી ગોઇંગ તો ટોક વિથ કાર્તિક, કારણ હું આ તમારી લાઈફ-સ્ટાઈલને બિલકુલ એપ્રુવ નથી કરતી. અને હજી પણ મને લાગે છે કે આમાં ટોટલ વાંક તારો છે. આટલા ‘અગાઉ’ વિચાર રાખવા એ સારી વાત નથી.”
“મીસીસ મેનન, હું માનું છું કે એક જમાનામાં કોઈકે તમને પણ આવું જ કંઇક કહ્યું હશે તમારા ‘અગાઉ’ વિચારો માટે. તમારા ઇન્ટર-કાસ્ટ મેરેજને બધાયે તો એપ્રુવ નહીં જ કર્યા હોય.”
“આઈ વિલ મેક અ મુવ..નાઉ ” –સલોનીની આ ટકોરને ગણકાર્યા વગર મીસીસ મેનન બોલ્યા- “ઇટ્સ ટાઈમ ફોર માય ફ્લાઈટ..”
અને કંઈ પણ વધુ બોલ્યા વગર તેમણે ઘરની બહાર જવા માંડ્યું. સલોની તેમને જતાં જોઈ રહી. તેને અફસોસ હતો કે એક સ્ત્રી થઇને પણ તેઓ બીજી સ્ત્રીની મેન્ટાલીટી સમજી નથી શક્યા, અને બધો વાંક તેમને સલોનીનો જ લાગ્યો. પોતે અને કાર્તિક બંને એકબીજાને સમજીને ધીમે ધીમે આગળ વધી રહ્યા હતાં, તેમ જ કોઈ પાસેથી કંઈ જ અપેક્ષા નહોતી રાખી. અને જો આમાં વાંક હોય, તો બંનેનો હોવો જોઈએ. પણ ના, અત્યારે દોષનો આખો ટોપલો તેની માથે જ ઢોળવામાં આવી રહ્યો હતો. દોષિણી તે એકલી જ ગણાતી હતી.
— અશ્વિન મજીઠીયા
No comments:
Post a Comment