Thursday, April 2, 2015

કથા કડી - ૨૭ [રમેશ લાખાણી]

વ્યોમાના મનમાં ચાલતું મનોમંથન તેને પોતાના ભૂતકાળમાં ડુબાડી રહ્યું હતું. તેનું મગજ વિચારી રહ્યું હતું કે આ કોણ હશે? કોણ હશે જે મારા જુના ભૂલાયેલા ભૂતકાળને ફરી બેઠો કરવાની કોશિષ કરી રહ્યું છે. જે મારું હયાતીનું નામ ‘વ્યોમા રાહુલ’ નહિ, પરંતુ મારા જુના નામ ‘વ્યોમા સાકળચંદ’ના નામથી મને સંબોધીને મારા ભૂતકાળને ઢંઢોળી રહ્યું છે..?
અને એક અજાણ્યા વ્યક્તિના આવેલ ફોનથી વ્યોમાના માનસપટ પર એક વાવાઝોડું સર્જાઈ ગયું. કેમ કે જો ફોનમાં કહેવાયેલી વાતો સાચી હોય તો વર્ષોથી સમાજને દુનિયાએ વ્યોમાને ‘વાંઝણી’ શબ્દનું લેબલ આપ્યું હતું, એ તો એક મિનીટમાં ભુંસાઈ જાય એમ હતું. પરંતુ તોય, વ્યોમા એ મુઝવણમાં હતી કે, -એ અજાણી વ્યક્તિની વાતમાં સચ્ચાઈ કેટલી? કારણ કે વર્ષો પહેલા તેના પિતાજી સાકળચંદે તો તેને એવું કહ્યું હતું કે, તેનું બાળક તો મૃતાવસ્થામાં જનમ્યું હતું.
તો પછી સાચું શું ? કોણ સાચું? તેના પિતા? કે આ અજાણી વ્યક્તિ કે જેણે તેને ફોન કરીને આ જૂની વાત ઉખેળી હતી? જો તે વ્યક્તિ સાચી હોય તો શું ઉદ્દેશ હતો આટલી જૂની વાત અત્યારે ઉખેળવાનો ? ને વ્યોમાનું મન બસ આ જ બધી વાતોમાં ચકરાવે ચડી ગયું કે – “એક વાર માટે માની લઉ કે મારું એ બાળક જીવીત છે, તો પછી એ છે ક્યાં અત્યારે? અને કઈ હાલતમાં છે? અત્યાર સુધી એનો ઉછેર ક્યાં થયો હશે?
આ બધી વાતો વ્યોમાના મન પર ઘેરી અસર કરી વળી કારણ વ્યોમા પોતે  એવું જ ચાહતી હતી કે ફોનમાં કહેલ વાત સાચી હોય. તેનું સંતાન જીવતું હોય. કેમ કે અત્યાર સુધીની સંતાનવિહોણી અવસ્થાની પોતે જે વેદના અનુભવી હતી, એ તો હજારો વિંછીના ડંખની પીડાથી ય વસમી હતી.
બસ, આજ વિચારોમાં વ્યોમા વધારે ઊંડે ને ઊંડે ઉતરતી જ ગઈ. તેનું સંતાન જીવિત હોવાની આશા તેની કોરીભઠ્ઠ મનોભૂમિમાં મમતાની સંવેદનાભરી લાગણીઓના બીજને અંકુરીત કરી ગઈ. અને એટલે જ એણે વિચાર્યું કે ભલે કંઈ પણ થાય, હું મારા પોતાના કાળજાના ટુકડા જેવા સંતાનના અસ્તિત્વને, એનાં ઠામ ઠેકાણાથી માંડી એની આજની હાલતની ભાળ ક્યાંયથી પણ મેળવીને જ રહીશ. કોણ જાણે કેમ, પણ કાયમ અત્યાધુનિક મોર્ડન વસ્ત્રો પહેરનાર વ્યોમાને આજે ભારતીય નારીનો મૂળ પોષાક, એવી સાડી પહેરવાની ઈચ્છા  થઇ આવી, અને પોતાના એ જ સાડલાનાં ખોળામાં પોતાના બાળકને સૂવડાવવાની કલ્પનાથી અને એનાં અહેસાસથી તેની આંખોનાં ખુણાં ભીનાં થઈ ગયાં. ગળે જાણે ડૂમા જેવું ભરાઈ આવ્યું.
આજે કોણ જાણે કેમ સપનાના પગમાં એક અજબ પ્રકારનું જોશ ને જોમ પ્રગટી રહ્યું હતું. એ જલ્દી હોસ્પિટલ પહોચી. ફટાફટ લીફ્ટમાંથી બહાર નીકળીને સીધી ડો.માથુરની કેબીન તરફ પહોંચી. ત્યાં જ ડો. માથુર સામે મળી ગયાં ને એમણે સપનાને જોતા જ કહ્યું,
“હેલ્લો સપનાબેન..કેમ છે ? તમે ફક્ત પાંચજ મિનીટ થોભો, બસ હું જસ્ટ આવ્યો.”
“ઓકે. હું અહી જ, બહાર જ તમારી રાહ જોઉં છું.” સપનાએ કહ્યું..
ત્યાં તો અનંત પણ આવી ગયો .
“હાય સપના, હવે કેમ છે સંયોગ ને..?”
સપના બોલી, “અનંત મારે તમને એક વાત કહેવી છે.”
અનંત બોલ્યો, “બોલ, શું છે એવું ?”
સપના અનંતની બાજુમાં જઈને બોલી, “અનંત, મને કેમ એવું લાગે છે કે રાહુલ ભલે જેલમાં હોય, પણ હું વિચારું છું ત્યાં સુધી હજુ પણ એ કંઈક નવા પ્લાનમાં જ હશે અને આપણને હેરાન કરવા કંઈક નવી ખુંખાર ચાલ રમી નવો બખેડો ઉભો કરશે જ …”
આટલી વાત સાંભળતા અનંત બોલ્યો, “ડોન્ટ વરી સપના, હું બેઠો છું ને., બસ તમે વધારે ટેન્શન ના કરો, હું એ રાહુલના બચ્ચાનાં એકેએક કારસ્તાનથી વાકેફ થઈ ગયો છું અને હવે હું પણ જોઉં છું કે એ હવે આપણું શું બગાડે છે ?”
“અરે અનંત..? હાઉ આર યુ ?” ડો. માથુર બોલ્યા
“આઇ એમ ઓકે સર. બટ નાઉ સંયોગ ઈઝ બેટર નો?” અનંત બોલ્યો ” મારે ખાસ એક વાત કહેવી છે તમને, કે સંયોગ તમારી સારવાર હેઠળ હવે સાજો થઇ રહ્યો છે તે વાતની બહાર કોઈને જાણ ન થાય !”
ડો. માથુર બોલ્યા “એની પ્રોબ્લેમ અનંત ?”
અંનત બોલ્યો “સુતેલો સાપ, ને સુતેલા દુશ્મન.. બંને સુતા જ સારા..!”
“ઓહ..યસ..!” ડો. માથુર સમજી ગયા કે અનંત કહેવા માંગે છે, કે જલદી સંયોગને સાજો કરો અને રજા આપો. “ઓકે, ચિંતા ના કરો મિ.અનંત, જો સંયોગની આમ જ રીકવરી રહેશે, તો હું આવતા ૧૫ દિવસમાં તેને ડીસ્ચાર્જ આપી શકાશે. અને હું તો એવું ઇચ્છું કે હવે એને જેમ બને એમ જલદી હોસ્પીટલનાં વાતાવરણમાંથી ઘરનાં સભ્યોની લાગણીભરી સંગત નસીબ થાય ! અને એ જ, આગળનાં તબક્કે એની સારવારનો એક મહત્વનો હિસ્સો બની રહે.
“ઓહ વેરી ગુડ..!” સપના બોલી.
રાત્રે પોલિસ લોકઅપમાં સુઈ રહે રહે રાહુલના કાનમાં મંત્રી યશપાલના શબ્દો હવે ઉંઘમાં પણ શુળની માફક સતત ભોકાઈ રહ્યા. અને ત્યાં જાણે ઊંઘમાં જ બેચેની વધી જતી હોય એવું લાગતાં, એનાંથી સફાળા જાગી જવાયું. અને જોયું તો અડધી રાત વીતી હતી. ઉભા થઇને માટલામાંથી ગ્લાસ ભર્યો તો ખરો પણ અડધો ગ્લાસ પાણી તો માંડ પીવાયું. અને બેચેની હળવી કરવા લોકઅપમાં આમ થી તેમ આંટા મારતાં મારતાં મારી વિચારી રહ્યો કે, “સાલું..ફક્ત પૈસા માટે જ આખી જિંદગી મેં આ સાકળચંદની રખડેલ, વંઠેલ અને કંઈ કેટલાય સાથે અનૈતિક સબંધ રાખનારી વ્યોમાને ઓછી સહન કરી છે, કે સાલો એનો આ છોકરો અત્યારે પેદા થઇ ગયો?”
પણ અસલ વાત પૈસાની તો હવે રહી જ નહોતી. હવે તો વાત બીજી હતી. જાણે હવે સમયનું ચક્કર ફરી ગયું હતું, કેમ કે હાલની પરિસ્થિતિમાં વ્યોમા પર લાગેલ ‘વાંઝણી સ્ત્રી’નું અપમાનજનક લેબલ સમૂળગું ભુંસાઈ જઈ મુદ્દલના વ્યાજ સહીતનાં સ્વરુપે પોતે એક નપુંસક પુરુષ છે એ મતલબનો ધબ્બો માથે ચોડી ગયું હોય એવી અકળામણ તે અનુભવી રહ્યો. હા, હવે તો પોતાના પુરુષત્વ ઉપર મોટું પ્રશ્નાર્થ લાગી ગયું હતું અને એ જ એની બેચેનીનું મૂળ હતું. પણ હવે કરી પણ શું શકાય? હવેનો સમય જાણે પોતાની વિરુધ્ધ ચાલ રમી રહ્યો હોય એમ રાહુલની પુરુષાતનના અહંને બહુ ઊંડો ઘા વાગી ચુક્યો હતો. આપણા સમાજમાં જેમ ‘વાંઝણી’ શબ્દ કોઈ સ્ત્રીને માટે શ્રાપ હોય છે તેના કરતા પણ મહા-શ્રાપ કોઈ પુરુષ માટે ‘નપુંસક’ હોવું, એ હોય છે. અને એટલે જ આવો અસહ્ય ઘા રાહુલ તેની અંદરના આત્માને લાગી ચુક્યો હોય એમ, એ મહાશ્રાપે લગાડેલ કાળઝાળ ગરમીએ એનાં મનની બેચેની વધારી દીધી. અને એથી જ એવી ગુંગણામણ દાહની પીડાથી પોતે હવે ભાન ગુમાવી રહ્યો હોય એવું તે અનુભવી રહ્યો. અને સ્વગત જ એકાએક બરાડી ઉઠ્યો કે, “વ્યોમા, વ્યોમા તે મારી સાથે દગો કર્યો છે અને આ તે બહુ જ ખરાબ કર્યું છે વ્યોમા, મેં તને બહુ સહન કરી લીધી. પણ હવે બસ, બહુ થયું ! તારે ને તારા પેલા દીકરાએ આની કીંમત આ જન્મારામાં ચુકવવી જ પડશે.” આમ બુમો પાડતાં ને લગભગ બરાડતાં રાહુલની આંખ સામે અંધારું છવાઈ જઈ રહ્યું ને લગભગ અર્ધપાગલ જેવી અવસ્થામાં તે ફસડાઈ પડ્યો.
તેની આવી વસમી હાલત જોઈ લોક-અપમાં ડોક્ટર બોલાવાતાં, ૪ થી ૫ કલાક પછી રાહુલે આંખો ખોલી તો સામે ઇનસ્પેક્ટર પરમાર ઉભેલાં જોયાં. ઇનસ્પેક્ટર પરમારે જોયું કે રાહુલે આંખ ખોલી છે તો સામે આવીને બોલ્યા, “કેમ છો રાહુલભાઈ? એવું તે તમને શું થયું કે બીજાની રાતોની નીંદર ઉડાડવાવાળાની પોતાની જ ઉંઘ હરામ થઇ ગઈ ? બધું ઠીકઠાક તો છે ને ?”
આવા સમયે આવા ખરીદાયેલા ટટ્ટુ પણ જાણે લાગ જોઈને સંભળાવવાનું ચુક્યા નહીં એવી લાગણી રાહુલને થઈ આવી. પણ રાહુલ બોલે તો ય શું બોલે ઇનસ્પેક્ટરની સામે? કેમ કે એની અંદરનો પુરુષ જ જાણે હણાઈ ગયો હતો. એ તો જાણે બીજાની સામે જોવાની તાકાત જ ગુમાવી ચુક્યાનું મહેસૂસ કરી રહ્યો હતો. ને એટલે જ નીચી મુંડીએ મૌન રહેવાનું તેણે મુનાસીબ માન્યું. પોતે નપુંસક છે એ અહેસાસનો બોજ તેના માંહ્યલાને કોરી ખાઈ રહ્યો હતો. જાણે રોમે રોમમાં બદલાની જ્વાળા ઉઠી રહી હતી, અને એજ જ્વાળાની ઝાળથી જાણે પોતે સળગી રહ્યો હતો. પણ આ વખતે એણે પોતાની જાતપર કાબુ રાખી પરિસ્થિતિની નાજુકાઈને સંભાળી લીધી ને વિચાર્યું, -બસ હવે બહુ થઈ ચુકી આ ચોર-પોલીસની રમત.
હવે તો આ લોકઅપમાંથી જલ્દીથી બહાર નીકળવું જ રહ્યું આમ વિચારતા જ એણે ઇનસ્પેકટર પરમાર પાસેથી એમનો મોબાઇલ માંગ્યો, ને ઇનસ્પેકટર પરમાર પણ પરિસ્થિતિ પારખી ગયા હોય તેમ રાહુલના હાથમાં મોબાઇલ આપતાં આપતાં બોલ્યા, “હું ય જાણું છું કે પૈસા જ ભગવાન નથી પણ ભગવાનથી કમ પણ નથી, તો આપણો તો સીધો સાદો નિયમ છે કે તમે અમને સાચવો અને અમે તમને મિ. રાહુલ.”
“બસ કરો હવે, તમારું આ ભાષણ બીજાને આપજો ને મને જલ્દીમાં જલ્દી અહીં લોકઅપમાથી બહાર કાઢવા મારા વકીલ મિ. સિન્હાને ફોન લગાવી આપો ” ઇનસ્પેક્ટરનું વાક્ય કાપતા રાહુલ બોલ્યો
બીજી જ સેકન્ડે ઇનસ્પેકટર પરમારે મિ.સિન્હાને ફોન લગાડીને આપ્યો ને સામે છેડે રીંગ વાગતા જ રાહુલ બોલ્યો, ” હેલ્લો મિ.સિન્હા, હું રાહુલ…રાહુલ ગાંધી ”
“.હા.. બોલો રાહુલ સર ”
રાહુલ જરા ઉચા અવાજે બોલ્યો, “હવે ‘સર’ને મારો ગોળી, ને મને એ બતાવો કે મારે હવે આ લોકઅપમાં હજી કેટલા દિવસ સડવાનું છે .?”
સામે છેડે મિ.સિન્હા બોલ્યા, “રીલેક્સ્ મિ. રાહુલ, સરકારી કામ છે..બધું ઉપર સુધી સેટ કરતા થોડો સમય તો લાગેજ ને..? બટ યુ ડોન્ટ વરી, આમ ઉતાવળા ના થાઓ, તમારું કામ થઇ જ જશે. થોડી પેશન્સ રાખો.”
સામે છેડે રાહુલ જોરથી ત્રાડુક્યો ને બોલ્યો, ” શું પેશન્સ રાખે માથું…? તમે પેલા સ્વામી કેશવાનંદ જેવા બાવાઓને છોડાવી શકો, તો મારા કેસમાં કેમ આટલો સમય લગાડો છો? જુઓ મિ. સિન્હા..સાંભળો,” લગભગ સત્તાવહી સ્વરમાંજ તેણે કહ્યું, “હવે જે કરવું પડે તે કરો, ને જેટલા પૈસા વેરવા પડે વેરો. પણ હું આ લોકઅપમાં હવે વધુ સડવા તૈયાર નથી, ને આજે થતું હોય તો કાલ ન જ થવી જોઈએ. જલ્દી કામ પતાવો, મારા બીજા ફોનની રાહ જોયા વગર…!!”
મિ.સિન્હા પણ હવે પામી ગયા હતા, કે રાહુલને ગમે તેમ કરી ને લોકઅપની બહાર કાઢવો પડશે,
એટલે એમણે રાહુલને શાંત પાડીને આશ્વાસન આપ્યું, ” ડોન્ટ વરી રાહુલસર, બસ બે જ દિવસમાં જેલની બહાર કઢાવાવાની ગેરેંટી હું આપું છુ.”
“ઠીક છે.” રાહુલે કહ્યું
‘ઓકે ટેક કેર..’ કહીને મિ.સિન્હાએ ફોન મુક્યો.
વકીલ મિ.સિન્હાનો મોબાઈલ નં વ્યોમાના મોબાઈલ સ્ક્રીન પર ચમક્યો. વ્યોમાએ રીસીવ કરતાં જ સામે છેડે સિન્હા બોલી રહ્યો, “હેલ્લો વ્યોમા મેડમ? આજે રાહુલસરના કેસની કોર્ટમાં તારીખ છે, તો તમે આવો છો ને ?”
સામ છેડે તાજેતરની બનેલ ઘટનાઓથી સભાન બનેલ વ્યોમાએ થોડીવાર રહીને પોતાનાં અવાજના ભાવને સામેનો કળી ન શકે એમ કહ્યું, “અફ કોર્સ..!”
બસ, એટલું કહી ફોન મૂકતાં વ્યોમાએ થોડીવારમાં કોર્ટ તરફ રવાના થવાનું નક્કી કરી તરત જ ડ્રાઈવરને સૂચના આપી. રસ્તામાં કારમાં પ્રસરેલી નીરવ શાંતિને હળવી કરવા ડ્રાઇવરે ધીમેથી રેડીઓ ચાલુ કર્યો ત્યાં એક ગીત સંભાળતા જ વ્યોમાના કાન સરવા થયા..
“શીશે કા સમંદર પાની કી દિવારે…….
માયા હૈ ભરમ હૈ મુહોબ્બત કી દુનિયા
ઇસ દુનિયા મે જો ભી ગયા વો તો ગયા…….”
પોતાનું મનપસંદ ગીત હતું એટલે વ્યોમાએ ડ્રાઈવરને વોલ્યુમ વધારવા કહ્યું. ને તે સાથે જ વ્યોમાનું મન ઉંડા વિચારોમાં ગરકાવ થઈ ગયું.
હજી ગીત પૂરું થયું ત્યાં તો પાછો એડવોકેટ સિન્હાનો ફોન આવ્યો, “.વ્યોમા મે’મ ક્યાં છો તમે..?”
“હું કોર્ટના રસ્તે જ છું, અહી ટ્રાફિકમાં ફસાઈ છુ.” પ્રશ્નનો ઉતર વળતા વ્યોમા બોલી.
મિ. સિન્હાએ સામે છેડે થી કીધું, ” ઓકે. જલ્દી આવો મે’મ, કોર્ટની કાર્યવાહી શરુ થવામાં બસ ૧૦ મિનીટનો જ સમય બાકી છે..”
“અરે હું અહી ટ્રાફિકમાં એવી જોરદાર રીતે અટવાઈ છું, પણ તોયે હું કોઈ પણ રીતે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરું છુ” તેમ કહીને ફોન મુક્યો પણ કોર્ટમાં પહોંચવું એટલું સહેલું ન હતું. આમ કરતા કલાક નીકળી ગયો. પાછો મિ. સિંહાનો ફોન આવ્યો, “મે’મ તમે ક્યાં છો હજુ..?”
વ્યોમા કઈ બોલે એ પહેલા જ સામે છેડેથી મિ. સિંહા બોલ્યા, “મે’મ તમારા માટે એક સરપ્રાઈઝ છે. રાહુલ સરને જામીન મળી ગયા છે ને હવે તમે જલ્દી પહોંચો.” સિન્હા બોલ્યો
વ્યોમા કઈ વિચારે એ પહેલાં નેટવર્ક પ્રોબ્લેમને લીધે સિંહાનો ફોન કટ થઇ ગયો. પરંતુ એટલી વારમાં તો એની કાર પણ કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ, ને ગાડીનો દરવાજો ખોલતાં જ સામે સિન્હા અને રાહુલને ઉભેલ જોયાં.
વ્યોમા રાહુલ તરફ આગળ વધી ને હાથ ફેલાવી હગ આપતા રાહુલને અભિનંદન કહ્યાં. પણ ભેટતી વખતે સામે રાહુલ તરફથી વ્યોમાને કોઈ ઉમળકો ન અનુભવાયો. છતાં વ્યોમાએ મન મનાવતા વિચાર્યું કે, -હશે..! આટલા દિવસ દુર રહેવાથી થોડો ફેરફાર તો દરેકમાં આવે તેમ રાહુલમાં પણ આવ્યો હશે. ને એવું મન મનાવવામાં નવું પણ શું હતું ? વ્યોમા ય આ વખતે ઘણી બદલાયેલી હતી. કેમ કે રાહુલ સાથે કારમાં બેઠા પછી આવો જ કંઇક અહેસાસ બંને પાસે-પાસે બેસેલા હોવા છતાં અનુભવી રહ્યાં. બેય જણે એક અજબ પ્રકારની ખામોશી અનુભવી. પણ તો ય કોઈ કશું કહેવા કે ચોખવટ કરવા ક્યાં ઉતાવળ કરતું હતું? આમ જ એકબીજાનાં મનોભાવને કળવાને, ન સમજાય એવાં વર્તનને સમજવાની કોશીશ કરવામાંજ ક્યાં ઘર આવી ગયું તે બેયને ખબરજ ન પડી.
કહેવાય છે કે જયારે કોઈ વ્યક્તિ તમને ગમતી હોય ત્યારે એની દરેક વસ્તુ, એણે બનાવેલ દરેક વસ્તુ ગમેતેવી હોય, તો ય તમને ગમવા જ લાગે. પણ જેવી તે વ્યક્તિ પરનો મોહ ઉતરે, કે એ વસ્તુઓ જોવી પણ ના ગમે. બસ આવું જ કંઇક થઇ રહ્યું હતું વ્યોમાના ડાઈનીંગ ટેબલ પર. આટલા દિવસ જેલના રોટલા ખાધા હોવા છતાં, આજે રસોડામાં વ્યોમાની ખાસ સૂચના હેઠળ અને રાહુલને મનગમતી બનેલ રસોઈ રાહુલને હવે ઝેર સમાન લાગી રહી હતી, કારણ વ્યોમા પરનો તેનો મોહ તૂટી ગયો હતો અને રાહુલ માટે આજની ખાસ રસોઈ પણ ગળા નીચે ઉતારવી મુશ્કેલ લાગી રહી, રાહુલે બે કોળીયાં ખાધા ન ખાધા, ને ઉભો થઇ ગયો. વ્યોમા આ બધું જોઈ ને અનુભવી રહી હતી. શું કારણ હશે આનું? તે વિચારવા લાગી. પણ તેને હાલ તુરંત તો કોઈ કારણ ના દેખાયું. જો કે વ્યોમા પોતે પણ ત્યારે એક અલગ જ દુનિયામાં જીવી રહી હતી. આમ જ ઘરમાં એક અજબ પ્રકારની સૂચક ખામોશી છવાયેલી અનુભવાતાં બેય જણા, એકબીજાથી અલગ, ગુમસુમ વિચારોમાં ખોવાઈ ગયાં.
જો ખુશી આપણા નસીબમાં જ ના હોય, તો આપણી સાથે જોડાયેલ લોકોની ઝોળીમાં પણ ના રહેવી જોઇએ, -એવું માનનારો રાહુલ આજે મનોમન વ્યોમા સાથેની લડાઈમાં આર યા પાર કરવાના મૂડમાં હતો. એટલીવારમાં જ વ્યોમા ફ્રેશ થઇને ડ્રોઇંગરૂમમાં આવી. થોડા કલાકોના મૌન પછી આખરે રાહુલે વ્યોમાને પૂછ્યું, “વ્યોમા કંપનીનો કારોબાર કેમ ચાલે છે?”
રાહુલનો આ સવાલ સાંભળી વ્યોમાને પાછલા થોડા દિવસોમાં બની ગયેલ બનાવો યાદ આવી ગયા. સપનાની અદેખાઈ કરવામાં પોતે કેવી મૂર્ખાઈ કરી બેઠી હતી કે તેની કંપનીને એક બહુજ મોટી આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું.
સપનાની કંપની સાથે રાહુલે કોન્ટ્રાક્ટ  કર્યો ત્યારે બંને પાર્ટીઓએ એક બેંકને મધ્યસ્થી તરીકે રાખવી પડી હતી. અને વચ્ચેની આ બેંકમાં બેઉએ એક-એક બહુ મોટી રકમ ગેરંટી તરીકે જમાં કરાવવી પડી હતી તેમ જ કોન્ટરેકટમાં શરતનો એક એવો ક્લોઝ નાખવો પડ્યો હતો કે જે પાર્ટી એ કોન્ટરેકટ અધવચ્ચે કેન્સલ કરશે તેના દંડ રૂપે તેની ગેરન્ટીની તે મોટી રકમ બેંક જપ્ત કરીને સામેવાળી પાર્ટી ને આપી દેશે. હવે પોતાના મેનેજર વર્ગીસની સલાહ માનીને વ્યોમાએ સપનાની કંપની સાથેનો કોન્ટરેકટ કેન્સલ તો કરી નાખ્યો, પણ ત્યારે તેને આ શરતનો બિલકુલ જ ખ્યાલ ન રહ્યો. આને કારણે સપનાના મિત્રો સ્પર્શ અને સંવેદનાએ કોર્ટ અને બેંક સાથે જરૂરી વાટાઘાટો કરીને વ્યોમાની બેંક-ગેરન્ટીની રકમ સપનાની કંપનીને અપાવી દીધી. આમ સપનાની કંપનીને મોટો ફાયદો થઇ ગયો અને વ્યોમાએ પોતાની મુર્ખામીભરી અદેખાઈનું ખુબ મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. પોતાની આ ધંધાકીય અણઆવડતને વ્યોમા ભૂલી નહોતી શકતી અને ત્યાં જ રાહુલે આવતાની સાથે કંપનીના કારોબારની વાત કાઢી કે -“વ્યોમા કંપનીનો કારોબાર કેમ ચાલે છે?”
બસ આટલું સાંભળીને વ્યોમાને ફરી પોતાની અણઆવડત યાદ આવી અને તે ભડકી ઉઠી,
“રાહુલ, કંપની સિવાય આ દુનિયામાં બીજી કોઇ વાત તને પૂછવા જેવી ન લાગી?” પછી કટાક્ષમાં બોલી, “આમે ય તેં પૈસા સિવાય કયા સબંધોમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે તને કંઈ ફિકર હોય..!”
આટલું સાંભળતા જ રાહુલ જોરથી બરાડ્યો, “હવે બેસને તું. કંઈ કેટલાયના બિસ્તર ગરમ કરવાવાળી તું, મને કયા મોઢે સબંધોના સમીકરણો સમજાવવા નીકળી છો?”
“બસ ઈનફ રાહુલ. હાઉ ડેર યુ સ્કાન્ડ્રલ..? તું કહેવા શું માંગે છે? તું મારી સાથે આવી રીતે વાત કરી જ કેમ શકે ?” વ્યોમા સામે તાડૂકી.
“બસ મેડમ બસ, હવે મને બહુ સારી રીતે ખબર છે કે હું એક બદચલન અને કપડાની જેમ વારંવાર પુરુષો બદલનારી બાઝારુ સ્ત્રી સાથે વાત કરી રહ્યો છુ, સમજી?”
હવે આ બધું વ્યોમાની સમજની સાવ બહાર જતું હતું કે રાહુલ ક્યા પ્રકારનું ઝેર ઓકી રહ્યો છે અને એવી અનિર્ણાયકતાને સ્પષ્ટ કરવા વ્યોમા બોલી, “જો રાહુલ હું હવે તારા મોઢે એક શબ્દ પણ સાંભળવા માગતી નથી. કેમ કે આપણી વચ્ચે જો એક બીજા પ્રત્યે માન, વિશ્વાસ કે ઈજ્જત ના હોય, તો ડિવોર્સ લઇ છુટા પડવું જોઈએ.”
“ઓકે ઓકે..! મને મંજુર છે. મારા હિસ્સાના કંપનીના શેર અને પૈસા આપી દે, ને મને છૂટો કર.” રાહુલ બોલ્યો.
“વોટ..? કઈ કંપનીની વાત કરે છે તું? જો રાહુલ, તું જે કંપનીની વાત કરે છે એ કંપનીમાં મારા ડેડીએ તને એક સામાન્ય ચાલમાંથી ઉઠાવીને ગોઠવ્યો છે. મારી સાથે તારા લગ્ન કરાવી તને ઈજ્જત આપી છે અને આજે તારી આ હેસિયત? કે મારી ઈજ્જત ઉપર તું આંગળી ચીંધે છે. ખબરદાર..! જો એક પણ આડોઅવળો શબ્દ મારી કે મારા ડેડી વિશે બોલ્યો છે તો.!”
બસ રાહુલને ત્યારે જ થયું કે આજે આ વ્યોમાની ઓકાત તેને બતાવવી જ પડશે.
એટલે એ પણ એટલા જ ઉંચા અવાજે બોલ્યો, “ઓ શટ અપ વ્યોમા. તને જે ઈજ્જતનું આટલું ગુમાન છે અને જે ઈજ્જતની તું વાત કરે છે ને, સાકળચંદ શેઠની છોકરીની એ ઈજ્જત તો આજે, ઓલ્યા અનાથાશ્રમમાંથી નીકળીને ગંદી નાલીનો કીડો બનીને, ગામનો ઉતાર થઈ, આખા ગામમાં રખડે છે..સમજી?”
બસ, આ વાક્ય સાંભળતા જ વ્યોમાને કાળોતરા સાપનો ડંખ્યો હોય તેવુ લાગ્યુ. દુખતી નસ પર રાહુલે કરેલો ઘા વ્યોમાને જીરવવો મુશ્કેલ લાગતા એ પગ પછાડી ઘરની બહાર આવી જઈ, સડસડાટ પોતાની કાર લઈ નીકળી ગઇ.
વ્યોમા આમ પગ પછાડીને કાર લઇ ક્યાં ગઈ હશે એનો તાળો મેળવવો રાહુલ જેવા શાતીર દિમાગના માણસ માટે બહુ મુશ્કેલ નહોતું. એટલે જેવી વ્યોમા કાર લઇ નીકળી, કે રાહુલે એક ખતરનાક ખેલ પાડવા માટેની યોજના બનાવી લીધી અને ત્યાં જ રાહુલના ફોન-ડીસ્પ્લે પર એક નંબર ઝળક્યો.
“ઓહ.. શેતાનને યાદ કરો, ને શેતાન હાજર..વાહ.. !” રાહુલ મનોમન બબડ્યો.
બદલો લેવાના અંતિમ પડાવ તરફ પોતે આગળ વધી રહ્યો છે તેમ સમજી એક અટહાસ્ય સાથે ફોન ઉપાડતા રાહુલ બોલ્યો, “હાય બ્લુ આઈઝ..! દુનિયામાં તારા જેવો શિકારી મેં જોયો નથી કે જે માણસના શિકારની ગંધ દુરથી જ પારખી જાય. યુ ગ્રેટ મેન, બ્રેવો..!.”
સામે છેડેથી એવો જ રીપ્લાય આવ્યો, “હું શિકારી છુ, તો તમે કોણ છો સર? મારા જેવા શિકારીના બાપ..? ”
“ઓકે, તો શિકારીને હવે પછી ભૂખ લાગી છે ને ? શિકાર કરવાનું મન છે ને?”
“નેકી ઔર પૂછ પૂછ..? બોલો કોનો કાંટો કાઢવાનો છે હવે ?”
” બધું જ જણાવું છું. તું મને હમણાં પાંચ વાગે હાઈવે નંબર ૮ પરના ‘કુરેશીના ઢાબા’ પર મળ. બધું જણાવું છું ત્યાં આવીને તને..” કહીને રાહુલે ફોન મુક્યો
થોડી વારમાં કુરેશીના ઢાબે જવા કાર લઇ નીકળી ગયો. રસ્તામાં રાહુલનું શાતીર દિમાગ પોતે કેટલો મોટો ખેલ પાડી રહ્યો છે એ વિચારીને, પોતાની જ હલકટાઈ પર પોરસાઈ રહ્યો હતો કે, “હવે હું મારા એક એક દુશ્મનોને વીણી વીણીને એવી રીતે ખતમ કરીશ, કે કોઈને ખબર પણ નહિ પડે.”
વિચારતા વિચારતા એ ઢાબે પહોચી ગયો. પોતાનો કોઈ પીછો નથી કરતું એ વાતની કાળજી લેતા થોડી વાર આમતેમ નજર દોડાવીને રાહુલ ધીરેથી કારની બહાર નીકળ્યો અને ખૂણાના એક ટેબલ પર જઈને ગોઠવાઈ ગયો.
એટલામાં ‘બુલેટ’ની ઘરઘરાટી સંભળાઈ અને રાહુલ સમજી ગયો કે શિકારી ‘બ્લુ આઈઝ’ આવી ગયો છે.
ઢાબામાં લોકોની અવર જવર બહુ ઓછી હતી.
થોડી જ વારમાં દબાતા પગલે રાહુલની સામે બ્લુ આઈઝ એની જગ્યા લઇ ચુક્યો હતો. રાહુલે તેની સામે જોયું,
તો આ વખતે તેને બ્લુ આઈઝમાં કંઇક ફરક દેખાયો, કેમ કે હવે રાહુલની નજર બદલાઈ ચુકી હતી. તેની આંખો બ્લુ આઈઝમાં વ્યોમાના દીકરાને શોધતી હતી.
ત્યાં જ વિષ્ણુ બોલ્યો ” કેમ શું થયું છે રાહુલસર? આજે તમને શું સાપ સુંઘી ગયો કે છે? કે શું ?”
“હું વિચારી રહ્યો છું કે આ વખતે તું શિકાર કરી શકીશ કે નહિ.”
“રાહુલસર, કેમ? આ વખતે શું મારા બાપની સુપારી ફોડવાની છે કે..?”
“ના ભાઈ ના..” રાહુલ અચકાઈ ગયો, ને બોલ્યો.
“જસ્ટ જોકિંગ સર..ડોન્ટ વરી. પૈસા મળતા હોય તો હું સગા બાપની ય સોપારી લેતાં વિચાર ન કરું. યુ જસ્ટ રિલેક્ષ..!”
વિષ્ણુની આ વાત સાંભળી, એક ક્ષણ તો રાહુલ ને પરસેવો વળી ગયો. પણ સમય ગુમાવ્યાં વગર તરત જ એક કવરમા શીકારનો ફોટો, નામ અને અતો-પતો આપી સુપારીની એક મોટી રકમ આ વખતે સામેથી નક્કી કરી, ને એડવાન્સ પેટે પચાસ લાખ રૂપિયા આપી સોદો ફાઈનલ કર્યો. અને તરત જ ત્યાંથી રાહુલે સડસડાટ ચાલતી પકડી. બીજી બાજુ બેગનું વજન જોઈ વિષ્ણુ પણ પામી ગયો કે આ વખતે નક્કી મોટો શિકાર હાથ લાગ્યો છે..!
અને બુલેટની કિક મારી પોતાની બ્લુ-આઈઝ ઉપર બ્લેક ગોગલ્સ ચડાવી તેના આગલા શિકાર તરફ સડસડાટ ગાડી દોડાવી દીધી.
— રમેશ લાખાણી

No comments:

Post a Comment